વિવિધ રાજયોમાં વરસાદ, વાવાઝોડું અને ગરમીઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

મુંબઈમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. મુંબઈમાં ગુરુવારે સવારે પડેલા ભારે વરસાદથી સેન્ટ્રલ મુંબઈ, એલ્ફિનસ્ટન રોડ, પરેલ, દાદર, હિન્દમાતા જેવા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ બંધ થઈ ગયા પછી ઠેર ઠેર ટ્રાફિક જામ થયો હતો. (ફોટોસૌજન્યઃ હિન્દુસ્તાન ટાઇમ્સ)

નવી દિલ્હીઃ દેશભરનાં વિવિધ રાજ્યોમાં વાવાઝોડું, વરસાદ અને ગરમી ચાલી રહી છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે આવેલા વાવાઝોડામાં 27 નાગરિકોનાં મોત થયાં છે. દિલ્હી-એનસીઆર અને હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળતાં તાપમાનમાં ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશમાં વધુ એક ધૂળની આંધી આવતાં 17 નાગરિકોનાં મોત થયાં હતાં. મોટા ભાગનાં મોત વૃક્ષો અને મકાનો ધરાશાયી થવાના કારણે થયાં હતાં.
બીજી બાજુ ઉત્તર ભારતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન મોરાદાબાદમાં થયું છે. મોરાદાબાદમાં સાત, મુઝફફરનગરમાં બે અને મેરઠમાં બે નાગરિકોનાં મોત થયાં છે. રાજ્ય સરકારે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને 24 કલાકમાં રાહત આપવાનો આદેશ આપ્યો છે.
ઉત્તરાખંડમાં માંડલમાં ચાર નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં નાદિયા અને પશ્ચિમ મિદનાપોર જિલ્લામાં બે-બે નાગરિકોનાં મોત થયાં છે.
ઉલ્લેખનીય છે કે મે માસમાં ઉત્તર પ્રદેશમાં ત્રણ વાર વાવાઝોડું આવ્યું હતું. ત્રીજી મેએ વાવાઝોડામાં 80નાં મોત થયાં હતાં. નવમી મેએ આવેલા વાવાઝોડામાં 18નાં મોત થયાં હતાં અને 13મી મેએ આવેલા વાવાઝોડામાં 13નાં મોત થયાં હતાં.
રાજસ્થાનમાં આગઝરતી ગરમી વચ્ચે જયપુર અને ઉદેપુરમાં સામાન્ય વરસાદ પડ્યો હતો.
મુંબઈમા સુસવાટાભર્યા પવન સાથે આવેલા ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. એક મહિલા સહિત ચારનાં મોત થયાં હતાં. તોફાની પવનના કારણે હોર્ડિંગ્સ તૂટી પડ્યાં હતાં.
રાજસ્થાનમાં બિકારનેરમાં સૌથી વધુ 47.4 ડિગ્રી ગરમી નોંધાઈ હતી ચુરુમાં 47, બાડમેરમાં 46.8, શ્રીગંગાનગરમાં 45.6, કોટામાં 45 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. દિલ્હીમાં વંટોળના કારણે તાપમાન ઘટીને 38.3 ડિગ્રી નોંધાયું હતું. પંજાબ-હરિયાણા, હિમાચલ પ્રદેશ સહિતનાં રાજ્યોમાં વરસાદના કારણે તાપમાન ઘટી ગયું હતું.
રાજસ્થાનમાં પ્રચંડ ગરમી વચ્ચે બુધવારે ફૂંકાયેલી આંધીમાં ત્રણનાં મોત થયાં હતાં. ઉત્તર પ્રદેશમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડતાં બે-બે નાગરિકોનાં મોત થયાં હતાં. હવામાન વિભાગે 16 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં આ સપ્તાહના અંતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે.
દરમિયાન ગુજરાતમાં પ્રિમોનસૂન એક્ટિવિટી અંતર્ગત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ડાંગ જિલ્લાના સાપુતારામાં ગામડાંઓમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઇ છે. સુરત અને નવસારીમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો, જ્યારે અમરેલી અને સાવરકુંડલામાં મેઘરાજાની અચાનક એન્ટ્રી થઇ હતી.