વિનોદ ભટ્ટ, સોનાનું હૃદય અને રૂપાની કલમ

એ માણસ આપણો સાચો દોસ્ત હોય છે, કે જે આપણી જામેલી ગ્રંથિઓ તોડવાનું કામ કરે છે.
મારા અનેક દારુણ પ્રશ્નો હતા મારી તેવીસ વર્ષની વયથી જ. એ પ્રશ્નોને ઉકેલવાની મારી નાકામીઓએ મારા મનમાં અનેક ગ્રંથિઓ રોપી દીધી હતી. આ મારું આત્મકથ્ય નથી એટલે બીજી કોઈ ગ્રંથિઓની વાત નથી કરવી. કેવળ એક-લઘુતાગ્રંથિ-ની જ વાત કરું કે જેનો સંબંધ વિનોદ ભટ્ટની વાત સાથે છે.
અણગમતી ડિગ્રી બી.કોમની, અણગમતી નોકરી તે સરકારી ઓડિટરની, અને બીજા અનેક ખોટા આવી પડેલા સાંસારિક સંઘર્ષો વચ્ચે મારી કુદરતી સાહિત્ય સરવાણી મૃતપ્રાય થઈ ગઈ હતી. ચાંદની, આરામ, સવિતા અને નવચેતન જેવાં સામયિકોમાં આવતી મારી વાર્તાઓ અને એમાં મને અવારનવાર મળતા ચંદ્રકો, ઇનામોથી અને કંઈક તો વાર્તાઓની થોડી ગુણવત્તાથી થોડા પારખુઓ પાસે મારી થોડી ઓળખ બની હતી, પણ એ સિવાય સુરેશ જોષીના આધુનિકતાના સપાટાએ મને સાવ નગણ્ય બનાવી મૂક્યો હતો. સરકારી નોકરી બદલીને બેન્કની નોકરી લીધી, પણ આંકડાઓથી પીછો છૂટે એમ નહોતો. મારી નબળાઈ તે એ કે એક સમયે હું એક જ લક્ષ્ય પર ધ્યાન આપી શકું એટલે નેશનલાઇઝ્ડ બેન્કની નોકરી લીધા પછી તો લેખન સાવ વિસારે પડ્યું. ઇનામો ફંટાઈને સાહિત્યને બદલે બેન્કની કામગીરીના માર્ગે મળતાં થયાં.
એ અરસામાં, 1973ની સાલમાં મારે અમદાવાદ આવીને રહેવાનું થયું. સાંજે છ વાગ્યે ઇન્કમટેક્સ પાસેની મારી ઓફિસેથી છૂટતો અને સાઇકલ લઈને નવા વાડજને મારે ઘેર થાકેલોપાકેલો પહોંચતો. બેચાર દિવસે વાર્તાકાર મહેશ દવે (જે આ થોડા પારખુઓમાંનો એક) મને ઓફિસે છ વાગ્યે મળવા આવતો. અમે સામેની કોઈ હોટેલમાં ચા પીવા જતા. એ પોતાની નવી નવી વાર્તાઓની વાતો કરતો અને એથી તો મારામાં વધુ નિર્વેદ પ્રગટતો, કારણ કે એ આધુનિકતાવાદી હતો અને મને એવું લખતાં આવડતું નહિ. મારી લઘુતાગ્રંથિ એથી વધુ ઘેરી બની જતી.
પણ એક સાંજે એ એક એવા મિત્રને લઈને આવ્યો કે જેનો ચહેરો લાલ ગલગોટા જેવો હતો. ગાલ પણ બાળક જેવા ફૂલેલા હતા. ચહેરા ઉપર થોડી શરારત અને નિમંત્રક સ્મિત. હું તરત ઓળખી ગયો. એ વિનોદ ભટ્ટ હતો, જે સામેની ઇન્કમટેક્સ ઓફિસમાંથી મને મળવા માટે જ મહેશની સાથે થઈ ગયો હતો. મને એ પણ યાદ આવ્યું કે 1964માં એ નરેન્દ્ર દવેના સાહિત્ય સંગમના કાર્યક્રમમાં હાજરી આપવા અમારા જેવા જ નવજુવાન લેખક દિનકર જોશી સાથે રાજકોટ આવ્યો હતો. ઉત્સવના ત્રણ દિવસ મેં એ લોકોને મારી એકલ ખોલીમાં સાચવ્યા હતા. અમારી ઓળખાણ ચાંદની આરામ અને નવચેતન જેવાં સામયિકોના માધ્યમથી હતી. અમે સૌ નવોદિતો હતા. વિનોદ ભટ્ટ મારાથી બરાબર છ મહિના જ મોટા હતા. જોકે રાજકોટની આ મુલાકાત પછી કોઈ ખાસ સંપર્ક જળવાયો નહોતો.
