વિબન્ધ (કબજિયાત)

0
1375
Dr. Rajesh Verma
Dr. Rajesh Verma

પેટના રોગોની ઉત્પતિમાં વિબન્ધ એટલે કે કબજિયાત જ મુખ્ય કારણ હોય છે. કબજિયાતની વ્યાધિ બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કબજિયાત, મૂળાવરોધ, કોષ્ઠબદ્ધતા વગેરે નામથી પણ આ વ્યાધિ ઓળખાય છે. પેટના રોગો અને અન્ય રોગોમાં મુખ્ય કબજિયાત જ કારણ હોય છે. અમેરિકાના ડો. જે. ડબ્લ્યુ. વિલ્સને પોતાના પુસ્તક ‘ધ ન્યુ ડાઇજિન’માં લખ્યું છે કે એક વાર અમેરિકાના ડોક્ટરોએ મળાશયમાં સંચિત મળની અવસ્થાની પૂર્ણ તત્પરતાની સાથે શોધ કરી. આ માટે લગભગ ર84 શબોનું પરીક્ષણ કર્યું. આ શબ વિભિન્ન રોગોના રોગીઓનાં હતાં. ડોક્ટરોએ જોયું કે તેમાંથી રપ6 શબનાં આંતરડામાં સડેલો મળ હતો. વિબન્ધ એટલે કે કબજિયાતથી અનેક રોગો ઉત્પન્ન થાય છે.
કબજિયાતને લીધે રક્તપ્રવાહ પણ પણ દૂષિત થાય છે અને કોઢ, દાદ-ખૂજલી વગેરે રોગોને ઉત્પન્ન કરે છે. રક્તચાપ, અનિદ્રા, સ્વપ્નદોષ, પાંડુ, નેત્રવિકાર, શરદી, ઓછું સંભળાવવું, ઉધરસ, આમવાત, પાયરિયા, મધુમેહ, બવાસીર, ભગન્દર, આંત્રપુચ્છ, શોથ વગેરે ઘણી વ્યાધિઓનું કારણ કબજિયાત છે. ટીબી અને ઉન્માદ (વાયુરોગ) જેવી ભયંકર વ્યાધિ પણ કબજિયાતથી ઉત્પન્ન થઈ શકે છે. સ્ત્રીઓમાં થનારો શ્વેતપ્રદર રોગ પણ કબજિયાતનું જ દુષ્પરિણામ છે.
ખાધેલું ભોજન અમાશયથી નાના આંતરડા સુધી પહોચતાં જેટલો સમય લાગે છે. તેટલો જ સમય નાના આંતરડામાં રોકાય છે અને તે સમયે મળ 90 ટકા જળમય હોય છે. મોટા આંતરડામાં પહોંચ્યા પછી મળ મળાશયમાં આવી જાય છે. મળના દબાવથી મળાશયમાં સંવેદના થાય છે અને મળ ગુદા દ્વારા બહાર નીકળી જાય છે. આ સ્વાભાવિક પ્રક્રિયામાં જો ઘટાડો થાય તો કબજિયાત થાય છે. આજના યુગમાં અવ્યવસ્થિત દિનચર્યા અને અયોગ્ય ખાન-પાનના કારણે આ રોગમાં નિરંતર વૃદ્ધિ થતી જોવા મળી છે. આ સામાન્ય સમજવા જેવો રોગ પણ ઘાતક પરિણામોને ઉત્પન્ન કરી દે છે.
ઉપચારઃ આ રોગમાં ઔષધિઓની અપેક્ષા એ ખાન-પાનમાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત હોય છે. સૌથી પહેલું પાણી ઓછું પીવાથી ભોજનને પચવામાં અને શોષણ સારી રીતે થવા દેતું નથી. આથી આ રોગથી બચવા માટે પીડિત વ્યક્તિએ પર્યાપ્ત પાણી પીવું જોઈએ. ઉપવાસને ઘણા રોગોની ઔષધિ કહેવામાં આવી છેે. વિબન્ધના રોગી માટે વધારે ઉપવાસ તો ઠીક નથી, પરંતુ શરૂઆતમાં બે દિવસ અને પછી અઠવાડિયાનો ઉપવાસ રોગીએ અવશ્ય કરવો જોઈએ.
