વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યુ

 

કર્ણાટક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ’ (૧૫૦૭ મીટર એટલે કે ૪,૯૩૮ ફૂટ) શ્રી સિદ્ધારૂઢા સ્વામીજી હુબ્બલ્લિ, ૧૧૮ કિ.મી. લાંબા બેંગલૂરૂ-મૈસૂરૂ એક્સપ્રેસવે, મૈસૂરૂ-કુશાલનગર હાઈવે, આઈઆઈટી (ધારવાડ)ના કાયમી કેમ્પસ, હોસપેટે રેલવે સ્ટેશનના આધુનિકીકરણ, રેલવેના હોસપેટે-હુબ્બલ્લિ-તિન્નઈઘાટ સેક્શનનું વીજળીકરણ, જયદેવ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ધારવાડના ગામડાંને પાણી પૂરૂં પાડવાના પ્રકલ્પ, તુપ્પારીહલ્લામાં પૂરથી થતું નુકસાન રોકવા માટેના પ્રોજેક્ટ, હુબ્બલ્લિ-ધારવાડ સ્માર્ટ સિટીના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ કર્યું હતું અથવા શિલાન્યાસ કર્યો હતો. 

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આ વરસે યોજાવાની હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યના લોકાર્પણથી ભાજપને લાભ થવાની આશા રખાય છે. ‘વિશ્વના સૌથી લાંબા રેલવે પ્લેટફોર્મ’ (૧૫૦૭ મીટર એટલે કે ૪,૯૩૮ ફૂટ) શ્રી સિદ્ધારૂઢા સ્વામીજી હુબ્બલ્લિની તાજેતરમાં જ ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસે પણ નોંધ લીધી હતી. રૂ. ૨૦ કરોડને ખર્ચે આ રેલવે સ્ટેશન બાંધવામાં આવ્યું છે.

રેલવેના હોસપેટે-હુબ્બલ્લિ-તિન્નઈઘાટ સેક્શનનું વીજળીકરણ અને હોસપેટે સ્ટેશનનું અપગ્રેડેશન આ વિસ્તારની કનેક્ટિવિટી વધારશે અને પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધા પૂરી પાડશે. 

આ ઉપરાંત વડાપ્રધાને રૂ. ૨૫૦ કરોડને ખર્ચે તૈયાર થનારા જયદેવ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. રૂ. ૧૦૪૦ કરોડને ખર્ચે ધારવાડનાં અનેક ગામડાંઓને પાણી પૂરૂં પાડવાની યંત્રણા પણ કાર્યરત કરવામાં આવશે. પૂરને નિયંત્રણમાં રાખવા રૂ. ૧૫૦ કરોડના તુપ્પારીહલ્લા લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ તેમણે કર્યો હતો. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઈઆઈટી (ધારવાડ)ના પરમેનન્ટ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૧૯માં આ કેમ્પસની શિલારોપણવિધિ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ કરી હતી. રૂ. ૮૫૦ કરોડને ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ઈન્સ્ટિટ્યૂટમાં હાલ ચાર વર્ષનો બી. ટેકનો અભ્યાસક્રમ, પાંચ વર્ષનો ઈન્ટર ડિસિપ્લિનરી બીએસ-એમએસ, એમ. ટેક. અને પીએચ.ડીનો અભ્યાસ ઓફર કરવામાં આવે છે. આઈઆઈટી-બોમ્બેના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૧૬માં ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્થાપવામાં આવેલી આઈઆઈટી ધારવાડ રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે.

કર્ણાટક હાઈ કોર્ટની ધારવાડ બેન્ચની પાસે આવેલા વોટર એન્ડ લેન્ડ ઈન્સ્ટિટ્યૂટ સ્થિત ટ્રાન્ઝિટ કેમ્પમાં જુલાઈ ૨૦૧૬માં આઈઆઈટી ધારવાડ ઈન્સ્ટિટ્યૂટમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓનો આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આઈઆઈટી ધારવાડે ધીમી પણ મક્કમ ગતિએ પ્રગતિ કરી હતી અને હાલ ત્યાં ૮૫૬ વિદ્યાર્થી, ૭૩ ફેકલ્ટી મેમ્બર, ૪૦૦ પબ્લિકેશન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ દ્વારા સ્પોન્સર્ડ રૂ. ૩૦ કરોડના પ્રોજેક્ટ અને સામૂહિક પ્રયાસ થકી ૩૨ એમઓયુ કરવામાં આવ્યા છે.

કર્ણાટક સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ૪૭૦ એકર જમીન પર આ કેમ્પસ સ્થાપવામાં આવ્યો છે. ગ્રીન રેટિંગ ફોર ઈન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ કાઉન્સિલ દ્વારા આઈઆઈટી ધારવાડને ફાઈવસ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૈસૂરૂ-કુશાલનગર ચાર લેનના હાઈવેની શિલારોપણવિધિ કરી હતી. ૯૨ કિ.મી. લંબાઈ ધરાવતો આ હાઈવે રૂ. ૪,૧૩૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. આ હાઈવે રાજ્યના કોડાગુ જિલ્લાને રાજધાની બેંગલૂરૂ સાથે જોડવામાં અને પ્રવાસનો સમય પાંચ કલાકથી ઘટાડીને અઢી કલાક જેટલો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે.

અગાઉ વડાપ્રધાને જિલ્લાના વડામથક માન્ડયા શહેરમાં ભવ્ય રોડ શો કર્યો હતો અને મોટા પ્રમાણમાં એકઠી થયેલી જનમેદનીનું અભિવાદન કર્યું હતું. મોદીને નિહાળવા લોકો રસ્તાની બંને બાજુએ ઊભા રહી ગયા હતા.