અને આજે આમ અચાનક!
અમે નીચે જઈને ચા પીધી. ત્યાં લાગલું જ એણે પૂછ્યુંઃ વાર્તાસંગ્રહ ક્યારે બહાર પાડે છે?
મને આશ્ચર્ય થયું. સીધી આ જ વાત!
ના રે ભાઈ, મારું ચોપડું તે કોણ બહાર પાડે? મેં કહ્યુંઃ આપણે આ મહેશની જેમ આધુનિકવાળા નહિ .
ધારું તો અહીં એ પછીના આખા સંવાદો ઉતારી શકું, પણ હું એ નથી ભૂલવા માગતો કે આ લેખ વિનોદ ભટ્ટ વિશેનો છે. મારા વિશેનો નહિ. એટલે એ બધા સંવાદો ગાળીને સીધો જ હું રિલીફ રોડ પરના પીરમહમ્મદ શાહ મેન્શનની વાત કરું જ્યાં ભીખાભાઈ ઠક્કર નામે એક સજ્જન રૂપાલી પ્રકાશન ચલાવતા હતા. ત્યાં મારે કોઈ જ ઓળખાણ નહોતી, પણ વિનોદની બે-ત્રણ નાની નાની ચોપડીઓ એણે છાપી હતી. વિનોદ મને એમ કહીને ત્યાં પરાણે લઈ ગયો હતો કે જો દોસ, તારી વાર્તાઓ મને બહુ ગમે છે. ઠીક ઠીક વાર્તાઓય ભેગી થઈ હશે, પણ જો, સંગ્રહ થયા વગર પર્સનાલિટી બંધાતી નથી. એટલે હજીયે તું તારો વાર્તાસંગ્રહ બહાર પાડવાની હા નહિ પાડે તો હું તારી સાથે જીવનભર નહિ બોલું.
વિનોદના આ નિઃસ્વાર્થ ત્રાગા સામે હું ઝૂકી ગયો અને મારો પહેલો વાર્તાસંગ્રહ, બલકે મારું પહેલું પુસ્તક ખલેલ બહાર પડ્યું અને ગુજરાત સરકારનું શ્રેષ્ઠ પુસ્તક તરીકેનું એક પારિતોષિક પણ એને મળ્યું. અને વર્ષોથી જામેલી મારી લઘુતાગ્રંથિ તૂટી. વિનોદ ભટ્ટે આ કામ કરીને મારા માટે સાહિત્યજગતના દરવાજા ખોલી આપ્યા, અને મારામાં અહંકાર નહિ, પણ હુંકાર પ્રગટાવી આપ્યો. મારી નિસ્તેજતા એને કારણે જ દૂર થઈ. આજે પણ જ્યારે જ્યારે મારું કોઈ નવું પુસ્તક પ્રગટ થાય છે, પછી ભલેને તે એકસાઠમું હોય, પણ ત્યારે ત્યારે મને વિનોદ ભટ્ટનું સ્મરણ થયા વગર રહેતું નથી. એક ઋણભાવ અનુભવાય છે.
પણ એક અનન્ય પ્રસંગ સ્મરણમાં જડાઈ ગયો છે. અમે બેઉ એક મતે માનતા અને સાચું જ સમજતા કે અમે બન્ને દ્રુતવાક (એકદમ ઝડપથી બોલનારા અને ક્યારેક તો જીભ અચકાતી હોય તેમ અસ્પષ્ટ બોલનારા) છીએ. દ્રુતવાક જેવો કોઈ શબ્દ ડિક્શનેરીમાં નથી, પણ મેં અમારા માટે બનાવ્યો હતો. એ સંદર્ભે વાત કરું તો 1975-76માં હું વિજયા બેન્કમાં વડોદરા હતો. એ દિવસોમાં અમારાં વક્તવ્યો-બક્તવ્યો કોઈ ગોઠવતું નહિ. એવો કોઈ ખાસ ચાલ, પણ સાહિત્યજગતમાં નહોતો. એવામાં એક દિવસ અચાનક વિનોદ મારી રાવપુરાની ઓફિસે આવી ચડ્યો. બસમાંથી ઊતરીને સીધો જ મારે ત્યાં આવ્યો હતો. હાથમાં માત્ર કાપડની એક થેલી હતી અને સિકલ પર તરત જ નોંધ લેવી પડે એવો મૂંઝવણનો ભાવ. સારું થયું સમયસર આવ્યો હતો, બાકી હું તો આકાશવાણી પર એક વાર્તા વાંચવા જવાની ઉતાવળમાં હતો (જ્યાં વાર્તાકાર વીનેશ અંતાણી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા). એ ઘડીએ વિનોદના ઉદ્વેગનું કારણ પૂછવા-સમજવા જેટલો વખત મારી પાસે નહોતો. ‘શું આવવાનું થયું?’ના મારા સવાલના ખુલાસામાં એણે માંડ એટલું કહ્યું કે આજે વડોદરામાં ડોક્ટરોના કોઈ અધિવેશનમાં બોલવાનું એને નિમંત્રણ છે. આમ તો આવત નહિ, પણ ધન (આ એનો જ શબ્દ!) મળવાનું છે એટલે આવ્યો છું. લેક્ચર સાડા આઠ વાગ્યે છે.
