સંસ્કૃતમાં સાચું જ કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા ખલુ બનાઃ’ ખરેખર લોકો ઉત્સવપ્રિય હોય છે, પછી તે માનવ હિન્દુ ધર્મનો હોય કે ખ્રિસ્તી, જ્સ્લામ ધર્મ હોય કે જૈન, બૌદ્ધ ધર્મ હોય કે શીખ, પરંતુ દરેક ધર્મના લોકોને વિવિધ ઉત્સવ માણવાનું ગમે છે. આવો જ એક ઉત્સવ છે પંજાબીઓનો વૈશાખી.
વૈશાખી મૂળ તો પંજાબી લોકોનો પ્રિય ઉત્સવ છે. આપણો દેશ ખેતીપ્રધાન છે અને આ ખેતી કુદરત પર નિર્ભર છે. પંજાબ એટલે પાંચ નદીઓનો પ્રદેશ. આ પ્રદેશમાં કુદરતની અસીમ કૃપા છે. ફળદ્રુપ જમીન, પાણીની સુવિધા, અનુકૂળ વાતાવરણ વગેરેને કારણે અહીં મબલક ઘઉં પેદા થાય છે. વૈશાખ મહિનામાં ઘઉંનો પાક સંપૂર્ણ તૈયાર થઈ જાય છે. ત્યારે આ પાક જેની કૃપાને કારણે થયો છે, તેની કૃપાને આનંદથી વ્યક્ત કરવાનો અવસર એટલે જ વૈશાખી પર્વ. પંજાબીઓ વૈશાખીના પર્વે ઘઉંના પાકની કાપણી કરે છે, એટલું જ નહિ, કુદરતની અસીમ કૃપાને કારણે મબલક પાક થતાં પંજાબીઓ ખુશખુશાલ થઈ ઝૂમી ઊઠે છે અને પોતાની આગવી લઢણમાં ગીત, નૃત્ય દ્વારા પોતાના દિલનો આનંદ વ્યક્ત કરે છે.
વૈશાખી પર્વથી ઘઉં કાપવાની શરૂઆત થાય છે, માત્ર ખેડૂતો જ નહિ, પણ આ તહેવાર તમામ પંજાબીઓ પોતપોતાની રીતે સમગ્ર વિશ્વમાં ધામધૂમથી ઊજવે છે, જે આ પર્વનું મહત્ત્વ જ છે ને! દરેક પોતાના ઘરે ખુશીથી શીરો બનાવે છે અને ગુરુદ્વારામાં જઈને આ શીરાનો ભોગ લગાવે છે. ગુરુગ્રંથ સાહેબની આરતી કરે છે અને સૌનું કલ્યાણ થાવ એવી પ્રાર્થના પણ કરે છે.
શાસ્ત્રોમાં કહ્યું છે તેમ જે કઈ જીવનમાં આવક થાય તેનો દસ ટકા ભાગ ધર્માદા કરવો તેમ પંજાબમાં ઘરમાં ઘઉં લાવતાં પહેલાં પોતાની ઇચ્છા મુજબ ઘઉંની થયેલી આવકનો દસ ટકાથી વધુ ભાગ ગુરુદ્વારામાં ભેટરૂપે અર્પણ કરવામાં આવે છે.
આ પાવન પર્વે ગુરુદ્વારામાં કોઈ પણ જાતના ભેદભાવ વિના સૌ સાથે બેસી જમીને ‘ૐ સહનૌ ભવન્તુ’ અમે સાથે જમીએની ઉપનિષદની ઉદાત્ત ભાવના સાકાર કરે છે. રોટી, દાળ, ખીર, શાક વગેરે વ્યંજન સૌ પ્રેમથી આરોગે છે. આમ આ પર્વ જાણે સામૂહિક એકતાનો સંદેશ અર્પે છે.
વૈશાખીના પર્વે જો પંજાબીઓ નદીકિનારે રહેતા હોય તો નદીએ સ્નાન કરવા જાય છે. સ્નાન કરીને ઘરે આવીને શીરાનો પ્રસાદ બનાવે છે. અને પછી ગુરુદ્વારા જે તે ગામ કે નગરમાં ન હોય તો પોતાના ઘરે સ્થાપિત કરેલા નાના મંદિરમાં પ્રભુને સૌના ભલા માટે પ્રાર્થના કરે છે. ધરતીનાં બે બાળ એક માનવ અને પશુ બેઉના પરિશ્રમની શક્તિથી ધરતી સુજલા સુફલા બને છે. બેય વચ્ચે ધરતીનાં ધાવણ વહેંચાયાં છે. માનવને ધાન્યરૂપે તો પશુઓને ઘાસ રૂપે પ્રાપ્ત થાય છે. એટલે જ ‘સર્વે ત્ર સુખિન સન્તુ’ સૌ સુખી બનોની ઉત્તમ ભાવના આ પર્વે ખાસ ડોકાય છે.
વૈશાખી એટલે લોકોત્સવ એવં આનંદોત્સવ, વૈશાખી એટલે જ નવા ધાન્યનો ઉત્સવ! વૈશાખી એટલે ધર્મ, સામાજિકતા અને કલાનો સહિયારો આનંદોત્સવ! આ ઉત્સવમાં લોકોના જીવનની – લોકોની સંસ્કૃતિની કંઈક ઝાંખી થાય છે. ભેગા મળીને ઉત્પાદન કરવું, ભેગા મળીને ખાવું, દુઃખને અને સુખને વહેંચ્યા કરવું અને સમૂહશક્તિથી આપત્તિઓ આવે ત્યારે તેનો પ્રતિકાર કરવો એ સંદેશ જાણે આ ઉત્સવમાંથી પ્રાપ્ત થાય છે, જે ખૂબ મોટી વાત છે.
જીવન એટલે સ્વથી શરૂ થઈ સર્વ સુધી વિસ્તરતી, સતત વિસ્તરતી આનંદની કેડી. આ આનંદની કેડી જ આપણે 17ના હોઈએ કે 70ના, પણ હંમેશાં તરોતાજા રાખે છે, કારણ કે આનંદ વિના કોઈ પણ ધર્મ પંગુ છે. આનંદ એ તો માંહ્યલાની મિજબાની છે. વૈશાખી એટલે જ માંહ્યલાની મિજબાની! જેને પંજાબીઓ કોઈ પણ ભેદભાવ વિના માણીને ભારતીય સંસ્કૃતિ એ સમન્વયની સંસ્કૃતિ છે તે પુરવાર કરે છે.
પર્વ એટલે પાવનતાની દિશામાં એક પગથિયું ઊંચે ચઢવાનો અવસર! પર્વ એટલે પ્રાણબળ કેળવવાનો અવસર! પર્વ એટલે માણસાઈનું ગૌરવ અનુભવવાનો અવસર! વૈશાખી એટલે જ ઈશ્વરનાં ગુણગાન ગાવાની સાથે ઈશ્વરની સમીપ પહોંચવાનો અવસર’
વૈશાખી એટલે જ…
દુઃખ ભરે દિન બીતે રે ભૈયા
અબ સુખ આયો રે..
રંગ જીવનમાં નયા લાયો રે…
લેખક કેળવણીકાર છે.