વિપક્ષોમાં ફફડાટઃ કોંગ્રેસને રાજસ્થાન-મધ્ય પ્રદેશ ઉપર આશા

0
844

ઉત્તર-પૂર્વ-ઈશાન ભારતમાં ભાજપે જે વિજય મેળવ્યો છે એ આઠ નાનાં રાજ્યોની માત્ર 25 બેઠકો લોકસભામાં છે, છતાં આ પરિણામનું રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વ ઘણું છે. કોંગ્રેસ અને સીપીએમના રાજકીય અસ્તિત્વ સામે ગંભીર પડકાર છે. ઈશાન ભારતમાં ભાજપના વિજયનું વિશ્લેષણ અલગ અલગ રીતે થાય છેઃ હિન્દીભાષી અને હિન્દુત્વવાદી પક્ષ ઉપરાંત વાણિયા – બ્રાહ્મણના પક્ષની છાપ હવે બદલાઈ છે. ઈશાન ભારતમાં ભાજપને ખ્રિસ્તીધર્મીઓનું સમર્થન મળ્યા પછી નવી દિલ્હીમાં બેઠેલા ધાર્મિક પ્રવક્તાઓ અવાક થઈ ગયા છે – ઘરવાપસી અને બની બેઠેલા ગૌરક્ષકોના અત્યાચારના વિવાદ થોડા શાંત થયા છે. પ્રાદેશિક યુવા પેઢીની માગ ભવિષ્યની – રોજગારીની અને ઔદ્યોગિક વિકાસની છે. અત્યાર સુધી ભારતના આ ઈશાન ખૂણાની જાણે કોઈને પરવા જ નહોતી. નવી દિલ્હીમાં નાગાલેન્ડ, ત્રિપુરા કે મિઝોરમના વિદ્યાર્થીઓને ચીના ગણીને મારવામાં આવ્યા હોય એવી ફરિયાદો તાજેતરમાં ઘણી થઈ હતી. હવે ઈશાન ભારત – ભારતમાં છે એવું ગૌરવ જાગ્યું છે. ભૌગોલિક સાથે રાજકીય અને આર્થિક – ઔદ્યોગિક એકીકરણ થઈ શકે છે. વડા પ્રધાન માટે આ એક રાષ્ટ્રીય સિદ્ધિ છે અને પ્રદેશના ઝડપી વિકાસનો પડકાર પણ છે. આ પરિણામ આવ્યા પછી વિપક્ષી છાવણીમાં ફફડાટ વ્યાપ્યો છે.

રાજકીય દષ્ટિએ કોંગ્રેસ અને ડાબેરી – માર્ક્સવાદીઓ બન્નેને મરણતોલ ફટકો પડ્યો છે, જેની અસર ઈશાન ભારતથી બહાર સમગ્ર દેશમાં પડવાની ધારણા છે. અલબત્ત – નજીકના ભવિષ્યમાં કર્ણાટક અને તે પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કસોટી થશે. આ રાજ્યોમાં કોંગ્રેસનું ભાવિ ઘડાશે – ‘મહાગઠબંધન’ થાય છે કે પછી પ્રાદેશિક પક્ષો કોંગ્રેસને બાજુએ રાખીને ત્રીજો મોરચો ઊભો કરે છે તે નક્કી થશે. બે વર્ષ અગાઉ 2016માં આસામમાં ભાજપના વિજય પછી ભાજપના પ્રમુખ અમિત શાહે ચૂંટણીના વિશ્લેષણની કવાયત શરૂ કરી હતી. લોકસભાની એવી કેટલી બેઠકો છે જે ભાજપે કદી મેળવી જ નથી? તો ઉત્તર-પૂર્વ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ તથા કેરળ મળીને કુલ 115 બેઠકો થઈ. આ બેઠકો ઉપર તમામ ધ્યાન અને શક્તિ કેન્દ્રિત કરવાની સૂચના આપી. ગણતરી એવી છે કે 2014ની ચૂંટણીમાં જે રાજ્યોમાં 100 ટકા – લગભગ તમામ બેઠકો મળી હતી તેમાં 2019માં જે ખાધ પડી શકે તે પૂરવા માટે આ 115 બેઠકો ઉપર ધ્યાન આપવાની જરૂર છે. ગુજરાતમાં તમામ 26, રાજસ્થાનમાં 25, મધ્ય પ્રદેશમાં 29માંથી 27, છત્તસીગઢમાં 11માંથી 10 અને ઉત્તર પ્રદેશમાં 80માંથી 73, બિહારમાં 40માંથી 32 મળી હતી, જ્યારે મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ સારાં પરિણામ મળ્યાં હતાં. 2019માં ખાધની શક્યતા હોય તે પૂરવાની તૈયારી શરૂ થઈ છે. અત્યારે 29માંથી 21 રાજ્યો ભાજપના શાસન હેઠળ છે. કર્ણાટક, કેરળ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ ઉપર નજર છે. સાથે જ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ હાથમાંથી જાય નહિ તે જોવાનું છે.

