વેક્સિન લેવા માટે યુએસ મોકલવા મદદ માગતી અરજીનો જવાબ આપવા કોર્ટનો આદેશ

 

મુંબઈઃ સગીર વયની પુત્રીને કોરોનાની વેક્સિન લેવા માટે અમેરિકા મોકલવા કોર્ટની મદદ માગતી શહેરસ્થિત દંપતીની અરજીનો જવાબ આપવા બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્ર સરકારને આદેશ આપ્યો હતો. ન્યાયાધીશ એસ. એસ. શિંદે અને અભય આહૂજાની ખંડપીઠે મહારાષ્ટ્ર સરકારને આ મામલે એક અઠવાડિયાની અંદર જવાબ આપવાનો આદેશ આપ્યો હતો.

દક્ષિણ મુંબઈના રહેવાસી વિરલ અને બિજલ ઠક્કર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની ખંડપીઠ સુનાવણી કરી રહી હતી. વરિષ્ઠ વકીલ મિલિન્દ સાઠે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવ્યા અનુસાર દંપતીની પુત્રી ઑવરસિઝ સિટિઝનશિપ ઑફ ઈન્ડિયા કાર્ડ ધરાવતી હોવાને કારણે તે અમેરિકામાં વેક્સિન લેવાને પાત્ર છે.

દંપતીએ હાઈ કોર્ટને પુત્રીની આન્ટી અને સહ-અરજકર્તા પૂર્વી પારેખને કાયદેસર વાલી તરીકે નીમવાની વિનંતી કરી હતી જેથી કરીને તે તેની ભત્રીજી સાથે પ્રવાસ કરી શકે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કોરોનાની મહામારીને કારણે અમેરિકાએ ભારતીય પ્રવાસીઓ પર નિયંત્રણ લાદ્યા હતા.

જોકે, અમેરિકાના નાગરિકોને તેમ જ સગીર અમેરિકન નાગરિકોને અમેરિકાનું નાગરિકત્વ ન ધરાવતા માતાપિતા કે કાયદેસર વાલી સાથે પ્રવાસ કરવાની અમેરિકાએ છૂટ આપેલી છે.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે તાજેતરમાં ભારત સરકારે ૧૮ વર્ષથી વધુ વયજૂથના લોકોને વેક્સિનેશનની મંજૂરી આપી છે તે જ રીતે અમેરિકાએ ૧૨ વર્ષથી વધુ વયજૂથના લોકોને વેક્સિનેશનની મંજૂરી આપેલી છે.

રાજ્ય સરકારના વકીલ પૂર્ણિમા કંથારિયાએ મંગળવારે કહ્યું હતું કે સાઠે આ મામલે કેન્દ્ર સરકાર અને અમેરિકન અૅમ્બેસીને પક્ષકાર બનાવે. તેમણે કહ્યું હતું કે વર્તમાન કેસમાં નિર્ણય લેવાની રાજ્ય સરકારને સત્તા નથી.

અૅડવોકેટ સાઠેએ કહ્યું હતું કે અમે કેન્દ્ર સરકારને પક્ષકાર બનાવીશું, પરંતુ હાલના કાયદા મુજબ કેસને મામલે અમેરિકન અૅમ્બેસીને પક્ષકાર બનાવી શકાય એમ નથી. કોર્ટ આવતા અઠવાડિયે આ કેસની સુનાવણી હાથ ધરશે