વિશ્વમાં સૌથી લાંબો સમય જીવનાર શરીરે જોડાયેલા ભાઇઓનું અવસાન

 

ડેટોન(અમેરિકા)ઃ શરીરે એક બીજા સાથે જોડાયેલા હોય તેવા બાળકો સામાન્ય રીતે લાંબુ જીવી શકતા નથી. જુદા પાડવાની શસ્ત્રક્રિયા દરમ્યાન નહીં તો કુદરતી રીતે પણ તેઓ સામાન્ય રીતે વહેલા અવસાન પામી જતા હોય છે. પરંતુ અમેરિકાના ઓહિયો રાજ્યમાં શરીરે એકબીજા સાથે જોડાયેલા એક જોડકાએ અનોખો વિક્રમ રચ્યો છે. આ બંને ભાઇઓ ૬૮ વર્ષ જીવીને હાલમાં અવસાન પામ્યા છે. 

અમેરિકાના ઓહિયો રાજ્યના ડેટોન શહેરમાં વિશ્વના આ સૌથી વયોવૃદ્ધ કોજોઇન્ડ ટ્વીન્સ રોની અને ડોની ગાયલોનનું ૬૮ વર્ષની વયે ૪ જુલાઇએ એકસાથે અવસાન થયું છે. આ બંને ભાઇઓ કમરના ભાગે એકબીજા સાથે જોડાયેલા હતા અને તેમના બંને વચ્ચે નીચેનું પાચન તંત્ર એક જ હતું. જો કે બંનેના હૃદય અને પેટ જુદા હતા અને હાથ તથા પગ પણ જુદા હતા. આ સ્થિતિમાં જીવવાનું ઘણું મુશ્કેલ હોય છે પરંતુ આ બંને ભાઇઓ ૬૮ વર્ષ સુધી એક બીજા સાથે અદ્ભૂત સુમેળથી જીવ્યા અને એકસાથે અવસાન પામ્યા છે. ૨૮ ઓકટોબર, ૧૯૫૧ના રોજ ઇલીન અને વેસ્લી ગાયલોનને ત્યાં જન્મેલા આ ભાઇઓ તંદુરસ્ત હતા પણ શરીરે જોડાયેલા હતા. 

ડોકટરોએ તેમને જુદા પાડવાનો પ્રયાસ તો કર્યો પણ બાદમાં તેમના મા-બાાપને જણાવી દીધું કે તેમને જુદા પાડવાની સર્જરી જોખમી બની શકે છે અને તેમના માતા-પિતાએ તેમને જુદા પાડવાનો ઇન્કાર કર્યો અને આ બંને ભાઇઓ સાથે જ જીવ્યા. આ બંને ભાઇઓએ સર્કસ અને કાર્નીવલોમાં સાઇડ કલાકાર તરીકે કામ કર્યું હતું અને આનંદ પૂર્વક જીવ્યા હતા. તેમણે અગાઉનો ૬૨ વર્ષ જીવવાનો કોજોઇન્ડ ટ્વીન્સનો થાઇલેન્ડના ચાંગ અને એન્ગ ભાઇઓનો વિક્રમ તોડ્યો છે