વૈજ્ઞાનિક ક્ષેત્રે વિશ્વમાં રાષ્ટ્ર, રાજ્ય અને ખંભાતનું નામ રોશન કરતો ભારદ્વાજ શાસ્ત્રી

 

ખંભાતઃ વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતી નાસા દ્વારા આગામી સમયમાં ચંદ્ર પર માનવ વસાહત અંગેનું સંશોધન હાથ ધરવામાં આવનાર છે. આ સંશોધન અંતર્ગત નાસા દ્વારા ચંદ્ર પર રોવર મોકલીને માનવ રહેણાંક સહિતની બાબતો અંગે પણ આયોજન હાથ ધરવામાં આવ્યું  છે. 

આ મિશનના ભાગરૂપે નાસા દ્વારા સૂચનો અને ડિઝાઇન મેળવવા માટે વિશ્વ સ્તરે નાસાની લ્યુણનર રોવર પેયલોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિશ્વના ૨૯ દેશોમાંથી ૧૩૨ સ્પર્ધકોએ ડિઝાઇન તૈયાર કરીને સૂચનો મોકલ્યા હતા. જેમાંથી આણંદ જિલ્લાના ખંભાતમાં ભૈરવનાથ મંદિર અને ભવનાથ મંદિરના પૂજારી બચુભાઇ શાસ્ત્રીના પૌત્ર અને દિપકભાઇ શાસ્ત્રીનો યુવાન પુત્ર ભારદ્વાજ શાસ્ત્રીએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખંભાતમાં રહેતા ભારદ્વાજ દીપકભાઇ શાસ્ત્રીએ બારડોલીની મીકેનીકલ એન્જિનિયરીંગની ડીગ્રી પ્રાપ્તા કરી હતી. ભારદ્વાજને સ્પેસ અને યુનિવર્સમાં રૂચિ હોવાથી તેણે પોતાની કારકિર્દીને ઊંચાઇ પર લઇ જવા માટે મન મક્કમ કરીને જર્મનીમાંથી હાયર એજયુકેશન લેવાનું નક્કી કરી જર્મનીમાં બે વર્ષ માસ્ટર ઇન સ્પેસ ટેકનોલોજીનો અભ્યાસ કરવા જર્મની પહોંચી ગયો અને જર્મનીમાં માસ્ટ્ર ઇન સ્પેસ ટેકનોલોજીના અભ્યાસક્રમમાં જોડાયો. આ અભ્યાસ દરમિયાન એક વર્ષમાં સ્વીડનમાં રહીને સ્પેસને લગતી બધીજ સ્પર્ધાઓમાં ભાગ લીધો અને તેમાં સફળતા પણ મેળવી. 

ભારદ્વાજના આ સ્પેસ પ્રત્યેના લગાવના કારણે ચાલુ વર્ષે વિશ્વમાં વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતી નાસાએ લ્યુનાર કોમ્પીટીશનનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધામાં ભારદ્વાજે પોતાની લ્યુનાર સરફેસ એનરજીટીક ન્યુટ્રાલ્સા એનેલાયઝર નામની લ્યુનાર સરફેસ પર મોકલાય તે માટેની ડિઝાઇન તૈયાર કરી. 

ભારદ્વાજ વેકેશનમાં પોતાના વતન ખંભાતમાં આવ્યો હતો. પરંતુ ખંભાત આવ્યા  બાદ કોરોના મહામારીને કારણે તેણે વતન ખંભાતમાં જ રોકાઇ જવું પડયું હતું જેના કારણે ભારદ્વાજે ખંભાતમાં ઘરે બેઠાં જ આખી ડિઝાઇન તૈયાર કરી હતી. 

પોતે તૈયાર કરેલી આ ડિઝાઇન અંગેની વાત કરતાં ભારદ્વાજ જણાવે છે કે, નાસા દ્વારા ૨૦૨૪માં ચંદ્ર પર રોવર મોકલવામાં આવનાર છે. જે કદમાં ખૂબ જ મોટું હોવા સાથે તેમાં વિવિધ પ્રકારના ઇન્ટ્રુમેન્ટ  ગોઠવવામાં આવનાર છે. જે પૈકીનો એક માનવ રહેણાંક માટેની ડિઝાઇન બનાવવા નાસાએ વિશ્વ સ્તરે લુનાર રોવર પ્લેલોડ સ્પર્ધા યોજી હતી જેમાં મેં ભાગ લઇને ખંભાતમાં ઘરે બેઠાં જ સતત ચાર માસ સુધી ડિઝાઇન સહિતના સોફટવેર દ્વારા ડોકયુમેન્ટરી અને રહેણાંકની ડિઝાઇન તૈયાર કરી હતી જેનું નામ લુનાર સરફેસ એનર્જીક ન્યુટ્રીસ એનાઇઝર છે. 

ભારદ્વાજે પોતે તૈયાર કરેલી માનવ વસાહતની ડિઝાઇનને ચંદ્ર પર મોકલવાના અભિયાનમાં જોડવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, આ સાધનનું નામ એલઇએ છે જેના ઉપયોગથી ચંદ્ર પર માનવ વસાહત માટે ક્યું સ્થળ યોગ્ય રહેશે તે શોધવામાં મદદરૂપ બનશે. વૈજ્ઞાનિક ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવતી નાસા આયોજિત આ સ્પેર્ધામાં વિશ્વના ૨૯ દેશોમાંથી ભાગ લેનાર ૧૩૨ હરીફોમાંથી ભારદ્વાજ દિપકભાઇ શાસ્ત્રીએ તૈયાર કરેલ ડીઝાઇનને સમગ્ર વિશ્વમાં બીજું સ્થાન પ્રાપ્ત કરતાં નાસા દ્વારા ભારદ્વાજ શાસ્ત્રીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 

આમ ખંભાતના યુવાન ભારદ્વાજ શાસ્ત્રીએ પોતાના શાસ્ત્રી  પરિવારનું જ નહીં પણ સમગ્ર વિશ્વમાં રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા તેમજ ખંભાત શહેરનું નામ ગૂંજતું કર્યું છે