વિશ્વાસ કોને છે, કોનો છે? શું રાહુલમાં આત્મવિશ્વાસ જાગ્યો છે?

0
881


કોંગ્રેસની નવી રાષ્ટ્રીય કારોબારીની નવી દિલ્હીમાં યોજાયેલી સૌપ્રથમ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએનાં ચેરપર્સન સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. (ફોટોસૌજન્યઃ ધ હિન્દુ)

લોકસભામાં અવિશ્વાસની દરખાસ્તનો રકાસ થયા પછી રાજકીય જગત અને મિડિયામાં ચર્ચા શરૂ થઈ છે. આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી હશે? શું રાહુલ ગાંધીમાં હવે આત્મવિશ્વાસ જાગ્યો છે? કોંગ્રેસ અને વિપક્ષોને રાહુલ નેતાગીરી વિજય અપાવશે એવો વિશ્વાસ થઈ રહ્યો છે? આ પ્રશ્નોનો જવાબ રાહુલના નામે ચૂંટણી લડાશે, કે પછી પ્રાદેશિક પક્ષોના નેતાઓ પોતપોતાના રાજ્યમાં મોરચાની આગેવાનીનો આગ્રહ રાખશે તેના ઉપર આધાર રાખે છે. કોંગ્રેસે નક્કી કરવાનું છે કે સત્તા મેળવો અથવા મોદી હટાઓ – આ બન્નેમાંથી પ્રાધાન્ય – પ્રથમ પસંદગી કઈ? કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીની દાવેદારીનો નિર્ણય લેવાયા પછી પ્રાદેશિક પક્ષોના નેતાઓએ આંગળીઓ ઊંચી કરી છે,- મસ્તક ઊંચાં કર્યાં છે તેથી કોંગ્રેસે ખુલાસો કર્યો કે અન્ય નેતાની ઉમેદવારી માન્ય છે!
કારોબારીમાં પ્રાધાન્ય મોદી હટાઓને અપાયું છે. સોનિયા ગાંધીએ સલાહ આપી છે કે એક વિસ્તૃત મોરચો – અર્થાત્ મહાગઠબંધન હોવું જોઈએ. ચૂંટણી પહેલાં અને ચૂંટણી પછીની સમજૂતી હોવી જોઈએ. આ માટે સમિતિ બનાવાશે. રાહુલ ગાંધીએ સભ્યોને આશ્વાસન આપ્યું છે કે કોંગ્રેસના હિતની અવગણના નહિ થાય. મહારાષ્ટ્રમાં શરદ પવારની ભાગીદારી પાકી છે. આ જ રીતે બિહારમાં લાલુપ્રસાદ યાદવ, કર્ણાટકમાં દેવેગૌડા અને તામિલનાડુમાં ડીએમકે – કાયમી ભાગીદાર છે. પ્રશ્ન માત્ર ઉત્તર પ્રદેશ અને બંગાળનો છે. ચિદમ્બરમ્ કહે છે, અત્યારે ભલે બે રાજ્યોમાં કોંગ્રેસની સત્તા છે – પણ 12 રાજ્યોમાં ભાજપ સાથે સીધી લડત છે – બિહાર, ઉત્તર પ્રદેશ, બંગાળ વગેરે રાજ્યોમાં મોરચો બની શકશે.
વડા પ્રધાનપદના દાવેદાર ગમે તે હોય – મુલાયમ સિંહ યાદવ અને માયાવતીથી મમતા બેનરજી સુધી, પણ હકદાર તો રાહુલ ગાંધી જ હશે એમ સ્પષ્ટ જણાવાય છે. કોંગ્રેસ પાસે અત્યારે 44 સભ્યો છે, છતાં ભાજપના વિકલ્પ તરીકે લોકોમાં છાપ કોંગ્રેસની અને રાહુલ ગાંધીની જ છે – કારણ કે સંસદમાં તેઓ જ વિપક્ષના નેતા – અવિધિસરના છે! મમતા – માયાનાં આ માન-સ્થાન નથી અને અવિશ્વાસનો ઠરાવ ભલે બીજાના નામનો હોય – વિપક્ષમાં વાહવાહ તો રાહુલ ગાંધીની થઈ! લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ઓછામાં ઓછી 200 બેઠકો મળે તો કોંગ્રેસ સરકાર અને રાહુલ ગાંધી વડા પ્રધાન બની શકે એવી ધારણા કોંગ્રેસની છે.