ઈશાન ભારતમાં વિજય પછી ભાજપનો વિશ્વાસ વધ્યો છે, જ્યારે કોંગ્રેસના 36 ટકા મત ઘટીને બે ટકા થઈ ગયા છે તે પછી રાહુલ ગાંધીની નેતાગીરી અને ભાજપવિરોધી સેક્યુલર મોરચાની શક્યતા ચર્ચાઈ રહી છે. માર્ક્સવાદીઓને સૌથી વધુ મરણતોલ માર પડ્યો છે અને આંતરિક મતભેદ વધુ ગંભીર બન્યા છે. એપ્રિલમાં એમનું અધિવેશન હૈદરાબાદમાં મળશે. કોંગ્રેસનું મહાઅધિવેશન પણ છે અને આરએસએસની પ્રતિનિધિસભામાં પણ આગામી મહિનામાં મળશે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતી અને એનડીએની સરકાર આવ્યા પછી 2019માં ભાજપને પરાજિત કરવા માટે ‘ગ્રાન્ડ એલાયન્સ’ ભવ્ય મોરચો ઊભો કરવાના પ્રયાસ શરૂ થયા તેમાં માર્ક્સવાદીઓ મુખ્ય રહ્યા છે. ભૂતકાળમાં એમના નેતા હરકિશન સુરજિત કોંગ્રેસના ચાણક્ય હતા. અત્યારે સીતારામ યેચુરી આ ભૂમિકામાં હતા – અને હશે, પણ કેરળના પ્રકાશ કરાટ કોંગ્રેસ સાથે જોડાણ કરવાના વિરોધી હોવાથી સીતારામ સફળ થયા નહિ. હવે એપ્રિલમાં હૈદરાબાદમાં મળનારા અધિવેશનમાં માર્ક્સવાદીઓ ભાવિ રણનીતિની વિચારણા કરશે. બંગાળનો ગઢ ગુમાવ્યા પછી ત્રિપુરાનો અજેય ગણાતો ગઢ ભાજપે તોડ્યો તેના આઘાતની કળ આસાનીથી વળે તેમ નથી. હવે માત્ર કેરળ હાથમાં છે અને તે ભાજપના નિશાન ઉપર છે.

માર્ક્સવાદી પક્ષમાં ગંભીર વિચારભેદ હતા – ભાજપને રોકવા માટે કોંગ્રેસ સાથે મોરચો કરવો કે નહિ? આંધ્ર પ્રદેશના સીતારામ યેચુરી કોંગ્રેસની નજીક છે અને એમને પશ્ચિમ બંગાળના નેતાઓનો ટેકો છે, જ્યારે પ્રકાશ કરાટ કેરળના છે અને પ્રાદેશિક રાજકારણમાં સીપીએમ અને કોંગ્રેસના મોરચા સામસામે છે. આ સંજોગોમાં કોંગ્રેસ સાથે જવાથી ખુદકુશી થશે એમ કરાટ અને કેરળના માર્ક્સવાદી નેતાઓ માને છે. ત્રિપુરાના પરાજિત મુખ્યમંત્રી માનિક સરકારે પ્રકાશ કરાટને ટેકો આપ્યો હતો, કારણ કે ત્રિપુરામાં અત્યાર સુધી કોંગ્રેસનો પડકાર હતો. પ્રકાશ કરાટનાં પત્ની બ્રિન્દા કરાટ તો માનિક સરકારની વહારે એક મહિનો ત્રિપુરામાં રોકાયાં હતા,ં પણ વ્યર્થ.

