વિપક્ષોનો મહા અભિયોગ પ્રસ્તાવ રદ થવાથી કોંગી નેતા કપિલ સિબ્બલ નારાજ – ઉપરાષ્ટ્રપતિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં જ પડકારવામાં આવશે

0
1023

ભારતના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે વિપક્ષો દ્વારા પેશ કરવામાં આવેલી મહા અભિયોગની દરખાસ્તને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ રદ કરી દીધી તેથી ભૂતપૂર્વ કાયદાપ્રધાન અને પીઢ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે નારાજગી જાહેર કરી હતી. ઉપરાષ્ટ્રપતિનો આ નિર્ણય યોગ્ય ના હોવાનું કહીને તેમણે આ ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું જણાવ્યું હતું. કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, ઉપરોક્ત નિર્ણય ઉતાવળમાં લેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ સાથે સંબંધિત ટેકનિકલ મુદા્ઓને સમજવા માટે તેમણે વકીલો સાથે ચર્ચા- વિચારણા કરવી જોઈતી હતી. જો તેઓએ એમ કર્યું હોત તો આવો નિર્ણય ના લેત . નોંધવા જેવી બાબત એ છે કે, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભારતના એટર્ની જનરલ કે કે વેણુગાપાલ તેમજ અન્ય કાનૂન નિષ્ણાતો સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરીને જ આ પગલું લીધું હતું. તેમને વિપક્ષો દ્વારા ચીફ જસ્ટિસ પર મૂકવામાં આવેલા આરોપો તથ્યહીન અને પાયાવિહાણા લાગ્યા હતા.

    એક જાણીતા અખબારમાં જણાવ્યા અનુસાર, કપિલ સિબ્બલે સોમવારે ચીફ જસ્ટિસની અદાલતમાં ઉપસ્થિત નહીં રહેવાની જાહેરાત કરી હતી. તેમણે એવી જાહેરાત કરી હતી કે, જયાં સુધી દીપક મિશ્રા પદ પરથી નિવૃત્ત નહિ થાય ત્યાં સુધી તેઓ કોર્ટમાં હાજર નહિ રહે.