ચાલ મારી સાથે. મેં કહ્યુંઃ આકાશવાણીમાં મારું સાડા છ વાગ્યે રેકોર્ડિંગ છે. વીનેશ પણ મળશે. એ પતાવીને આપણે નીકળી જઈશું. મારી પાસે સ્કૂટર છે. હું તને મૂકવા આવીશ અને તને સાંભળવા બેસીશ પણ ખરો.
એણે હા તો પાડી, પણ એ મૂડમાં નહોતો એ તો હું જોઈ શકતો હતો. લેક્ચર કેવી રીતે આપશે એ સવાલ થાય એવો તો એનો ચહેરો હતો, પણ વધુ પડપૂછનો સમય મારી પાસે નહોતો. અમે બેન્કમાંથી નીકળી ગયા ત્યાં. વીનેશ અમારી રાહ જ જોતો હતો. એ તરત જ મને સ્ટુડિયોમાં લઈ ગયો અને વિનોદને ડ્યુટીરૂમમાં બેસાડી દીધો, જ્યાં બેઠાં બેઠાં એ સ્પીકરમાંથી મારો અવાજ સાંભળી શકે.
અને આશ્ચર્ય! મારું રેકોર્ડિંગ પતાવીને અમે બહાર નીકળ્યા ત્યારે વિનોદના ચહેરા પરની ઉદાસી કોણ જાણે કેમ ગાયબ હતી! એ પ્રસન્નચિત્ત દેખાતો હતો. એ જમાનામાં મોબાઇલ ફોન તો હતા જ નહિ કે કોઈ એને મળવા પણ આવ્યું હોય. તો એટલી વારમાં કોણ એની ગમગીની ખંખેરી ગયું! રહસ્ય હતું, પણ પૂછવામાં જોખમ હતું. ફરી એને કશું યાદ આવી જાય અને ફરી એ એમાં સરી પડે તો?
અમે એક મોટા કોન્ફરન્સ હોલ પર પહોંચ્યા. વિનોદને સ્ટેજ પર લઈ જવામાં આવ્યો, અને મને એના મિત્ર તરીકે પહેલી રોમાં જગ્યા આપવામાં આવી. ધીરે ધીરે હોલ આખો ભરાઈ ગયો અને વિનોદનું વક્તવ્ય અને તે પછી એની સાથે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ થયો. બન્ને કાર્યક્રમોમાં વિનોદ બહુ જ ખીલ્યો અને બહુ જ સ્વસ્થતાપૂર્વક એની વાણી ચલાવી.
એ પછી બધું પતાવીને અમે બહાર નીકળ્યા ત્યારે અચાનક જ એણે મારા ખભે પ્રેમથી હાથ મૂક્યો અને કાનમાં કહ્યુંઃ વહાલા, આ બધું તારા કારણે, હોં!
હું ચમકી ગયો. અરે! મેં પૂછ્યુંઃ મારો આમાં શું ફાળો? મેં શું કર્યું? અને હસીને કહ્યું; હા, ડ્રાઇવર તરીકે તને અહીં લઈ આવ્યો એ ખરું!
ના, એ નહિ! એ હસીને બોલ્યોઃ આકાશવાણીમાં તારું રેકોર્ડિંગ સાંભળ્યું ને?
તો?
