વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ફરી એકવાર નરેન્દ્ર મોદી

 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોરોના કાળમાં ઘટી ગઇ હતી. જોકે તેમણે આ છબી સુધારતાં ૭૦ ટકા અપ્રૂવલ રેટિંગ મેળવી લીધી છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન અને બ્રિટનના વડા પ્રધાન જોનસનને માત આપી છે.

વડા પ્રધાન તરીકે પોતાનો બીજા કાર્યકાળમાં નરેન્દ્ર મોદીની લોકિપ્રયતામાં સહેજ પણ ઘટાડો નોંધાયો નથી. વૈશ્વિક નેતા તરીકે તેમની લોકિપ્રયતા વધી જ રહી છે. અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં દાવો કરાયો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપ્રૂવલ રેટિંગમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રાધ્યક્ષ જો બાયડેનને પણ પાછળ રાખી  દીધા છે. 

પાંચમી નવેમ્બરે બહાર પડેલા ડેટા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના ૧૩ રાષ્ટ્રાધ્યક્ષોને લોકપ્રિયતાને મામલે પાછળ રાખી દીધા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેન, બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન, મેક્સિકન પ્રમુખ આન્દ્રે મૈનુએલ, ઇટલીના મારિયો દ્રાઘી, જર્મન ચાંસેલર એન્જેલા મર્કેલ પણ  લોકપ્રિયતાના ગ્રાફમાં નરેન્દ્ર મોદીથી ખૂબ જ પાછળ છે. અમેરિકન ડેટા ઇન્ટેલિજન્સ ફર્મ ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં સામે આવ્યું છે કે ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઘટાડો નોંધાયો હતો. દેશમાં ઓક્સિજનની અછત, મૃતકોની સંખ્યામાં વધારાએ તેમની અપ્રૂવલ રેટિંગને પ્રભાવિત કરી હતી. પરંતુ તેમણે આ પરિસ્થિતિઓ પર ટૂંક સમયમાં કાબૂ મેળવીને અપ્રૂવલ રેટિંગમાં સુધારો મેળવી લીધો હતો. સર્વેમાં સામે આવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા છે તો મેક્સિકન પ્રમુખ આન્દ્રે મૈનુએલ બીજા સ્થાને છે. અમેરિકાના પ્રમુખ જો બાયડેન આ યાદીમાં છઠ્ઠા સ્થાને તો બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન દસમા સ્થાને છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટૂડો સાતમા, જાપાનના ફુમિયો કિશિદા આઠમા, દક્ષિણ કોરિયાના મૂન જે ઇન નવમા સ્થાન પર છે.