વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કેમ હારી?

 

અમદાવાદઃ આમ તો ગુજરાત અને ગુજરાતવાસીઓ માટે આ સમાચાર નવા નથી, હા કોંગ્રેસના નેતાઓ માટે પણ સમાચાર નવા નથી કે કોંગ્રેસ પેટા ચૂંટણીમાં ફરી કેમ હારી ગઈ, આમ તો કોંગ્રેસ અને કોંગ્રેસના અંદરના નેતાઓને તો ખબર જ છે કે કોંગ્રેસ કેમ હારી, પણ એક ચર્ચા મુજબ કોંગ્રેસની હારનો રિપોર્ટ તૈયાર થઇને દિલ્હી મોકલાયો છે અને આ રિપોર્ટમાં પક્ષે કેટલીક વાતો સ્વીકારી છે જેમકે પક્ષ પલ્ટુ અને ખરીદાયેલા ધારાસભ્યનો મુદ્દો ગુજરાતની પ્રજાએ ન સ્વિકાર્યો, ચૂંટણીમાં માઈક્રો પ્લાનિંગ કરવામાં કોંગ્રેસ નિષ્ફળ રહ્યું, ચૂંટણી પ્રચારમાં કાર્યકરોથી માંડી મોટા નેતા અળગા રહ્યા.

કોંગ્રેસમાં સ્થાનિક સ્તરે આંતરિક વિખાવાદ હારનું કારણ બન્યો, કોંગ્રેસ પોતાના પંરપરાગત મતદારોને મતદાન ન કરાવી શક્યો, અપક્ષ ઉમેદવારના સમીકરણમાં કોંગ્રેસ પાર્ટી થાપ ખાઇ ગઇ, કોંગ્રેસના મોટા નેતાએ ઉમેદવારો વહેંચી નિચલા સ્તરે ખોટો મેસેજ ગયો, કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર કોંગ્રેસનો મદાર ઠગારો નિવડ્યો, કોંગ્રેસ પ્રજાના મુદ્દા સમજવામા નિષ્ફળ પુરવાર થઇ, ખેતી, બેરોજગારી, કોરોના જેવા મુદ્દાને પ્રજાએ ન સ્વિકાર્યા, મજાની વાત એ છે કે આવા હારના અનેક મુદ્દા અને અનેક રિપોર્ટ દિલ્હી કોંગ્રેસ ઓફિસમાં ધૂળ ખાઈ રહ્યા છે, જેની જોવાની પણ તસ્દી દિલ્હીના નેતાઓએ નથી લીધી, ત્યારે વધુ એક રિપોર્ટ હવે દિલ્હી ઓફિસમાં પસ્તીનો વધારો કરશે એ વાત નક્કી છે.