વીરપુરના જલારામ બાપાના ગુરુ ભોજલરામ બાપાને ઓળખો

વીરપુરના જલારામબાપાથી સૌ કોઈ પરિચિત છે, પણ જલારામબાપાના ગુરુ કોણ હતા તે બહુ ઓછા લોકો જાણે છે. જલારામબાપાના ગુરુ એવા ભોજલરામબાપા હતા. અમરેલી જિલ્લામાં ફતેપુર ગામમાં ભોજલધામ આવેલું છે. હાલના મહંત ભક્તિરામ બાપુ ગાદી સંભાળે છે. તેમના પુત્ર નિખિલ સાવલિયા ભોજલધામનો વહીવટ અને કારભાર સંભાળે છે. તેમની સાથે થયેલી વાતચીત અને સાહિત્યના આધારે તારવેલા અંશ અત્રે પ્રસ્તુત છેઃ
બુદ્ધપૂર્ણિમાને દિવસે વિક્રમ સંવત 1841માં એક કણબી કુટુંબમાં કરસનદાસ અને ગંગામાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. તેનું નામ ભોજો. ત્રણ ભાઈઓમાં કરમણ અને નાનો ભાઈ જસા હતા. વચેટ પુત્ર એટલે ભોજાભાઈ.
ભોજાભગત જન્મથી માંડીને બાર વર્ષ સુધી માત્ર દૂધ પીને જ રહ્યા હતા. ભોજાભગતનો પરિવાર દેવકી ગાલોળ રહેતો ત્યારે તેમને શરીરે ગૂમડું થયું અને લાંબી વેદના છતાં ગૂમડું મટતું નહોતું, તેથી વીરપુર ગામમાં મીનળવાવમાં મીનળદેવીની માનતા થતી. આ માનતા પરિવારે રાખી અને ગૂમડું મટી ગયું. કહેવાય છે કે પાટણપતિ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ આ વાવ બંધાવી હતી. બાળક ભોજાભગતે દેવી મીનળને ત્યારે કહેલું કે, હું તો તમને એક શ્રીફળ વધેરું છું, પણ તેના બદલામાં હું તમારી પાસેથી બધાં જ શ્રીફળ લઈ જઈશ. ત્યાર પછી તેમના સેવક જલારામને વીરપુરમાં સદાવ્રત શરૂ કરવાનું કહ્યું. ભોજાભગત શિવભક્ત હતા. દેવકી ગાલોળ વસવાટ દરમિયાન ગામમાં નદીકાંઠે શિવમંદિર. ચોમાસામાં નદીમાં પૂર આવ્યું હતું. શિવભક્ત ભોજાભગતે પૂજાઅર્ચન કરી પરત નદી પાર કરીને આવ્યા ત્યારે તેમનાં વસ્ત્રો કોરાંકટ એટલે કે ભીનાં નહોતાં. પિતાના આગ્રહથી ખેતીકામ માટે ખેતરે જતા, પણ બીજાને ત્યાં ભજનમાં લાગી જતા ત્યારે તેમનાં વિવિધ ઓજારોથી ખેતીનું કામ આપમેળે થઈ જતું. આમ ભોજાની પ્રસિદ્ધિ સંત તરીકે વધતી ગઈ. ચક્કરગઢમાં તેમનાં સગાં સાથે રહેવાનું શરૂ કર્યું. અમરેલીથી દક્ષિણના બે માઈલ દૂર એક ટીંબા (માટીનો ટેકરો) પર કોઈ જતું નહોતું ત્યાં ભોજાભગતે રહેવાનું શરૂ કર્યું અને ફતેપુર ગામ વસી ગયું. વડોદરાના દીવાન વિઠ્ઠલરાવે ભોજાભગતની અનેક પરીક્ષા કરી અને પાર ઊતર્યા ત્યારે ભોજાભગતે દોઢસો જેટલાં પદ – ‘ચાબખા’ – સંભળાવી દીધાં.
ગુરુદક્ષિણામાં દીવાને ત્રણ ગામ ગરાસમાં આપવાની વાત કરી. પાઇમયા, રંગપુર અને વડેરા ગામનો ગિરાસ હવેલીમાં આપવાની વાત કરી અને તે દીવાને સ્વીકારી. તે જ પ્રેરણાથી જલારામબાપાની જગ્યામાં ભેટ સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું છે.
મોરારીબાપુએ ‘ચાબખા’ વિશે જણાવ્યું કે, ‘ચાબખા’ વાંચું ત્યારે મને એમ લાગે કે એકલો ‘ચાબખો’ હોત તો તે આક્રમક છે. તેથી ચાબુકવાળાને લોકો નમે છે, પણ અહીં તો શબ્દનો ચાબુક છે. ભગવાન કૃષ્ણ પાસે પણ ચાબુક અને લગામ બન્ને હતાં. ભોજાભગત તેમના ‘ચાબખા’થી પ્રખ્યાત છે.
ધ્રાંગધ્રાના મહારાજા એક વાર ફતેપુર આવ્યા હતા. બાપા ગરીબો અને સાધુસંતોને જમાડતા હતા ત્યારે રાજા પણ તેમાં સામેલ હતા. તેમના આ કાર્યથી ખુશ થઈ કંઈક આપવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બાપાએ એક મોટા પડવાળી ઘંટી માગી કે જેનાથી વધુ લોકોનો લોટ ઘડી વધુ લોકોને જમાડી શકાય. રાજાએ તાત્કાલિક આ કાર્ય કર્યું અને આજે જે ઘંટી છે તે ધ્રાંગધ્રાના રાજાએ આપેલી છે. મારાથી સવાયો થઈશ જેવા આશીર્વાદ જલારામબાપાને ભોજાભગત તરફથી મળેલા છે. એક વાર ‘પડ પાટમાં’ કહેતા જલારામ ઠેબી નદીમાં આખી રાત ઊભા રહે છે. સવારે ભોજલરામ જ્યારે નહાવા માટે નદીએ પહોંચે છે ત્યારે જલારામને જુએ છે અને ‘પડ પાટમાં’ શબ્દની આખ વાત સમજાય છે અને શિષ્ય કેવો હોવો જોઈએ એ દુનિયાને બતાવવાના એકમાત્ર પ્રયત્ન છે. આવા તો અનેકાનેક પરચા ભોજલરામે લોકોને બતાવ્યા છે.
પવિત્ર યાત્રાધામ ભોજલરામની ભૂમિ
ભોજલધામ એટલે જલાબાપા, વાલમબાપા અને તેજા ભગત જેવા મહંતોનું ગુરુસ્થાન.
જલારામબાપાએ તેમના જીવનનો ઘણો સમય ગુરુસેવામાં વિતાવ્યો. 40 વર્ષ તપસાધના કરી.
ફતેપુરમાં પ્રથમ આશ્રમનો ઓરડો બંધાવ્યો.
ધરમની ધજા ફરકાવવામાં આવી. 200 વર્ષથી સ્મૃતિચિહ્નો ઢોલિયો, પાઘડી, માળા તથા કંકુપગલાં આજે પણ છે.
રામજી મંદિર, સ્વયંભૂ હનુમાન, શ્રીકૃષ્ણ – ગાલોવિયા નદીમાં થાળીમાં મૂર્તિ સામે તરીને પાછી આવી હતી. સ્વયંભૂ શિવલિંગ, સૂર્યનારાયણ અને રાંદલમા ભયંકર વાવાઝોડામાં અકબંધ રહ્યાં.

લેખક ફ્રિલાન્સ પત્રકાર છે.