તાંબાના લોટામાં સાંજે પાણી ભરીને કોઈ ઊંચી અને ખુલ્લી જગ્યા પર પાતળા કપડાથી ઢાંકીને રાખી દેવું. સવારે ચાર-પાંચ વાગ્યે પથારી છોડી દેવી અને દાતણ-કોગળા કર્યા પહેલાં વાસી મોઢે તાંબાના લોટાનું પાણી કાચના ગ્લાસમાં લઈને કાગદી લીંબુનો રસ નિચોવી એક ચમચી મધ નાખી ધીરે ધીરે પી જવું. આ પછી બાકીનું લોટાનું પાણી પી જવું અને થોડી વાર પછી શૌચ માટે જવું. આમ કરવાથી પેટ સાફ થશે અને તેનાથી પણ વધારે ફાયદો આંખોની જ્યોતિ પણ વધારે છે. આંતરડાની સક્રિયતા માટે ફોતરાંવાળા અન્નમાં વિબન્ધ દૂર કરવાની ભરપૂર શક્તિ હોય છે. ચણા પલાળીને મીઠું તથા આદુ મેળવીને ખાવાથી પણ લાભદાયક છે. શાકભાજીમાં પત્તાંવાળી અને રેસાવાળાં શાક કબજિયાત દૂર કરવામાં સહાય કરે છે. શાક કાચાં અને તાજાં વધારે લાભદાયક છે. બથુઆ, ચોળી, પાલક, સોયા, મૂળા, મેથી વગેરે લાભદાયક છે. પાલકનાં પાદડાં પથ્થર પર પીસીને રસ કાઢી લગભગ રપ0 ગ્રામ રસ પીવાથી પેટ સાફ થઈ જાય છે. આ રસનું સેવન સવારે કરવું. કાળાં ગાજરનાં પાંદડાંનો રસ કે પછી શાક બનાવી ખાવાથી પણ પેટ સાફ થાય છે. ટામેટામાં સેલ્યુલોઝ હોય છે, એટલે વિબન્ધ માટે પથ્ય છે. ફોસ્ફોરસનો ભંડાર કારેલાં પણ આ વ્યાધિમાં હિતકર છે. પત્તાંવાળાં શાકને વધારે પડતાં ઉકાળી, વધારે તળી કે શેકવા કે બહુ મસાલા નાખીને ખાવાથી શાકની ઉપયોગિતા નષ્ટ થઈ જાય છે. દૂધ પાચક હોવાથી મળ તથા વાયુના અવરોધને નષ્ટ કરીને પ્રવૃત્ત કરે છે. દૂધ સ્નિગ્ધ હોવાથી આંતરડાંને પણ સ્વસ્થ બનાવે છે. દૂધના ગુણોમાં પુરીષે ગ્રથિતે પથ્યમ કહેવામાં આવેલ છે. એટલે કે કબજિયાતમાં વધુ ઉપયોગી છે. જે રોગીઓને આંતરડાની તકલીફ હોય તેવા રોગીએ દૂધનું સેવન ન કરવું. ગાયનું દૂધ જ કબજિયાત દૂર કરે છે. આ રોગમાં થોડી ખાટી છાશમાં સિંધવ મીઠુ નાખી પીવાથી વધારે લાભપ્રદ છે. ફળોમાં લવણ અને અમ્લતા પ્રાકૃતિક રૂપથી વિદ્યમાન હોવાથી કબજિયાતમાં બહુ ફાયદાકારક છે. પ્રત્યેક વ્યક્તિએ ખાસ કરીને યુવાનોએ ર4 કલાકમાં 400થી પ00 ગ્રામ સુધી ફળ ખાવાં જોઈએ. આયુ, ઋતુ અને પાચનશક્તિ અનુસાર ફળોનું પ્રમાણ નક્કી કરી, ભોજન પછી એક કે બે કલાક પછી સેવન કરવું.
