વિશ્વના ૨૧૫૩ અબજપતિઓ પાસે ૪.૬ અબજ લોકો કરતાં વધારે સંપત્તિ

 

દાવોસઃ દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (ડબ્લ્યુઇએફ)ની ૫૦મી વાર્ષિક બેઠકમાં  ‘ટાઇમ ટુ કેર’ નામના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિશ્વના ૨૧૫૩ અબજપતિઓ પાસે વિશ્વની કુલ વસતિના ૬૦ ટકા, એટલે કે ૪.૬ અબજ લોકો કરતાં વધારે સંપત્તિ છે. 

ભારતના એક ટકા ધનવાનોની પાસે ૯૫.૩ કરોડ લોકોની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે, એટલે કે એક ટકા ધનવાનો પાસે દેશની ૭૦ ટકા વસતિની કુલ સંપત્તિથી ચાર ગણી વધારે સંપત્તિ છે. બીજી તરફ, દેશના અબજપતિઓની કુલ સંપત્તિ ભારતના ૨૦૧૮-૧૯ના કુલ બજેટના ૨૪,૪૨,૨૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વમાં આર્થિક અસમાનતા સતત વધી રહી છે. છેલ્લા એક દાયકામાં અબજપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. જોકે છેલ્લા એક વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં ઘટાડો થયો છે. 

ઓક્સફામ કન્ફડરેશનનું પ્રતિનિધિત્વ કરનાર ઓક્સફેમ ઇન્ડિયાના સીઇઓ અમિતાભ બેહરે જણાવ્યું હતું કે અસમાનતા દૂર કરવાની નીતિઓ અમલમાં મૂક્યા સિવાય ધનવાન અને ગરીબો વચ્ચેના અંતરને દૂર કરી શકાય એમ નથી. વિશ્વના ખૂબ જ ઓછા દેશો આ નીતિને અનુસરી રહ્યા છે. 

સોમવારથી દાવોસમાં શરૂ થયેલી પાંચ દિવસીય મંત્રણામાં આવક અને જાતિય અસમાનતાનો મુદ્દો છવાયેલો રહેશે. આ અહેવાલમાં આર્થિક મંદી ચાલુ રહેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. 

જોકે છેલ્લાં ૩૦ વર્ષમાં વૈશ્વિક અસમાનતામાં ઘટાડો થયો છે, જ્યારે બીજી તરફ ઘણા દેશોમાં ઘરેલુ આવક અસમાનતામાં વધારો થયો છે. આ અહેવાલમાં ભારત વિશે જણાવવામાં આવ્યું છે કે ૬૩ અબજપતિઓની કુલ સંપત્તિ ભારતના નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના કુલ બજેટ ૨૪,૪૨,૨૦૦ કરોડ રૂપિયાથી વધારે છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે મહિલા ઘરેલુ નોકર ૨૨,૨૭૭ વર્ષ કામ કરીને જેટલી રકમ કમાય છે તેટલી રકમ ટેક્નોલોજી કંપનીના ટોચના સીઇઓ એક જ વર્ષમાં કમાઈ લે છે. એક ઘરેલુ નોકર એક વર્ષમાં જેટલું કમાય છે એનાથી વધુ રકમ ટેક્નોલોજી કંપનીના સીઇઓ ફક્ત દસ જ મિનિટમાં કમાઈ લે છે. ટેક્નોલોજી કંપનીના સીઇઓ એક જ સેકન્ડમાં ૧૦૬ રૂપિયા કમાય છે. વિશ્વના ૨૨ ધનવાનો પાસે આફ્રિકાની મહિલાઓની કુલ સંપત્તિ કરતાં વધારે સંપત્તિ છે. વિશ્વના ધનવાન લોકો જો ૦.૫ ટકા વધુ ટેક્સ ચૂકવે તો આગામી દસ વર્ષમાં ૧૧.૭ કરોડ નવી નોકરીઓનું સર્જન કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here