વડા પ્રધાનપદ માટે રાહુલના નામને એકમાત્ર દેવેગૌડાનો ટેકો છે, જ્યારે તેજસ્વી લાલુ યાદવ તો કહે છે કે ઘણા ઉમેદવારો છે. મમતા બેનરજી કે શરદ પવાર પણ બને તો અમને વાંધો – વિરોધ નથી. મમતા બેનરજી આ અંગે મૌન છે અને સમાજવાદી પાર્ટી કહે છે કે ચૂંટણી જાહેર થાય ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર થવું જોઈએ, જેથી એક નેતાની આગેવાનીમાં લડી શકાય… અખિલેશ યાદવને તો જાદુઈ ઝપ્પી પસંદ પડી નથી. એમણે ટ્વિટ કર્યુંઃ કોઈ હાથ ભી ના મિલાયેગા, જો ગલે મિલો કે ટપાકસે, યહ નયે મિજાજ કા શેર હૈ, જરા ફાસલે સે મિલા કરો (આવી ઉષ્મા સાથે કોઈને ભેટવા દોડો તો કોઈ તમારી સાથે હાથ પણ નહિ મિલાવે – આ નવા મિજાજના શેર છે, જરા અંતર રાખીને મળો) અખિલેશ રાહુલના નામને સમર્થન આપવા હજી તૈયાર નથી..
બીજી તરફ ભાજપ-એનડીએનો વિચાર કરીએ તો શિવસેના સાથે કોઈ સમજૂતી થાય તો તે ચમત્કાર ગણાય! રાજ્ય વિધાનસભાની 288 બેઠકોમાંથી પચાસ ટકાથી વધુ આપવા ભાજપ તૈયાર થાય નહિ. વિધાનસભામાં ભાજપને 122 અને શિવસેનાને માત્ર 63 બેઠકો મળી તે ફટકો શિવસેના માટે અસહ્ય છે. લોકસભાની 48માંથી માત્ર 18 બેઠકો મળી અને ભાજપને 24 મળી હતી. હવે શિવસેના મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠા અને સત્તા ફરીથી મેળવવા માગે છે. મરાઠા, દલિતો – નારાજ છે તેનો લાભ શિવસેનાને મળે? શિવસેના ભાજપ સામે હોય તો કોંગ્રેસ – રાષ્ટ્રવાદીને નક્કી ફાયદો થાય.
શિવસેનાએ હજી સુધી સત્તા છોડી નથી અને જાણે છે કે સેનાના મંત્રીઓને પડતા મૂકવાની હિંમત ભાજપ નહિ કરે. તેથી ચૂંટણી જાહેર થયા પછી શિવસેના કહેશે – અમે છુટ્ટા અને મંત્રીઓ રાજીનામાં આપશે, પણ અત્યારે – કભી હાં કભી ના-ની રમતમાં કાર્યકરો મૂંઝવણમાં છે. રાહુલ ગાંધીની પીઠ થાબડાય ત્યારે સામાન્ય કાર્યકર શું સમજે? હવે શિવસેનાને સાથે રાખવા માટે ભાજપ કેટલી કિંમત (બેઠકો) આપવા તૈયાર થશે?
તામિલનાડુમાં અન્ના ડીએમકે ભાજપ સાથે છે, પણ રાજ્યમાં એમનો ગજ નથી. ડીએમકેના સ્ટાલિન કોંગ્રેસ સાથે છે અને અભિનેતા કમલ હાસન પણ છે. ભાજપનો મદાર રજનીકાંત ઉપર છે – પણ પરિસ્થિતિ પ્રવાહી છે.
ઓડિશાના બિજુ જનતા દળે પણ લોકસભામાં તટસ્થ રહીને ભાજપને મદદ કરી છે. આંધ્ર પ્રદેશમાં રાજ્યના વિશેષ દરજ્જા – પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે. ચંદ્રાબાબુએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે, પણ એમના હરીફ જગન મોહન રેડ્ડી ભાજપ સાથે હશે. ચંદ્રાબાબુને એમનો જ પડકાર છે અને જગન મોહનના સભ્યો મતદાનમાં ગેરહાજર રહ્યા અને પછી આંધ્ર બંધનું એલાન આપ્યું. તેલંગણના ચંદ્રશેખર રાવે શરૂઆતમાં ત્રીજા મોરચાની હિમાયત કરી, પણ મમતા ફસકી ગયાં પછી હવે અલગ છે અને કોંગ્રેસ વિરુદ્ધ ભાજપને સાથે રાખશે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ અને માયાવતી વચ્ચે સમજૂતી થઈ છે – કોંગ્રેસના ભોગે.
આમ – રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ જાગ્યો છે, પણ જનતાનો વિશ્વાસ મળવો બાકી, દૂર છે – કારોબારીમાં એમણે પણ કબૂલ કર્યું છે. નરેન્દ્ર મોદીએ લોકસભામાં ભવિષ્યની ઝલક બતાવી છે. હવે થ્રિલર બતાવાશે. રાફેલ અને બોફોર્સની સરખામણી થશે. બોફોર્સની વિમાનવિરોધી તોપના ધડાકા થશે. ચિદમ્બરમ કોર્ટના ધક્કા ખાશે. એમના બચાવમાં કોઈ કોંગ્રેસી નેતા આવતા નથી તે સૂચક છે.