એ વખતે હું જોઈ શક્યો કે મારા કરતાં દસ ગણું ફાસ્ટ બોલનારો આ માણસ માઇક સામે આવતાં આટલું ચોખ્ખું બોલી શકે છે તો હું કેમ નહિ? હું એના કરતાં તો અમસ્તુંય કંઈક ચોખ્ખું બોલું છું! એણે કહ્યું, બસ. એ જ ઘડીથી મારો આત્મવિશ્વાસ બંધાઈ ગયો, અને અમે બન્ને ખડખડાટ હસી પડ્યા. વિનોદના પહેલા જ વક્તવ્યની પ્રેરણામૂર્તિ બનવાનું શ્રેય મને મળી ગયું! જાણે કે થોડા જ દિવસ પહેલાં મારી લઘુતાગ્રંથિ ભાંગવાનો મેં એને બદલો આપી દીધો!
એ પછી તો સમયના અનેક વારાફેરા આવ્યા. ફરી નોકરીના સિલસિલામાં હું વર્ષો સુધી અમદાવાદની બહાર ફરતો રહ્યો, મહેશ દવેનો સાથ પણ છૂટ્યો, પણ વિનોદની પ્રીત મારાથી છૂટી નહિ. દર મહિને પંદર દિવસે પત્રાચાર થતો રહ્યો. અને અમદાવાદ આવવાનું થાય ત્યારે રવિવાર સવાર તો એને ત્યાં નક્કી જ. રતિલાલ બોરીસાગર અને નિરંજન ત્રિવેદી પણ મોટા ભાગે હોય જ. દોસ્તી ગાઢ થતી ગઈ, પણ તું તાના સબંધો તો હતા જ, પણ એમાં મધુરતા પણ ઉત્તરોત્તર વધુ ને વધુ ઘોળાતી ગઈ. હું એના લેખો વાંચીને એને જણાવું કે ના જણાવું, પણ એ મારી દરેક વાર્તા વાંચીને બિલકુલ પોતાને લાગ્યું હોય તેવો અભિપ્રાય આપતાં અચકાતો નહિ. ગમે તેવો વિપરીત અભિપ્રાય એ મને આપી શકતો અને એ હું જરા પણ દુભાયા વગર સાંભળી લેતો. મૂળભૂત રીતે એ મારી વાર્તાઓનો પ્રખર પ્રેમી એટલી તો હદ સુધી હતો કે પોતાનું વિશ્વપ્રસિદ્ધ રશિયન વાર્તાકાર ચેખોવ પરનું ચરિત્રપુસ્તક એણે મને મારા પ્રિય વાર્તાકારને લખીને અર્પણ કર્યું.
પણ નિખાલસતા અમારી દોસ્તીના પાયામાં રહી. 1980ના ઉત્તરાર્ધમાં સુરતમાં ભરાયેલા સાહિત્ય પરિષદના અધિવેશનની એક સાંજના એક અનૌપચારિક આયોજનમાં મંચની સામે ઉપસ્થિત તમામ જાણીતા લેખકોના થોડા શબ્દોમાં હળવા પરિચય આપવાનું એને સોંપાયું. એ એક પછી એક નામ બોલીને જે તે લેખકને એકલા અથવા સપત્નીક મંચ પર આમંત્રિત કરતો હતો અને હળવી જબાનમાં તેમના પરિચય પણ આપતો હતો. મારી કટાર ઝબકારને કારણે હું પણ એ દિવસોમાં ખૂબ જાણીતો હતો અને તેની નજર પડે તેટલો એની સામે પણ હતો. મને પણ એ બોલાવશે એવી સ્વાભાવિક માનવીય અપેક્ષા મને પણ હતી, પણ કોણ જાણે કેમ શું થયું! એને હું યાદ જ ના આવ્યો. હું રાહ જોતો રહ્યો અને કાર્યક્રમ પૂરો થયો. સૌ વિખેરાયા ત્યારે એ મારી પાસે આવ્યો. મારી હથેળી પકડીને કહે; ચાલને રજની, જરા બાથરૂમમાં જઈ આવીએ.
મેં એનો હાથ તો પકડ્યો. સાથે ચાલવા પણ મંડ્યો, પણ મારાથી બોલ્યા વગર ના રહેવાયુંઃ આમાં હું તને યાદ આવું છું, પણ સ્ટેજ પર જ ના આવ્યો!
એક ક્ષણ એ ઊભો રહી ગયો. ગંભીર થઈ ગયો. પછી કહેઃ ચાલ, જે થયું તે.
