વિવાદોમાં ઘેરાયેલા નીરવ મોદીનો ન્યુ યોર્કના મેડિસન એવન્યુનો સ્ટોર ઝળહળે છે

0
975

ન્યુ યોર્કઃ છેલ્લા એક અઠવાડિયાથી વિવાદોમાં ઘેરાયેલા જ્વેલરી ડિઝાઇનર નીરવ મોદીનો અમેરિકાના ન્યુ યોર્કમાં મેડિસન એવન્યુમાં આવેલો ડિઝાઇનર સ્ટોર ઝળહળી રહ્યો છે. 1.8 બિલિયન ડોલરના કૌભાંડનો જેના પર આરોપ છે તે નીરવ મોદી ક્યાં છે તેની તપાસ ચાલી રહી છે.
સેન્ટ્રલ પાર્કમાં આવેલા અને ન્યુ યોર્કના ભારતીય દૂતાવાસથી નજીક આ ડિઝાઇનર સ્ટોર એવા વિસ્તારમાં છે જ્યાં અમેરિકામાં સૌથી વધુ જાણીતા ડાયમન્ડ સ્ટોર આવેલા છે, આ સ્ટોરમાં આવતા દરેક ગ્રાહકની સલામતી રાખવામાં આવે છે.

ન્યુયોર્ક સીટીના મેડીસન એવન્યુમાં નીરવ મોદીનો સ્ટોર

નીરવ મોદીનો ડિઝાઇનર સ્ટોર જ્યાં આવેલો છે તે ફિફથ એવન્યુ સ્ટ્રીટમાં વિવિધ મહાકાય કંપનીઓના સ્ટોર આવેલા છે, જેમાં ગ્રાફ, ડી બિયર્સ, બુસેલાટી, કીયાટ, ડેવિડ યુમાન, હ્યુબ-એ બ્રાઝિલિયન-ઓરિજિન સ્ટોર, ટિફાની’સ આવેલા છે, જે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના આવાસ ટ્રમ્પ ટાવરની નજીક છે.

વિશ્વમાં આવેલી ટોચની લક્ઝરી બ્રાન્ડનાં નામ વિચારવામાં આવે તો મોટા ભાગના સ્ટોર મેડિસન એવન્યુમાં આવેલા છે.
નીરવ મોદી પર 1.8 બિલિયન ડોલરના કૌભાંડ આચરવાનો આરોપ છે, જે લોન તેમણે પંજાબ નેશનલ બેન્કમાંથી લીધી હતી. આ કૌભાંડ બહાર આવ્યા પછી ભારતમાં તેમના નિવાસો, ઉદ્યોગગૃહો પર લો એન્ફોર્સમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે ન્યુ યોર્કમાં મેડિસન એવન્યુમાં આવેલો તેમનો સ્ટોર સોમવારે ‘પ્રેસિડેન્ટ્સ ડે’ના દિવસે ખુલ્લો રહ્યો હતો. આ સ્ટોરમાં સિક્યુરિટી ગાર્ડ સહિત કુલ ત્રણ કર્મચારીઓ હતા.

કૌભાંડના સમાચાર બહાર આવતાં જ સ્ટોરની આસપાસ એક દંપતી આવ્યું હતું અને સ્ટોરની બહાર ઊભા રહી ફોટો પડાવતા હતા. આ પછી તેઓ જ્વેલરી જોવા સ્ટોરમાં ગયા હતા. તમે જ્વેલરી ખરીદશો કે કેમ તે વિશે આ દંપતીને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે અમે ફક્ત આ જ્વેલરી નિહાળવા આવ્યા છીએ, અમને ડાયમન્ડ ગમે છે, પરંતુ ખરીદવાના નથી. સ્ટ્રીટમાં એક ભારતીય વ્યક્તિ ઘણા બધા ફોટોગ્રાફ્્સ લેતી હતી, બે ભારતીય વિદ્યાર્થીઓએ કેટલાક ફોટોગ્રાફ લીધા હતા. તેમને એવો અંદાજ હતો કે સ્ટોર બહુ જલદી બંધ થઈ જશે. એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે મને આશા છે કે તે ઝડપાઈ જશે. તે (નીરવ મોદી) લગભગ અહીં ક્યાંક આસપાસ જ રહેતા હશે. તેનો ઇશારો સેન્ટ્રલ પાર્ક તરફ હતો.

