વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ૧૦૦ નવા ચહેરાને ટિકિટ આપશેઃ સી. આર. પાટીલ

 

અમદાવાદઃ ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ હવે ભાજપે મિશન વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ શરૂ કરી દીધું છે ત્યારે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું એક મહત્ત્વનું નિવેદન આવ્યું છે. સાબરકાંઠામાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું હતું કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ૧૦૦ નવા ચહેરાઓને ટિકિટ મળશે. મહત્ત્વનું છે કે જ્યારથી સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખે આવ્યા છે, ત્યારથી તેઓ નો-રિપીટની થિયરીને અપનાવતા રહ્યા છે અને તેની સફળતા પણ દેખાઈ રહી છે. કોર્પોરેશનમાં નો રિપીટ અને મોટી ઉંમરના કાર્યકરોને ટિકિટ નહોતી આપવામાં આવી અને તેનો પ્રભાવ પણ જોવા મળ્યો હતો. જેને અનુસરતા હવે વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓને તક આપવાની રણનીતિ અખત્યાર કરવામાં આવશે.’ જોકે તેમણે એ  સ્પષ્ટ કર્યું હતું કે ટિકિટ આપવાનો નિર્ણય ઉપરના લેવલથી લેવાય છે. ટિકિટ આપતા પહેલા પાંચથી છ વાર સર્વે કરાય છે અને ત્યારબાદ જ ટિકિટ અપાય છે. તેમણે ઉમેર્યું હતું કે ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલાં કામ કર્યાં છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઈપણ પ્રકારની લાગવગશાહી નહીં ચાલે.

સી. આર. પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત કાર્યકરો છે. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવે છે. જો કે તેમણે આડકતરી રીતે ભાજપના હોદ્દેદારોને ચીમકી પણ આપી હતી કે કોઈનું પદ કાયમી નથી એટલે જે કાર્યકર્તાઓ મહેનત કરશે એને લોટરી લાગી શકે છે. 

અહીં નોંધવું ઘટે કે, ભાજપના હાઇકમાન્ડે ગુજરાતમાં આખી સરકાર બદલી નાખ્યા પછી એન્ટી ઇન્કમબન્સીનો ડર ઓછો કરતા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં નો રિપીટ થિયરી લાવી શકે તેમ છે પરંતુ આટલી મોટી સંખ્યામાં વર્તમાન ધારાસભ્યોને ડ્રોપ કરવાથી બળવાખોરી થવાનો ભય ઉભો થતો હોવાથી હાઇકમાન્ડ ‘નવી ફોર્મ્યુલાનો’ અમલ કરે તેમ લાગી રહ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને હજી એક વર્ષ કરતાં વધુ સમયની વાર છે ત્યારે ભાજપ પાસે ૧૧૫ બેઠક છે. એ ઉપરાંત જે બેઠકો કોંગ્રેસ પાસે છે તેનો રિવ્યુ પણ ભાજપના પ્રદેશ નેતાઓ કરી રહ્યા છે. કોંગ્રેસ પાસે જે બેઠકો છે તેમાં કયા ઉમેદવારને ઉભા રાખવા તેના એક નહીં ત્રણ ત્રણ સર્વે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગર ખાતે સોમવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમિતિના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સી.આર. પાટીલનો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ તેમણે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here