વુડબ્રિજ મોલ – ન્યુ જર્સીસ્થિત 1947 દ્વારા આયોજિત ગણેશોત્સવને ભવ્ય સફળતા


ન્યુ જર્સીઃ અમેરિકામાં પણ ભારત અને ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્રમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઊજવાતા ગણેશોત્સવ ઠેર ઠેર એટલી જ ઉત્કટતાથી ઊજવાય છે. તાજેતરમાં ન્યુ જર્સીમાં ભારતીયોની પ્રગાઢ વસતિ ધરાવતા એડિસન નજીક વુડબ્રિજ મોલસ્થિત 1947 સંસ્થા અને 27મી ઇન્વેસ્ટમેન્ટના ઉપક્રમે 13મી સપ્ટેમ્બરથી 17મી સપ્ટેમ્બર, 2018ના રોજ ભવ્યતાથી ઊજવાયો હતો, જેમાં હજારો દર્શનાર્થીઓએ 15 ફૂટની મનોહર વિશાળ ગણપતિની મૂર્તિનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્યામલ મોદી અને પીરાનના વિચક્ષણ નેતૃત્વમાં અનેક સમર્પિત કાર્યકરોના સક્રિય સહયોગથી છેલ્લાં પાંચ વર્ષથી વિશાળ રીતે ઊજવાતા આ ગણેશોત્સવે અનેકને અન્યત્ર આ પ્રકારની ઉજવણી કરવાની પ્રેરણા આપેલ છે.
આ મહોત્સવનો શુભારંભ અગાઉ કન્ટ્રી રોડ, એડિસન, ન્યુ જર્સીથી થયો હતો. પછી જર્સી સિટી અને હવે વુડબ્રિજમાં ખાતે તેની લોકપ્રિયતા અને ધર્મપ્રેમી પ્રજાજનોમાં શ્રદ્ધા, ભક્તિની અવિરત ધારા જાળવી રહી છે.
રવિવાર, 16 સપ્ટેમ્બરે આ ગણેશોત્સવ માણવા ઊમટેલ વિશાળ જનમેદનીથી સમગ્ર વુડબ્રિજ મોલનો પાર્કિંગ લોટ ભરાઈ ગયો હતો, તો રૂટ એક પરથી મોલમાં પ્રવેશવા કારોની મોટી લાઇન લાગી હતી, જે વાસ્તવમાં આ મહોત્સવની સફળતાની ગવાહી પૂરે છે.
દર્શનાર્થીએ શિસ્તબદ્ધ કતારમાં ઊભા રહી ગણપતિબાપાનાં દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ચૌપાટી રેસ્ટોરન્ટના વડા ચંદ્રકાન્ત પટેલ અને પરિવારના સૌજન્યથી 1200 રતલના લાડુનું વિતરણ કરાયું હતું. દિવસમાં ત્રણ જુદા જુદા સમયે આરતીનું આયોજન કરી ભક્તોને ગણપતિ બાપાના મહિમાનાં ગુણગાન કરવાનો અવસર પણ સાંપડ્યો હતો. આયોજકો શ્યામલ મોદી અને પીરાને આ મહોત્સવની પ્રતિ વર્ષ વધતી લોકપ્રિયતા અને સફળતાનો યશ શિસ્તબદ્ધ, ધર્માનુરાગી દર્શનાર્થીઓ, અનેક સમર્પિત સ્વયંસેવકો, પોલીસ/ફાયરબ્રિગેડ ખાતું અને વુડબ્રિજના માનનીય મેયર જ્હોન મેક કોર્મિક અને વિશાળ મિત્રવૃંદને આપ્યો હતો. મહોત્સવના સ્થળે અનેક બૂથ હતાં, જ્યાં ખાણી-પીણી, કપડાં-જ્વેલરી આદિ વેચાતાં હતાં.
ગણેશોત્સવ ભારતીય ધર્મપ્રેમી આમજનતાના જીવનનું અંગ બનતું જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here