એવન્યુની નજીક સેન્ટ્રલ પાર્કમાં પ્લાઝા અનેે રિટ્ઝ કાર્લટન હોટેલ્સ આવેલી છે. આ અખબાર દ્વારા ન્યુ યોર્કની બન્ને હોટેલોમાં ફોન કરવામાં આવ્યો હતો, જ્યાં સૂત્રોના જણાવ્યા મુજબ મોદી રહેતા હોવાની શક્યતા હતી. જોકે સામો પ્રતિભાવ આવ્યો કે નીરવ મોદી નામની કોઈ વ્યક્તિ હોટેલમાં રહેતી નહોતી. પ્લાઝામાં ફોન કર્યો ત્યારે એક લેડીએ ફોન ઉપાડ્યો અને તોછડાઈભયો જવાબ આપી ઉદ્ધત વર્તન કર્યું હતું, જયારે રિટ્ઝ કાર્લટનમાં રિસેપ્શનિસ્ટે નમ્રતાથી વાત કરી હતી, તેણે ગેસ્ટ રજિસ્ટ્રી ચેક કરી હતી. નીરવ મોદીનાં પત્ની અમી મોદી વિશેની પૂછપરછ દરમિયાન પણ કોઈ જવાબ મળ્યો નહોતો.

નીરવ મોદીના સ્ટોરમાં મેનેજરે નમ્રતાથી વાત કરી અને તેમને પૂછવામાં આવ્યું કે નીરવ મોદીએ ક્યારેય સ્ટોરની મુલાકાત તાજેતરમાં લીધી હતી કે નહિ તેના જવાબમાં મેનેજર પ્રતિભાવ આપ્યો, ‘નો કોમેન્ટ’. આ પછી અન્ય સવાલો પૂછવામાં આવ્યા ત્યારે આ જ જવાબ મળ્યો હતો.

જોકે મેનેજરે આ લખનારને આખા સ્ટોરમાં ફેરવ્યા હતા અને ડિસપ્લેમાં મુકાયેલાં તમામ કલેક્શનની વિગતવાર માહિતી આપી હતી, જેમાં એક લાખ ડોલરના 22 કેરેટ લોટસ કલેક્શન ડાયમંડનો તેમ જ 20 હજાર ડોલરના મેચિંગ બ્રેસલેટનો સમાવેશ થતો હતો.

સ્ટોરનો ફોટો લેવાની મનાઈ હતી, પરંતુ તેણે સિગ્નેચર બ્રાઇડલ કલેક્શનનું હાર્ડ કવર બ્રોશર જોવા માટે આપ્યું હતું. જોકે તેના મેનેજરના અને અન્ય સહકામદારોના ચહેરા પર હતાશા દેખાતી હતી.

નીરવ મોદી ફરાર થઈ ગયા હોવાની માહિતી દુનિયાભરમાં ફેલાઈ જતાં આવી હતાશા નજરે પડે તે સ્વાભાવિક છે. નીરવ મોદીના ભારત અને દુનિયાભરમાં પથરાયેલા 200થી વધારે કર્મચારીઓ તેમના તરફ સહાનુભૂતિ દર્શાવી શકે છે, જેઓ સ્ટોર ચાલુ રાખે છે. સતત કામ કરે છે અને ગ્રાહકોને જ્વેલરી દર્શાવે છે.

