વીર માંગડાવાળાનો ભૂતવડઃ ભાણવડ

0
10683

સૌરાષ્ટ્રની ધરામાં ઐતિહાસિક વાર્તાઓ ઢબૂરાઈને પડી છે, જેને સાંભળીએ તો આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય! સાહસિકતા કોને કહેવાય… પ્રેમ કોને કહેવાય… ભૂત થઈને પણ પ્રેમની તૃપ્તિ પૂર્ણ કરે છે તેનો અમર ઇતિહાસ કાઠિયાવાડ – સૌરાષ્ટ્રના ચોપડે અમર છે! ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકાના બરડા વિસ્તારમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ભાણવડ ઘુમલી પર ભાણ જેઠવાનું રાજ હતું. ગીરના ધાતરવડ ગામનો વીર માંગડાવાળો જેઠવાનો ભાણેજ થતો હતો અને તેનો માનીતો હતો. ત્યાં ફૂલોનો બગીચો હતો. તેની દેખરેખ ‘વીર માંગડાવાળો’ રાખતો હતો. માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમકહાનીની વાર્તા માંડવી છે.
ઘુમલી ખાલી નવલખા માટે જાણીતું છે. ત્યાં પ્રાચીન નવલખા મંદિર અમર નજરાણું આ વિસ્તારનું છે. ત્યાં ભાણ જેઠવાના રાજમાં ‘વીર માંગડાવાળો’ બાહુબલી સમાન તાકાતવર ને લડવૈયો હતો. તેનાથી ડાકુ, લૂંટારાઓ ઘુમલી તરફ આવવાનું વિચારતા પણ નહિ. આવી ધાક માંગડાવાળાની હતી. તેની વીરતાનાં વખાણ સારાય સૌરાષ્ટ્રમાં થતાં હતાં. એક વાર માંગડાવાળો મેળામાં જાય છે. ત્યાં જ અંતરિયાળ રસ્તામાં વેલડું લઈને પાટણની પદ્માવતી અને તેની સહેલી જતી હોય છે. તેવામાં અલમસ્ત હાથી ગાંડો થઈને આ વેલડાને પાડી દેવાની કોશિશ કરે છે. અને વેલડું પડું… પડું.. થાય છે, ત્યાં જ યુવાન વીર માંગડાવાળો ઘોડી પર સવાર થઈ આવે છે. માંગડાવાળો હાથીને પોતાની મર્દાનગીથી હડસેલી હાથીને કાબૂમાં લઈ તેના પર અસવાર થઈ વેલડા નજીક આવે છે. ત્યાં પદ્માવતી અને તેની સહેલી નીચે ઊતરે છે. પદ્માવતી તો આંટિયાળી પાઘડીવાળા લવરમૂછિયા માંગડાવાળાને જોતાંવેંત તેના પ્રેમમાં પડી ગઈ અને ગાંડા હાથીએ માંગડાવાળાને માથામાં ઈજા કરી હતી ત્યાં તેની ચૂંદડીનો છેડો ફાડી તેના કપાળે પાટો બાંધીને આભાર વ્યક્ત કરતાં જણાવે કે આજ આપ ન હોત તો આ હાથી અમે કચડી નાખત. આપે અમને હાથી બચાવ્યાં એ બદલ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
ત્યાર પછી માંગડાવાળો અને પદ્માવતી બન્ને સજોડે મેળામાં જાય છે. રૂપ રૂપના અંબાર જેવી પદ્માવતીને નીરખી માંગડાવાળોતેને ચાહવા લાગે છે, અને પદ્માવતીએ તો મનોમન નક્કી કરી લીધું કે પરણીશ તો માંગડાવાળાને જ પરણીશ. તે પ્રણ લે છે કે જ્યાં સુધી મારાં લગ્ન માંગડાવાળા સાથે ન થાય ત્યાં સુધી હું નિયમિત શંકર ભગવાનના મંદિરે નિયમિત દર્શન અને પૂજા-અર્ચન કરીશ.
