વિનોદ ભટ્ટઃ એમની ખુમારી જ એમના હાસ્યનું રહસ્ય હતું

0
992

પ્રિય પ્રાર્થના,
અહીં હવે વરસાદ આવ્યો છે. શાળામાં મોડા પડેલા છોકરાની જેમ ઊંધું ઘાલીને આવ્યો. આપણી સામે ઊભેલાં વૃક્ષોએ આખું આંગણું એમનું બાથરૂમ હોય એ રીતે ગીતોથી ભરાવી દીધું. જોકે હજી ઠંડક થઈ નથી. વાદળો ઊમટ્યાં છે એટલે સારું લાગે છે. દૂરનું આકાશ એટલું ભર્યુંભાદર્યું લાગે છે કે કોઈ ચિત્રકાર બેઠો બેઠો હજી જાણે કે આ ચિત્ર પૂરું કરી રહ્યો છે, બે વાદળ આવે છે અને જાય છે. વીજળીઓ એ પીંછીના લસરકા હશે કે એ ચિત્રકાર પીંછી ખંખેરે છે કે શું? એવો વિચાર આવે છે.
આજે એક બીજા બનાવ વિશે કહેવું છે. વડોદરામાં 22મીએ એક અભિનવ કાર્યક્રમ યોજાયો છે. આમ તો વડોદરા વિનોદ ભટ્ટને યાદ કરવા છે. આપણા હાસ્યસમ્રાટની વિદાયને બે મહિના થયા છે. વડોદરા અને વિનોદ ભટ્ટને વિશેષ સંબંધ રહેલો. તુષારભાઈ વ્યાસ અને મિત્રોએ આગ્રહ કરેલો તો મેં વિનોદભાઈને સંમત કરેલા કે વિનોદભાઈ આવે. એમની એવી ઇચ્છા હતી કે હવે તબિયત સારી નથી એટલે વિનોદભાઈ મારા પ્રશ્નોના જવાબ આપશે, પણ કમનસીબે આ કાર્યક્રમ ના થઈ શક્યો, પણ આ રવિવારે આ કાર્યક્રમ અલગ ભાત પાડનારો બની રહેશે. આમંત્રણકાર્ડમાં કોઈનું નામ નહિ, માત્ર વિનોદભાઈ જ, એમનો જ ફોટો. આયોજન પણ એવું છે કે કોઈ સ્ટેજ પર નહિ, માત્ર એક ખાલી ખુરશી અને એની ઉપર વિનોદભાઈનો એક ફોટો…
એમ થાય કે દિવંગત સર્જકને કેવી કેવી રીતે યાદ કરવા. તને યાદ હશે, એમના મરણ પછી આપણા ઘરે અમે એક ‘વિનોદ સપ્તાહ’ ઊજવેલું. બેસાડેલું નહિ, પણ ઊજવેલું. સામાન્ય રીતે કોઈના મરણની પાછળ લોકો ભાગવત સપ્તાહ કે ગરુડપુરાણ બેસાડે, પણ આપણે વિનોદ સપ્તાહની ઉજવણી કરેલી. એક હૃદયંગમ અનુભવ રહ્યો, એમ કરીને અમે વિનોદભાઈનું મૃત્યુ એક અઠવાડિયું પાછું ઠેલેલું, પણ મૃત્યુ તો મૃત્યુ છે. અનિવાર્ય અને એક કઠોર વાસ્તવિકતા.
આજે બેત્રણ વાતોથી વિનોદભાઈને યાદ કરવા છે. તું જાણે છે મારો નિત્યનિયમ એવો કે રોજ સવારે ‘મોર્નિંગ વોક’ કરતાં કરતાં મારે એમની સાથે વાત કરવાની. પહેલાં મજા આવતી, પછી એ ટેવ બની, અને છેલ્લે છેલ્લે તો વ્યસન. જયશ્રીબહેન મર્ચન્ટના પુસ્તક લોકાર્પણ માટે હું બે-એરિયામાં ગયેલો. ત્યારે પ્રતાપભાઈ પંડ્યાને ત્યાં રોકાયેલો. ત્યાંથી જ્યારે મેં મે [2018]ની ત્રીજી, ચોથી અને પાંચમી એમ ત્રણ દિવસ વાત કરેલી ત્યારે વિનોદભાઈ એક વાક્ય બોલેલા, મારા વહાલા, વહેલા વહેલા આવી જાઓ… મજા નથી આવતી. અને પછી હું નવમીએ પહોંચ્યો ત્યારે તો સ્વાસ્થ્ય ઘણું કથળ્યું.