અવિશ્વાસનો ઠરાવ રજૂ થયો ત્યારે વિપક્ષની છાવણીમાં કુલ 147 સભ્યો હતા, પણ માત્ર 126 મત મળ્યા. જ્યારે ભાજપ પાસે 274 સભ્ય હતા, પણ 325 મત મળ્યા. અલબત્ત, લોકસભા અને ‘જનસભા’ના ચૂંટણીના મતદાનમાં ફરક છે. લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સભ્યો હોવા છતાં 126 મત મળ્યા – પણ આ મહાગઠબંધન નથી. ભાજપ-એનડીએને પોતાના સંખ્યાબળ કરતાં 50 મત વધુ મળ્યા છે, પણ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુસ્લિમ-દલિત અને મહિલાઓ ઉપરના અત્યાચાર અને ભ્રષ્ટાચારનો મુદ્દો ચૂંટણીપ્રચારના કેન્દ્રમાં રાખશે. લોકસભામાં ચર્ચા દરમિયાન વડા પ્રધાને આ તમામ વિષયોમાં વિગતવાર આંકડા સાથે જવાબ આપ્યો છે. કોંગ્રેસનો વ્યૂહ નરેન્દ્ર મોદીના મુખ્ય મુદ્દા – સબ કા સાથ – સબ કા વિકાસ અને ભ્રષ્ટાચાર નાબૂદી – સામે પ્રશ્નો અને શંકા ઉઠાવવાનો છે. આ માટે ટોળાંશાહીની હિંસા અને રાફેલ વિમાનોની ખરીદી ચગાવાશે. ભૂતકાળમાં રાજીવ ગાંધી સામે વી. પી. સિંહ અને વિપક્ષે બોફોર્સ તોપનો ધડાકો કર્યો હતો. હવે રાહુલ ગાંધી હિસાબ ચૂકતે કરવા માગે છે.
લોકસભામાં નરેન્દ્ર મોદીને અચાનક ભેટી પડ્યા પછી રાહુલે પોતાના પક્ષ સામે જોઈને આંખો મારી – મીંચકારી તેથી એમની મન કી બાત છતી થઈ ગઈ છે. જાદુ કી ઝપ્પી એક નાટક – બાલિશ હરકત હતી એવી સાબિતી આપી અને શરદ પવાર અને શિવસેના ભલે રાહુલને શાબાશી આપે – તેની અસર સારી પડી નથી. એક પીઢ રાજકીય નેતા તરીકે છાપ પડી નથી.
લોકસભાના બીજા જ દિવસે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી. પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની આ પ્રથમ બેઠક હતી અને એમણે સભ્યો – સિનિયર નેતાઓને સલાહ આપી – આપણી ભાષા અને વર્તન બન્નેમાં શિસ્ત અને શિષ્ટતા હોવાં જોઈએ… મહાત્મા ગાંધીએ આપણને હિંસા અને તિરસ્કાર શીખવ્યાં નથી. એમણે તો સત્ય અને અહિંસાથી બ્રિટિશ સલ્તનતને પરાજિત કરી. આપણે એ માર્ગે જવાનું છે. પક્ષના નેતાઓને બેજવાબદાર નિવેદનો નહિ કરવા અને ભાજપને તક નહિ આપવાની તાકીદ કરી છે. કારોબારીની બેઠકમાં હાજર મોટા ભાગના સભ્યોને રાહુલની જાદુઈ ઝપ્પી અને આંખ-મીંચામણાં ખટકે છે. ખાનગીમાં ઘણા નેતાઓ કહે અને કબૂલે છે કે આ બરાબર નથી, પણ કોંગ્રેસના જનરલ સેક્રેટરીએ સૌને સલાહ આપી છે કે રાહુલજીની સૂચનાનું પાલન કરો.
આ બેઠકમાં શક્તિસિંહ ગોહિલે સૂચવ્યું કે મોદી અને અમિત શાહને એમની જ ભાષામાં જવાબ આપવા જોઈએ. પ્રેમ અને લાગણીની ભાષાનો કોઈ મતલબ નથી. એમને કોઈ સંબંધની પરવા નથી. નીતિમત્તા નથી – અન્ય લોકો માટે તેઓ જે અપમાનિત ભાષા વાપરે છે – એવી જ ભાષા વાપરવી જરૂરી છે. કોંગ્રેસના ઘણા નેતાઓ શક્તિસિંહની વાત સાથે સંમત થાય છે, પણ રાહુલ સાથે અસંમત કેવી રીતે થાય? અમારા સંયમ અને શિષ્ટતાને લોકો નબળાઈ માને છે અને મોદીને હટાવવા માટે આપણે અસમર્થ છીએ એવી ટીકા પણ થાય છે – આવી ઝપ્પી – અને પ્રેમની અવળી અસર પડશે.કોંગ્રેસી વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી છે કે સોનિયાજીની જેમ આક્રમક ભાષા – મૌત કા સૌદાગર – વાપરીને મોદીનો જવાબ આપવો જોઈએ. હવે આગામી મહિનાઓમાં કેવી ભાષા સાંભળવા મળશે?

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી છે.