સફરજન સવારે ખાલી પેટ કાપ્યા વિના સીધા જ ખાવા બહુ હિતકર છે. નાસ્તામાં બે પાકાં પીળાં સંતરાનો રસ લાભપ્રદ છે. 100 ગ્રામ ટામેટાનો રસ નિત્ય પીવાથી અત્યંત લાભદાયક છે. ટામેટાનો રસ આંતરડામાં જામેલા મળને કાપીને આંતરડાની સફાઈ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન કરે છે. 10 કાજુ અને 10 સૂકી દ્રાક્ષ ખાવાથી પણ વિબન્ધ દૂર થાય છે. રાત્રે બેથી ત્રણ અંજીર અને 8થી 10 મુના (સૂકી દ્રાક્ષ) પલાળી રાખીને સવારે ખાઈને દૂધ કે પાણી પી લેવાથી લાભ થાય છે.
પપૈયું આંતરડાની સફાઈ કરે છે. પોટેશિયમ, એલ્બ્યુમિન તથા સોડિયમ કલોરાઇડ, ફોસ્ફોરસ, લોહ વગરે દ્રાક્ષમાં હોય છે આથી દ્રાક્ષ ઉપયોગી છે. સો ગ્રામ દ્રાક્ષથી 4પ કેલરી પ્રાપ્ત થાય છે. ભોજનના કલાક પછી લીંબુ, મીઠું ને કાળાં મરી નાખી જામફળ ખાવાથી કબજિયાતની ફરિયાદ રહેતી નથી.
લીંબુમાં સાઇટ્રિક એસિડ, પોટાશ, ખનીજ લવણ વગેરે પર્યાપ્ત મળે છે. એટલે અત્યંત પાચક અને વિબન્ધ દૂર કરનાર છેે. આમજન્ય વિબન્ધમાં આમદોષને દૂર કરવામાં વમન અને લંઘનનું વિશેષ મહત્ત્વ છે. કોઈ સુયોગ્ય ચિકિત્સકની દેખરેખમાં વમન કરાવવું જોઈએ અને લંઘન પણ કરાવવું જોઈએ. વમન-લંઘન પશ્ચાત્ રોગીને પાચન ઔષધિ આપવી જોઈએ. શાસ્ત્રોમાં બસ્તીકર્મની પણ બહુ પ્રશંસા કરાઈ છે.
પાચન ઔષધિઓમાં ચરકોત્ક આ ચૂર્ણ સર્વાધિક ઉપયોગી સિદ્ધ થયેલી છે. શુદ્ધ હિંગ એક ભાગ, વજ બે ભાગ, સંચળ ત્રણ ભાગ, સૌંઠ ચાર ભાગ, જીરુ પાંચ ભાગ, હરડ છ ભાગ, પુકરમૂલ સાત ભાગ અને કૂઠ આઠ ભાગ લઈને ચૂર્ણ તૈયાર કરી 4-પ ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું. આંતરડામાં રહેલા મળને બહાર કાઢવા માટે દ્રવ્ય વિચેરક દ્રવ્ય કહેવામાં આવે છે. આ બે પ્રકારનાં હોય છે. સામાન્ય વિરેચન અને તીવ્ર વિરેચન.
સામાન્ય વિરેચન – કુંવારપાઠાની ગીરી રપ ગ્રામ, સંચળ બે ગ્રામ મેળવીને સવારે-સાંજે ખાલી પેટે આપવું જોઈએ. ધીરે ધીરે આની માત્રા વધારવી જોઈએ. આ માત્રા 60 ગ્રામ સુધી કરી શકાય છે. વરિયાળી, સનાય અને મુનક્કા સરખા પ્રમાણમાં લઈ ત્રણેયને ર0 ગ્રામ લઈને તેનો કવાથ બનાવી પીવાથી પણ વિબન્ધ નષ્ટ થાય છે.
જો સામાન્ય વિરેચનથી ફાયદો ન થાય તો તેવા દર્દીને તીવ્ર વિરેચન આપવું જોઈએ. તેમાં ઇચ્છાભેદી રસ, નારાચ રસ, જયપાલ જેવા યોગોનો પ્રયોગ ચિકિત્સક દેખરેખ હેઠળ કરી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here