મૃત્યુ પહેલાં ત્રણ દિવસ પહેલાં એટલે કે અઢારમી મેની સાંજે હું, રતિલાલ બોરીસાગર અને ગુર્જર ગ્રંથવાળા મનુભાઈ શાહ એમને મળવા ગયેલા. ખૂબ જ નાજુક તબિયત, પણ હાસ્ય અકબંધ. મેં પૂછ્યું, શું થાય છે, કાકા? એમનો લાક્ષણિક જવાબ, ત્રુટક ત્રુટક વાક્યો, વહાલા, બધાં અંગો શિથિલ થઈ ગયાં છે. મેં કહ્યું, મગજ તો બરાબર હોય એમ લાગે છે… તરત જ વિનોદ ભટ્ટ પ્રગટ્યા, એ તો ક્યારનુંય નથી ચાલતું. મેં લુઝ બોલ નાખ્યો, ક્યારનું, એટલે ક્યારનું?’ બસ, જુઓને,… તમને મળ્યા ત્યારથી… પાછા ચૂપ થઈ ગયા. મરણના આગલા દિવસે આપણા શિક્ષણમંત્રી ભૂપન્દ્રસિંહજી સાથે હું ગયેલો, બિલકુલ નિશ્ચેષ્ટ શરીર. તમે માની ન શકો કે ગુજરાતી હાસ્ય આટલું ઠંડું કેમ…! ભૂપન્દ્રસિંહને ગુજરાતી ભાષા ફરજિયાત કરવા માટે હાથ મિલાવવા એમણે હાથ લંબાવ્યો. મેં કાનમાં બૂમ પાડી, કાકા…! તો એ એક વિલક્ષણ ‘સ્માઇલ’ આપી ગયા. પ્રાર્થના, એમનું આ અંતિમ સ્મિત એ મારા જીવનની બહુ મોટી મૂડી છે. આવડો મોટો સર્જક… એમની ચપળતા. તમે કશું બોલો એની સાથે જ છગ્ગો ફટકારવાની ક્રિકેટાયેલી વિનોદવૃત્તિ.
આવા વિનોદભાઈનું બેસણું નહોતું રાખ્યું. એમના પુત્ર સ્નેહલભાઈ જે પોતે એક સોફ્ટવેર/હાર્ડવેરના વ્યાપારમાં ઘણા સફળ થયેલા છે, અને એક સારા જ્યોતિષશાસ્ત્રી છે, એમણે આયોજન કરેલો વિનોદાંજલિનો કાર્યક્રમ કદાચ ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ ઘટના હતી. ઓફિસો કાર્યરત હોય તેવો દિવસ, કોઈ છાપામાં આ સભાની જાહેરાત નહિ. માત્ર સોશિયલ મિડિયા પર એક સંદેશ ફરે, અને અદ્ભુત દશ્ય… આખો હોલ ચિક્કાર ભરાઈ ગયો. બહુ ઓછા સર્જકોની આટલી બધી લોકસ્વીકૃતિ મેં જોઈ છે. આવા ઓલિયા માણસને કોઈ ઇનામ કે પારિતોષિકની નહોતી પડી. જોકે એમને ગુજરાતી સાહિત્યનાં તમામ ખ્યાતનામ ઇનામો મળેલાં છે, પણ એ કહેતા; મને આ જગતમાં કોઈની પાસેથી કંઈ જોઈતું નથી.’ એમની આ ખુમારી જ એમના હાસ્યનું રહસ્ય હતું.
ગુજરાતી હાસ્યનું સરનામું હાલ તો જાણે ભૂંસાઈ ગયું હોય એવું લાગે છે.
ફરી ફરી, વાત કરતા રહીશું…
ભાગ્યેશ.

લેખક ગાંધીનગરસ્થિત સર્જક છે.