હૈદરાબાદમાં મળનારા અધિવેશન માટે તૈયાર થયેલા ઠરાવના મુસદ્દામાં જણાવાયું છે કે ‘પક્ષના વિકાસ અને ડાબેરી મોરચાને મજબૂત બનાવવા માટે આપણા પક્ષની અલગ શક્તિ વધારવાની જરૂર છે. બંગાળમાં પરાજય અને ત્રિપુરા – કેરળમાં આપણી પ્રગતિ રૂંધાયા પછી આ દિશામાં ઝડપથી આગળ વધવું પડશે. અર્થાત્ કોંગ્રેસ સાથે જવાની જરૂર નથી.’ ત્રિપુરામાં ધબડકો થયા પછી હૈદરાબાદ અધિવેશનમાં મતભેદ વધુ ગંભીર બનશે તે નક્કી છે, કારણ કે હવે કેરળનું આસન ડોલે છે. ભાજપનો પડકાર ગંભીર બન્યો છે તેથી સંઘ પરિવારના નેતાઓ – સમર્થકોની હત્યાઓ વધી રહી છે.
કોંગ્રેસના મોરચામાં મુસ્લિમ લીગ પણ છે અને કેરળની પ્રથમ બિનકોંગ્રેસી ઇએમએસ નામ્બુદ્રિપાદની સરકાર કોંગ્રેસપ્રમુખ ઇન્દિરા ગાંધીએ બરખાસ્ત કરાવી હતી હવે પડકાર ભાજપે કર્યો છે.

ત્રિપુરાનાં પરિણામ આવ્યાં પછી માર્ક્સવાદીઓનો બચાવ – દલીલ એવી છે કે કોંગ્રેસે કંગાળ દેખાવ કર્યો અને ભાજપે કોંગ્રેસની જગ્યા પડાવી લીધી છે. 2013ની ચૂંટણીમાં કોંગ્રેસને 36 ટકા મત મળ્યા હતા. આ વખતે માત્ર બે ટકા મળ્યા છે – આમ કોંગ્રેસના નબળા દેખાવને કારણે આપણે હાર્યા. આવા લૂલા બચાવ સામે એક વર્ગની દલીલ છે કે આપણે લોકોની અપેક્ષા અને ભાવના સમજવામાં નિષ્ફળ ગયા તે સ્વીકારો. હકીકતમાં બંગાળના પરાજય કરતાં પણ ત્રિપુરાનો ‘આઘાત’ વધુ કાતિલ છે.
માર્ક્સવાદીઓ હવે કોંગ્રેસનો હાથ પકડવા તૈયાર થાય તો પણ શું? કોંગ્રેસને લાભ મળે? અને ફરીથી ‘સેક્યુલર મોરચો’ – માંચડો ઊભો થાય તો નેતા કોણ? રાહુલ ગાંધી? મમતા બેનરજી તો કહે છે – ભાજપની જીત નથી – સીપીએમનો પરાજય છે. કોંગ્રેસના પરાભવ માટે રાહુલ ગાંધી જવાબદાર છે.

