વિશ્વમાં 52 ટકા પ્લાસ્ટિક વેસ્ટ માટે ભારત સહિત 12 દેશો જવાબદાર

સ્વિસ આધારિત રિસર્ચ કન્સલ્ટન્સી અર્થ એક્શનદ્વારા તાજેતરમાં પ્લાસ્ટિકના મેનેજમેન્ટ અંગે વિશ્વ સ્તરે એક રિસર્ચ હાથ ધરવામાં આવી હતી. તેના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા. માહિતી અનુસાર વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતાને કારણે આ વર્ષે લગભગ 6,86,42,999 ટન વધારાનો પ્લાસ્ટિક કચરો કુદરતમાં સમાપ્ત થઈ જશે એટલે કે તેનો નિકાલ આવી જશે. જોકે તેમ છતાં 2040 સુધીમાં વિશ્વ સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણ ત્રણ ગણો વધી જશે. જે એક ચિંતાજનક મામલો છે.
2023માં આખા વિશ્વમાં 159 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થશે. જેમાંથી 43 ટકા એટલે કે 68.5 મિલિયન ટન પ્લાસ્ટિક પ્રદૂષણનું કારણ બનશે. 28 જુલાઈએ પૃથ્વીએ તેનો પ્રથમ ઓવરશૂટ દિવસ જોયો હતો. EA અનુસાર ઓવરશૂટ દિવસ એટલે કે એ પોઈન્ટ જ્યારે પ્લાસ્ટિકની માત્રા ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતાથી વધુ થઈ જાય છે.
EAના જણાવ્યાનુસાર ચીન, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, રશિયા, મેક્સિકો, અમેરિકા, સાઉદી અરબ, કાંગો, ઈરાન અને કઝાકિસ્તાન સાથે ભારત એ 12 દેશોમાં સામેલ છે જે દુનિયાના 52 ટકા મિસમેનેજ કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટ માટે જવાબદાર છે.
અહેવાલ અનુસાર પ્લાસ્ટિક ઓવરશૂટ દિવસ દેશના મિસમેનેજ્ડ વેસ્ટ ઈન્ડેક્સ આધારે નક્કી કરાય છે. ઉત્પાદન કરાયેલા અને ઉપયોગમાં લેવાયેલા પ્લાસ્ટિકની માત્રા વચ્ચે અસંતુલન થતાં વેસ્ટ અસ્તિત્વમાં આવે છે જે પ્રદૂષણનું મૂળ કારણ બને છે. વેસ્ટ મેનેજમેન્ટ ક્ષમતા અને પ્લાસ્ટિકના વપરાશના અંતરને MWI કહેવાય છે. સૌથી વધુ વેસ્ટ મિસમેનેજમેન્ટ કરનારા દેશોમાં મોઝામ્બિક (99.8 ટકા), નાઈજિરિયા (99.44 ટકા) અને કેન્યા (98.9 ટકા) આફ્રિકી દેશો ટોચ પર છે. અહેવાલ અનુસાર ભારત MWIની યાદીમાં ચોથા ક્રમે આવે છે. અહીં કુલ પ્લાસ્ટિક વેસ્ટમાંથી 98.55 ટકાનું મિસમેનેજમેન્ટ થાય છે.
પ્રતિ વ્યક્તિ પ્લાસ્ટિક વપરાશ મામલે આઈસલેન્ડ ટોચના સ્થાને છે. જ્યાં દર વ્યક્તિએ વાર્ષિક વપરાશ 128.9 કિલોગ્રામ પ્લાસ્ટિક વપરાય છે. જે ભારતમાં પ્રતિ વ્યક્તિ 5.3 કિલોગ્રામના વાર્ષિક વપરાશથી 24.3 ગણો વધારે છે. દર વ્યક્તિએ દર વર્ષે પ્લાસ્ટિકનો વૈશ્વિક સરેરાશ વપરાશ 20.9 કિલોગ્રામ છે.
નિષ્ણાતો અનુસાર રિપોર્ટના આંકડાને પડકારી શકાય તેમ છે કેમ કે તેમાં જાણકારીના સ્ત્રોતનો ઉલ્લેખ નથી કરાયો. ભારત તેના પ્લાસ્ટિકના કચરામાંથી 12.3 ટકાને રિસાઈકલ કરે છે અને 20 ટકાને બાળી નાખે છે.