માંગડાવાળો મિયાણીનાં હરસિદ્ધ માતાનો ભક્ત હતો એટલે તે ઘુમલીથી મિયાણા હરસિદ્ધ માતાનાં દર્શન કરવા ગયો હતો. લૂંટારાઓને બાતમી મળી કે માંગડાવાળો ઘુમલીમાંથી નથી તેથી તેઓ ત્યાં આવીને ઢોર-ઢાંખરને લૂંટી ગયા. ભાણ જેઠવાની આ સમાચાર મળતાં તેમણે લૂંટાઓનો પીછો કર્યો અને ગીરની હીરણ નદીના કાંઠે નારેદ આગળ તેમને આંતરીને પડકાર્યા. ત્યાં લૂંટારાઓ અને ભાણ જેઠવા વચ્ચેે ઘમસાણ યુદ્ધ થયું આ તેની જાણ વીર માંગડાવાળાને થતાં તે હરસિદ્ધ માતાનાં દર્શન કરી સીધો ગીર તરફ જવા નીકળે છે, પણ રસ્તામાં પાટણ ગામના પાદરે શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય છે ત્યાં પદ્માવતી થાળ લઈને દર્શન કરી જતી સામે જ મળે છે. વીર માંગડાવાળો યોદ્ધો બની લડાઈમાં જવાના મૂડમાં હતો, પણ પદ્માવતી મળતાં ફરી પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા. માંગડાવાળાએ પૂછ્યું, કાં દર્શને આવ્યાં? પદ્માવતી કહે છે, આપ જ્યારથી મને મળ્યા છો તે દિવસથી હું આપના અપાર પ્રેમમાં પડી છું. આપને જ મારો ભરથાળ માની બેઠી છું. જ્યાં સુધી આપની સંગાથે લગ્ન નહિ ત્યાં સુધી શંકર મંદિરે નિત્ય દર્શન કરવા આવું છું. અને એના અનુસંધાને જ હું અત્યારે મંદિરે આવી છું. બોલો માંગડાવાળા, આપ મારી સાથે પરણશો? માંગડાવાળા તરત જ શંકર ભગવાનનો ઋણી હોય એમ બોલ્યો. મારા મનની વાત તમે કરી દીધી. હા પદ્માવતી, હું આપની સાથે જ લગ્ન કરીશ. તો પદ્માવતી કહે છે, મને કોલ આપો. માંગડાવાળો પદ્માવતીના હાથમાં હાથ રાખી વચન આપે છું કે પરણીશ તો આપને જ પરણીશ.
માંગડાવાળો આમ કોલ આપી ધીંગાણામાં લડવા જાય છે. લૂંટારાઓ સામે લડતો હતો, પણ પદ્માવતીની પ્રીત મનમાં ઉછાળા મારતી હતી. પ્રેમમાં પડેલા માંગડાવાળાનું દિલ કૂણું માખણ જેવું બની ગયું હતું. પદ્માવતીના વિચારમાં સતત રત રહેતા માંગડાવાળાને લૂંટારાએ દગો કર્યો. માંગડાવાળો પદ્માવતીના પ્રેમના કારણે શૌર્યથી લડી શક્યો નહિ અને દુશ્મનોના હાથે માર્યો ગયો.