મોદીએ પોતાનો ફલેગશિપ સ્ટોર 2014માં નવી દિલ્હીમાં શરૂ કર્યો હતો. આ પછી કાલા ઘોડા મુંબઈમાં 2015માં સ્ટોર શરૂ કર્યો હતો. ત્યાર પછી તેમણે 2015માં ન્યુ યોર્ક સિટી અને હોંગકોંગમાં બુટિક લોન્ચ કર્યાં હતાં. ત્યાર પછી 2016માં હોંગકોંગમાં અન્ય એક સ્ટોર લોન્ચ કર્યો હતો. તેમણે લંડનમાં, મકાઉમાં અને લોસ એન્જલસમાં પણ સ્ટોર શરૂ કર્યા હતા.
અમેરિકામાં ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીમાં ટોચ પર રહેવાના નીરવ મોદીના પ્રયાસો છતાં મેડિસન એવન્યુમાં તેમના સ્ટોરની આસપાસ આવેલા અનેકવિધ સ્ટોર્સમાં કર્મચારીઓ તેમને ખાસ ઓળખતા નહોતા. સ્ટ્રીટમાં આવેલા એક સ્ટોર ગ્રાફ્્સના મેનેજરે કહ્યું કે તે કંઈ પણ નથી. મેં તેમના વિશે અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતું. કેટલાંક વર્ષ અગાઉ આ સ્ટોર તેમણે શરૂ કર્યો તે અગાઉ તેમના વિશે સાંભળ્યું નહોતું. તેમની ડિઝાઇનો ઘણી સારી નથી.

ગ્રાફ્્સના મેનેજરે જણાવ્યું હતું કે તેમનો મનગમતો જ્વેલરી ડિઝાઇનર ભારતીય અંબાજી શિંદે હતો જે 2003માં મેનહટનમાં 84 વર્ષની વયે અવસાન પામ્યો હતો. શિંદેએ મુંબઈમાં નાનુભાઈ જ્વેલર્સમાં કામ કર્યું હતું અને આ પછી ન્યુ યોર્ક જ્વેલર હાઉસ ઓફ હેરી વિન્સ્ટનમાં કામ કર્યું હતું. શિંદેએ ઘણા ભારતીય રાજવીઓ માટે જ્વેલરી ડિઝાઇન કરી હતી, જેમાં બરોડા, પોરબંદર અને ધારના મહારાજાઓ, હૈદરાબાદના નિઝામનો સમાવેશ થાય છે.

એકેડમી એવોર્ડ્સમાં નીરવ મોદીનો ‘લ્યુમિનન્સ’ નેકલેસ પહેરતી તારાજી પી. હેનસન

એલિઝાબેથ ટેલર, સોફિયા લોરેન, જુલિયન મુરે, મેરીલા ગે હાર્ડન, હેલ બેરી, મેડોના, મીરા સોરવિનોએ પણ ઓસ્કર સમારંભોમાં શિંદેના કલેકેશનના દાગીના પહેર્યા હતા. 1999માં તેમણે અભિનેત્રી ગાયનેથ પાલટ્રો માટે નેક્લેસ બનાવ્યો હતો, જે તેણે એકેડેમી એવોર્ડ જીત્યો ત્યારે પહેર્યો હતો. 45.52 કેરેટનો બ્લુ હોપ ડાયમંડ મિશેલ પેઇફરે પહેર્યો હતો.
એમાં કોઈ શંકા નથી કે મોદીને શિંદેમાંથી પ્રેરણા મળી છે અને પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીમાં અપનાવી હોય. કેટ વિન્સ્લેટ અને તારાજી પી. હેન્સને તેમની બનાવેલી જ્વેલરી પહેરી હતી. પ્રિયંકા ચોપરા, ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણેએ પણ નીરવ મોદીની ડિઝાઇનર જ્વેલરી પહેરી હતી.

હ્યુબના મેનેજરે કહ્યું કે તેમણે ક્યારેય મોેદીના કલેક્શનને નિહાળ્યું નહોતું, કારણ કે તેમણે ક્યારેય સ્ટોરની મુલાકાત લીધી નથી કે ઓનલાઇન પણ કલેક્શન જોયું નથી. તેઓ નવા આવેલા છે, સ્ટોર ઘણો સારો છે, પરંતુ તેમના કલેક્શન વિશે મને ખ્યાલ નથી.

નીરવ મોદી વિદેશ ફરાર થઈ ગયા છે અને ભારતમાં તેમની અબજો ડોલરની મિલકતો પર દરોડા પાડવામાં આવ્યા છે અને કબજે કરવામાં આવી છે, પરંતુ અમેરિકામાં તો તેમના સિગ્નેચર કલેક્શનનો બિઝનેસ સતત ચાલી રહ્યો છે.
(મુલાકાત આપનારાં સૂત્રોનાં નામો આ લેખમાં તેમની વિનંતીને માન આપીને જાહેર કરવામાં આવ્યાં નથી)