વિસનગરમાં ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ફોટો-વીડિયો બિઝનેસ સમિટ યોજાઈ

વિસનગરઃ વિસનગરમાં આવેલા ઉમિયા ગાર્ડન પાર્ટી પ્લોટમાં ફોટો વીડિયો બિઝનેસ સમિટ-2023 યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફર જોડાય તેમજ તેમની સમસ્યાઓનો હલ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ સમિટમાં 45 જેટલા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ભવ્ય ફેશન-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વિસનગરમાં સમગ્ર ઉતર ગુજરાત ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ભવ્ય ફોટો વીડિયો બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ સમિટમાં ફોટોગ્રાફર એકબીજા ફોટોગ્રાફર સાથે રૂબરૂ મુલાકાત કરે તેમજ વધુમાં વધુ સંગઠન સાથે જોડાય અને ફોટોગ્રાફરને જે સમસ્યાઓ નડતી હોય તેનું નિરાકરણ થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ બિઝનેસ સમિટમાં સૌ પ્રથમવાર એક જ જગ્યાએ ફોટોગ્રાફરને લગતા કેમેરાની કંપનીઓ જેવી કે સોની, પેનાસોનિક, ફ્યુઝી, કેનન, નિકોન તેમજ ફોટો ગુડઝ, આલ્બમ, પ્રિન્ટિંગ, પ્રિવેડિંગ રિસોર્ટ, LED કેમેરા સર્વિસ, ફોટો ફ્રેમ જેવા 45 જેટલા વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા.
ઉત્તર ગુજરાત ફોટોગ્રાફર એસોસિયેશનના બિઝનેસ સમિટમાં ભવ્ય ફેશન-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ જગ્યાએથી આવેલ ફોટોગ્રાફરો માટે 30થી 40 જેટલા લકી ડ્રો દ્વારા ઈનામ જીતવાની તક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જેમાં દરેક જિલ્લા તાલુકાના ફોટોગ્રાફરો સાથે મૈત્રી મુલાકાતનું પણ આયોજન કરાયું હતું. આ ઉપરાંત ફોટોગ્રાફરનું શિલ્ડ, શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમિટમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠાના ફોટોગ્રાફર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.