વિશ્વનો સૌથી સુખી દેશ છે ફિનલેન્ડ

 

ફિનલેન્ડ : ફિનલેન્ડ વિશ્વના સૌથી વિકસિત દેશોમાંનો એક છે. જ્યાં દરેક નાગરિકને આર્થિક સુરક્ષા, ભથ્થાની સાથે એવા અનેક અધિકારો અને સુવિધાઓ મળી છે કે, જો તેઓ નોકરી ગુમાવશે તો શું થશે તે ક્યારેય વિચારવું પડતું નથી અથવા જો તેઓ વૃદ્ધ થઈ જાય અને પૈસા ન હોય તો શું થશે અથવા અકસ્માત કે તબિયત નાદુરસ્ત થાય તો સારવાર કેવી રીતે થશે? આ તમામ જવાબદારી સરકાર લે છે. જોકે અહીં લોકોની આવક ઘણી છે.

ફિનલેન્ડ સૌથી સ્થિર અને સલામત દેશ છે. વર્ષ ૨૦૧૫માં અહીં એક લાખની વસ્તી પર હત્યાનો દર માત્ર ૧.૨૮ ટકા છે. અહીંની કુલ વસતિ ૫૫ લાખ છે. આ દેશમાં ક્રાઇમ પણ બહુ ઓછો છે, વર્ષ ૨૦૧૫માં અહીં માત્ર ૫૦ હત્યાઓ થઈ હતી. સંગઠિત અપરાધ અહીં લગભગ અસ્તિત્વમાં નથી. પોલીસ ખૂબ જ વિશ્વસનીય અને કાર્યક્ષમ છે. અહીંની પોલીસ અને ઈન્ટરનેટ સુરક્ષા વિશ્વમાં બીજા ક્રમે ગણવામાં આવે છે. કાયદાનું ચુસ્તપણે પાલન થાય છે. પરંતુ અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે, અહીંના નાગરિકો રાજકીય, કાયદો અને પોલીસ તંત્રમાં આસ્થા ધરાવતા લોકોમાં પ્રથમ સ્થાને છે. 

આ દેશમાં પ્રતિ ચોરસ કિલોમીટરમાં લગભગ ૧૮ લોકો રહે છે, જે યુરોપિયન યુનિયનમાં સૌથી ઓછું છે. અહીં ખૂબ ઠંડી છે. આ પછી પણ અહીંનું વાતાવરણ ખુશનુમા અને મનમોહક રહે છે. ઉનાળામાં રાત્રિના ૧૨ વાગ્યા પછી થોડો અંધારપટ છવાઈ જાય છે, તે પહેલા લગભગ ૧૦ વાગ્યાની આસપાસ એવું લાગે છે કે, જાણે હમણાં જ સાંજ થઈ ગઈ હોય જ્યારે શિયાળામાં મોટાભાગનો દિવસ અંધારપટ જોવા મળે છે.

ભ્રષ્ટાચારની વાત કરીએ તો અહીં સૌથી ઓછો જોવા મળે છે. કહેવાય છે કે અહીંનો સમાજ સૌથી વધુ પ્રગતિશીલ છે. અર્થતંત્ર ખૂબ જ મજબૂત છે. ફિનલેન્ડની બેંકોને વિશ્ર્વમાં સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે. જોકે અહીં જીડીપી ઓછી છે. આ દુનિયાનો એકમાત્ર એવો દેશ હશે જ્યાં કોઈ બેઘર નહીં હોય. 

ફિનલેન્ડમાં લોકોના પગારના હિસાબે ટ્રાફિક ચલણ કાપવામાં આવે છે. જોકે, આ કાયદાએ પોલીસકર્મીઓને ખૂબ જ પરેશાન કર્યા, કારણ કે લોકો હંમેશા તેમની કમાણી ઓછી કહે છે. આ દેશમાં કુલ ૧,૮૭,૮૮૮ તળાવો છે, જેના કારણે તેને તળાવોનો દેશ પણ કહેવામાં આવે છે. તે જ સમયે, અહીં મોટા પ્રમાણમાં જંગલ છે. અહીંના લોકો તેમના જીવનથી સંતુષ્ટ છે. તેમને તેમના રહેવાની જગ્યા વિશે કોઈ ફરિયાદ નથી. જોકે અહીં રહેવાની જગ્યાઓ એકદમ વિશાળ અને આરામદાયક છે. અહીંની શિક્ષણ વ્યવસ્થાના ઉદાહરણો સમગ્ર વિશ્વમાં આપવામાં આવે છે. અહીંની લાઇબ્રેરીઓનો ઉપયોગ યુરોપમાં બીજા નંબરની સૌથી મોટી સંખ્યામાં લોકો કરે છે.