માર્ક્સવાદીઓને મરણતોલ ફટકો લાગ્યા પછી કોંગ્રેસનું ‘તરણું’ પકડવામાં ફાંફાં મારશે, પણ કોંગ્રેસના પંજામાં હવે કેટલી શક્તિ છે? ચૂંટણીનાં પરિણામ આવવાની તારીખ નક્કી હતી છતાં કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ઇટાલી કેમ ચાલ્યા ગયા? કદાચ એમને પરાજયનો ખ્યાલ આવી ગયો હશે, પણ મતની ટકાવારી તળિયે જશે એવી કલ્પના નહિ હોય. ગમેતેમ પણ કપરા સમયમાં પક્ષના પ્રમુખની ગેરહાજરી વધુ નુકસાન કરે છે એ બાબત એમના મનમાં શંકા હોવી નહિ જોઈએ.
કોંગ્રેસ અને માર્ક્સવાદીઓની શક્તિ મપાઈ ગયા પછી હવે રાજકારણમાં ત્રીજા વિકલ્પ – ભાજપ અને કોંગ્રેસ સિવાયનો મોરચો રચવાની હિલચાલ શરૂ થઈ છે. મમતાદીદી સક્રિય બન્યાં છે અને અન્ય પ્રાદેશિક પક્ષોનો સંપર્ક કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની બે પેટાચૂંટણીમાં ભાજપને ‘પાઠ’ ભણાવવા અને ત્રીજા વિકલ્પ – થર્ડ ફ્રન્ટના ‘પાણી’ માપવા માટે માયાવતીએ તેમના ‘જાની દુશ્મન’ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવને ટેકો આપવાની ખાતરી આપી છે. આ પણ ‘ટ્રાયલ’ છે.

રમિયાન ગુજરાત પછી રાહુલ ગાંધીના ‘નવા અવતાર’ ઉપર ઓવારી ગયેલા શરદ પવાર ‘મૌન’ તોડ્યા પછી કઈ બાજુ ઢળશે? પ્રાદેશિક પક્ષોના કેટલાક નેતાઓના મોઢામાંથી લાળ ઝરવા માંડી છે.
ગુજરાતમાં ભાજપે વિધાનસભાની 16 બેઠકો ગુમાવી અને કોંગ્રેસે 16 વધુ મેળવી. આ માટે કોંગ્રેસ કરતાં અન્ય કારણો અને પરિબળોનું યોગદાન હતું. હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણીનો પ્રચાર અને દલિતો ઉપર થયેલા અત્યાચાર, ખેડૂતોની નારાજી વગેરેના કારણે કોંગ્રેસને વધુ બેઠકો મળી, પણ રાહુલ ગાંધીની લોકપ્રિયતા અને હળવા હિન્દુત્વનું ફળ ગણીને સૌ ગેલમાં આવી ગયા. 2019ની તૈયારી થવા લાગી. આ દરમિયાન રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો જીત્યા, પણ ઓછી બહુમતીએ – અને નીરવ મોદીના હીરા ઝળક્યા. પરિણામે મોદી – ભાજપનાં વળતાં પાણી થયાં હોવાની હવા જામવા લાગી. કર્ણાટકની ચૂંટણી પછી નવેમ્બર – ડિસેમ્બરમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણી છે. તેમાં ખરી કસોટી છે. ભાજપ માને છે કે ઉત્તર – પૂર્વના વિજયરથ પછી તેની અસર કર્ણાટકમાં પડશે અને નવેમ્બર-ડિસેમ્બર સુધીમાં અર્થતંત્રના સુધારાનાં ફળ આપી શકાશે. અલબત્ત, રાજકારણમાં પવનની દિશા ક્કી હોતી નથી. એનડીએ સરકારના બે મોટા ભાગીદાર પક્ષો – શિવસેના અને ચંદ્રાબાબુ નાયડુ નારાજ છે. શિવસેના સત્તા માટે અને નાયડુ રાજ્યના વિકાસ માટે એનડીએ સરકાર સામે માથું ઊંચકી રહ્યાં છે. બિહારના જીતનરામ માંઝીની હિન્દુસ્તાન આવામ પાર્ટી એનડીએને છોડીને રાષ્ટ્રીય જનતા દળના ખોળે બેઠી છે. નીતિશ કુમાર સાથે નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા પણ છે. લોકસભાની ચૂંટણી પહેલાં હજી કસોટી બાકી છે.

લેખક ‘જન્મભૂમિ’ જૂથના તંત્રી છે.