માંગડાવાળો યુદ્ધમાં મર્યા પછી અધૂરી ઇચ્છાને કારણે ભૂત બન્યો. આ બાજુ પદ્માવતીને માંગડાવાળો મરાયો છે તેની જાણ થતાં તે પણ ઉદાસ થઈ ગઈ. ઘરના મોભીએ તેને બહુ સમજાવી તેને ઉનાના પૈસાપાત્ર વેપારીના પુત્ર સાથે પરણાવવાની વાત કરી. પદ્માવતીએ સહમતી આપતાં લગ્નની જાન ઊનાથી પાટણ જવા નીકળી ત્યારે તેઓ એક વડના ઝાડ નીચે નારેદ આગળ રોકાયા. માંગડાવાળાના કાકા અરશી આ જાનના સરદાર હતા, અને ઝાડની નીચે સૂતી વખતે તેમના પર માંગડાવાળાનાં આંસુ પડતાં તેઓ વિચારમાં પડ્યા. માંગડાવાળાએ પોતાની વીતકકથા કહી અને કાકા અરશીને પોતાને તેમની સાથે જાનમાં લઈ જવા વિનંતી કરી. ભૂત માંગડાવાળો વરરાજા બની જાનમાં જાય છે અને કાકા માંગડાવાળાનાં લગ્ન પદ્માવતી સાથે કરાવે છે અને લગ્ન પછી જાન પાછી વડના ઝાડ પાસે આવતાં ભૂત માંગડાવાળો વડમાં સમાઈ જાય છે અને તૃપ્ત થાય છે.


માંગડાવાળાએ આ વડની નીચે પોતાનો પાળિયો બનાવવાનું સૂચન કર્યું અને પોતે આવતી-જતી જાનનાં જાનૈયાંઓને હંમેશા મદદ કરશે એવું વચન આપ્યું. આજે પણ જ્યારે ગામમાં કોઈ લગ્ન થાય છે ત્યારે વર-કન્યા અહીં આવીને વીર માંગડાવાળા ભૂતડાદાદાને શ્રીફળ ચડાવે છે ને છેડાછેડી અહીં છોડે છે.
ભાણવડ ગામમાં ચોતરફથી વિરાટકાય વડ કેસરી રંગે રંગાયેલો છે. આ છે માંગડાવાળાની વીરતાની – બહાદુરીની અને પ્રેમભાવનાની અમર પ્રેમકહાની. આજે પણ ભૂતડાદાદાના નામે માંગડાવાળો વિશ્વવિખ્યાત છે અને આ ભૂતવડને શ્રદ્ધાળુઓ આસ્થાથી પૂજે છે, તેને સિંદૂર, ચૂંદડી ચડાવે છે. આ વડદાદામાં અપાર શ્રદ્ધા રાખનારાના ઘેર પારણું પણ બંધાય છે, જેથી મંદિરની દીવાલો પર અસંખ્ય ભૂલકાંઓના ફોટા લગાડેલા નિહાળવા મળે છે. મંદિરમાં આવેલા આ પાળિયાને શ્રદ્ધાળુઓ પૂજે છે. રોજના અસંખ્ય ચાહક ભક્તો ભાણવડ આવે છે અને ભૂતવડે શીશ ટેકવે છે. આ મંદિર કેસરિયો વડ ઉપર અસંખ્ય ચૂંદડીઓ અને હજારો ભૂલકાંઓના ફોટો જોશો તો વીર માંગડાવાળો અને સતી પદ્માવતીની અમર પ્રેમકહાનીનો ઇતિહાસ મર્મ સમજી શકશો.
આ ઐતિહાસિક વાર્તાને સજીવન કરવા રામાનંદ સાગરે ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતાને લઈને ‘વીર માંગડાવાળો’ ફિલ્મ બનાવી હતી, સાથે અમઝદ ખાન અને અરવિંદ ત્રિવેદીએ અભિનય કર્યો હતો. આ મંદિરમાં મુકાયેલી તસવીરમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અન્ય કલાકારો નજરે છે. ભાણવડમાં આ સિવાય બરડા ડુંગરમાં આવેલ આશાપુરા માતાજીનું મંદિર, ઘુમલીનો નવલખો, સોન કંસારી મંદિર, કિલેશ્વર, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ત્રિવેણી સંગમ, ગોપડુંગર (ગોપનાથ મહાદેવ મંદિર) જેવા ધાર્મિક સ્તલો પણ આવેલાં છે તો એની મુલાકાત પણ લેજો.

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here