એ વખતે તો એ વાત મારા મનમાં છપાઈ પણ ગઈ અને પછી ભૂંસાઈ પણ ગઈ, પણ થોડા જ દિવસમાં એનો પોસ્ટકાર્ડ મારા ઉપર આવ્યો. એમાં ખરા દિલથી એણે મારી માફી માગી. (એ પત્ર મેં સાચવી રાખ્યો છે, પણ રહેઠાણ બદલવાને કારણે એ અત્યારે હાથ આવતો નથી). આ ચેષ્ટા સામાન્ય નથી. હૃદયનું બહુ મોટું ગજું માગી લે છે એ હું સમજી શકું છું.
એ પછી થોડાં જ વરસમાં મારું કાયમી રહેવાનું અમદાવાદ થયું અને એ પણ મણિનગરમાં, એના ઘરની નજીક, દસ પંદર મિનિટના રસ્તે. અમારું મળવાનું વધ્યું, પણ બીજા મિત્રો જેમ રવિવારે એને નિયમિત મળતા એટલી બધી હદે નહિ, પણ વિશેષ તો નલિનીબહેન સાથે એને જવાનું હોય (એ એકલો કદી જતો જ નહિ) ત્યારે મારી ગાડીમાં હું એને આગ્રહ કરીને લિફ્ટ આપતો ત્યારે અમારે ખાસ્સી વાતો થતી. બાકી ફોન અમારે બહુ કાનવગો રહેતો. ફોન પરના અમારા વાર્તાલાપના મેનુમાં બે-ત્રણ નવી જોક્સ અવશ્ય હોય જ. એની પાસે વાત મૂકવા-માંડવા-આટોપવાની જે કલા હતી તે બહુ ઓછા લોકોમાં મેં જોઈ છે.
1995-96ની સાહિત્ય પરિષદની ચૂંટણીમાં એની સામે રમણલાલ જોશી ઊભા રહ્યા હતા. રમણલાલ હારી જ જશે તેની વિનોદને ખાતરી હતી, વિનોદની એ સજ્જનતા હતી કે એ ઇચ્છતો હતો કે એમની એ રીતે નામોશી ના થાય એ માટે રમણલાલ ઉમેદવારી પાછી ખેંચી લે. એમને એ માટે સમજાવવાનું કામ એણે મને સોંપ્યું. મારામાં એટલી સમજણ (બલકે, અક્કલ) નહિ કે એમને ત્યાં જઈને બહુ સલૂકાઈથી એમની પાસે આ વાત મૂકું. એટલે મેં તો સીધો ફોન જ કર્યો અને એ ફટાકડો અવળો ફૂટ્યો! બીજી જ ક્ષણે રમણલાલ મારા પર બહુ ખરાબ રીતે ઊકળી પડ્યા અને તમે લોકપ્રિયવાળાઓ… કહીને અમને એક બ્રેકેટમાં મૂકી દીધા અને બેફામ બોલ્યા. હું તો ડઘાઈ જ ગયો. (જોકે એ પછી પોતાના પુત્રની સમજાવટથી એ વસ્તુ એમણે કરી પણ ખરી અને ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું), પણ પછી મારી ઇન્ડો-અમેરિકન ડોક્યુનોવેલ પુષ્પદાહને નહિ, પણ એનાં બે વિમોચનોને નિશાન બનાવીને એમણે જે રીતે એને નુકસાન પહોંચાડ્યું એ 1996-97નો બહુચર્ચિત અને જાણીતો કિસ્સો છે. વિનોદ એથી બહુ જ વ્યથિત હતો. એ પ્રકરણનો થોડો ઉલ્લેખ એણે પોતાની આત્મકથા એવા રે અમે એવા રેમાં કર્યો છે
અનેક સ્નેહદોરે અમારી દોસ્તી અવગુંફન પામી હતી. એ બધાનું વર્ણન એક લેખમાં શક્ય નથી. છેલ્લે છેલ્લે રતિલાલ બોરીસાગર, મનુભાઈ શાહ (ગુર્જર પ્રકાશન) અને ભાગ્યેશ જહા જેવા અનેક સ્વજનોની ગાઢ શુશ્રૂષા મારો એ મિત્ર પામતો હતો. એ દશ્ય સંતર્પક, પણ દુઃખદ હતું, વિનોદ ભટ્ટમાં તળ અમદાવાદીનાં પાકાં લક્ષણો હતાં, પણ એનો રંગ મનોહારી હતો. એની પાસે સોનાનું હૃદય અને રૂપાની કલમ હતી.

લેખક સાહિત્યકાર અને પત્રકાર છે.