વિદ્યાર્થીઓના બહુમુખી વિકાસનું અનોખું શિક્ષણતીર્થ

0
1032

આજે એક તરફ શિક્ષણને વેપલો બનાવી બેઠેલા શાળા-સંચાલકો વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી તગડી ફી વસૂલ કરીને વાલીઓને લૂંટી રહ્યા છે અને શિક્ષણનું ચીરહરણ કરી રહ્યા છે; ત્યારે બીજી તરફ એક આદિવાસી વિસ્તારમાં આદિવાસી બાળકો માટે શિક્ષણની ઉત્કૃષ્ટ પરંપરાઓનું જતન કરતી શાળા જોઈને હૈયું ઠરે એવી અનુભૂતિ થઈ.
યસ, જેને સાચા અર્થમાં શિક્ષણતીર્થ કહી શકાય અને એ સ્કૂલમાં ચાલતી શિક્ષણની પ્રક્રિયાને યજ્ઞકાર્ય કહી શકાય તેવી એક આદિવાસી સ્કૂલનો અનુભવ આજે તમારી સાથે શેર કરવો છે.

વિદ્યાર્થીના બહુમુખી વ્યક્તિત્વ-વિકાસ માટે જે થવી જોઈએ એવી તમામ પ્રવૃત્તિઓ આ શાળામાં થાય છે. એવી એક પણ પ્રવૃત્તિ તમે કદાચ યાદ નહિ કરી શકો કે આ શાળામાં જોવા ન મળતી હોય! એટલું જ નહિ, અહીં એક પણ પ્રવૃત્તિ એવી માંદી રીતે નથી ચાલતી કે જે ઉત્કૃષ્ટ રિઝલ્ટ ન બતાવતી હોય! આ પ્રવૃત્તિઓનું લિસ્ટ જોઈને આપણા મનમાં સવાલ પેદા થઈ શકે કે આટલી બધી પ્રવૃત્તિઓ ચાલે છે તો પછી શિક્ષણ કયા સમયે અપાતું હશે? આપને જાણીને આશ્ચર્ય થશે કે આ શાળાના અંગ્રેજી માધ્યમમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં સો ટકા રિઝલ્ટ પણ જોવા મળે છે!
એ શાળાનું નામ છે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ. છોટાઉદેપુર જિલ્લામાં અને ડભોઈથી લગભગ 90 કિલોમીટર દૂર ક્વાંટ ગામમાં આવેલી આ એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ એક વખત પ્રત્યક્ષ જોવા જેવી છે. 28.200 સ્ક્વેર મીટર જમીન ઉપર આ સ્કૂલનું નિર્માણ થયેલું છે. સુખી પરિવાર ફાઉન્ડેશન સંચાલિત આ સ્કૂલમાં લગભગ 400 સ્ટુડન્ટ્સ અભ્યાસ કરી રહ્યા છે.

અને હવે તમારે આ સ્કૂલ વિશેની એક રોમાંચક અને રહસ્યમય અથવા વિસ્મયકારક વાત સાંભળવી છે? તો સાંભળો, એની સ્થાપના એક જૈન સાધુએ કરી છે! એ સાધુ એટલે ગણી રાજેન્દ્રવિજયજી મહારાજ. સામાન્ય રીતે જૈન સાધુ ત્યાગ, તપ અને કઠોર જીવનશૈલી માટે જાણીતા છે. કેશલોચ, પગપાળા પરિભ્રમણ, આહાર-પાણીના ચુસ્ત નિયમો ઉપરાંત સાંસારિક સંબંધોથી તદ્દન પર રહેવાનું હોય છે. ભૌતિક સુખનાં તમામ સાધનો અને તમામ પ્રકારના મોજ-શોખથી વેગળા રહેવાનું જૈન સાધુ માટે તેની શાસ્ત્રીય આચારસંહિતા પ્રમાણે કમ્પલ્સરી હોય છે. સામાન્ય રીતે જૈન સાધુઓ પોતાના આત્માનું કલ્યાણ કરીને મોક્ષ માર્ગ તરફ પ્રયાણ કરતા હોય છે. તેમની એકાંત સાધના તેમની જીવનશૈલીનો એક ભાગ બની જતી હોય છે. ઓછામાં ઓછા સંપર્કો અને ઓછામાં ઓછી જરૂરતો દ્વારા તેઓ પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે. ગણી રાજેન્દ્રવિજયજી મહારાજે આદિવાસી લોકોના ઉદ્ધાર માટે પોતાનું સાધુજીવન સમર્પિત કરી દીધું છે. તેઓએ જણાવ્યું કે પોતે આ સંસ્થાનું પાણી પણ વાપરતા નથી! પોસિબલ છે કે આવા મોટા મિશનકાર્ય માટે તેમને રાજકીય પ્રતિભાઓ સાથે અને સમાજના શ્રીમંતો સાથે સંપર્કો રાખવા પડતા હશે, પણ એનો હેતુ સંસ્થાના સંવર્ધન અને વિદ્યાર્થીઓના કલ્યાણકારી વિકાસ માટેનો જ હશે. સાધનશુદ્ધિના આગ્રહમાં ક્યાંક એમણે કોમ્પ્રોમાઇઝ પણ કરવું પડતું હશે છતાં આખરે તો એનો લાભ આદિવાસી સમાજને મળતો રહે છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી એવું જો આપણે સ્વીકારતા હોઈએ તો તેમની આ પ્રવૃત્તિ માટે તેમની આચારસંહિતામાં લેવી પડતી છૂટછાટને આપણે ક્ષમ્ય ગણવી જોઈએ.

એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલમાં શિક્ષણ ઉપરાંત જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એનું આપણે વિહંગાવલોકન કરીએ તો ખ્યાલ આવશે કે આ કોઈ સામાન્ય કામ નથી. આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને રમતગમત, ગીત-સંગીત, જિમ્નેસ્ટિક, કરાટે, ઘોડેસવારી, ચિત્ર, નૃત્ય, નાટક જેવી અનેકવિધ સાંસ્કૃતિક અને શરીરસૌષ્ઠવ વિષયક તેમ જ આરોગ્યની માવજત વિષયક તાલીમ આપવામાં આવે છે. આવી પ્રવૃત્તિઓ કોઈ મોટા નગર કે શહેરમાં ચાલતી હોય તો જરા પણ આશ્ચર્ય ન જ થાય, પરંતુ અહીં આદિવાસી વિસ્તારમાં જ્યાં વિકાસની કોઈ જ સંભાવના વગરના પછાત વાતાવરણમાં લોકો રહેતા હોય એવી જગ્યાએ આવી પ્રવૃત્તિઓ ચાલતી હોય તે કોઈ પવિત્ર યજ્ઞકાર્ય કરતાં જરા પણ ઊતરતી ન જ કહી શકાય. આ શાળામાં વિવિધ પ્રકારની કૃષિવિષયક તાલીમ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. અહીં સંસ્થાના પરિસરમાં જ આસોપાલવ, જામફળ, પીપળો, લીમડો, સીસમ, રાયણ, આંબો, આંબલી, નાળિયેરી જેવાં અનેક વૃક્ષો ઉપરાંત આરોગ્યલક્ષી વનસ્પતિ અને કિચનગાર્ડન પણ છે. પાણીની વ્યવસ્થા માટે શાળા પાસે એક હેન્ડપંપ અને પાણીના બે બોર પણ બનાવવામાં આવેલા છે.

અહીં વિદ્યાર્થીઓ માટે આવાસ યોજના એટલે કે રહેઠાણની વ્યવસ્થા પણ છે. વિદ્યાર્થીઓ માટે તેમ જ વિદ્યાર્થિનીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા પણ છે. સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને યુનિફોર્મ પણ આપવામાં આવે છે. સ્વચ્છતા અને સફાઈનું કામ વિદ્યાર્થીઓ જાતે કરે છે. સ્વાવલંબી બનીને સ્વમાનપૂર્વક જીવન જીવવાની સંપૂર્ણ તાલીમ વિદ્યાર્થી અવસ્થામાં જ આ સંસ્થા આદિવાસી બાળકોને આપે છે. અલબત્ત, મારે મન તો આ બધા કરતાંય વિશેષ અહીંનાં બાળકોને સંસ્કારમય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે તે છે. શિક્ષણની સાથોસાથ વ્યક્તિત્વના બહુમુખી વિકાસનું અને બાળકનું સંસ્કાર-ઘડતર કરતી આવી શિક્ષણસંસ્થાઓ ભારતભરમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હશે. આ શિક્ષણસંસ્થાના પરિસરમાં પગ મૂકતાં જ આપણને પ્રાચીન વિદ્યાપીઠ કે તપોવન જેવી સંસ્થાનો સાક્ષાત્કાર થતો હોય એવું ફીલ થાય છે. આપણે ત્યાં એવી અનેક શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓ પણ છે કે જ્યાં પ્રવૃત્તિઓ માત્ર પેપર પર જ હોય છે, વાસ્તવમાં કશું જ થતું નથી હોતું, પરંતુ અહીં એક પણ પ્રવૃત્તિ એવી નથી કે જે માત્ર પેપર ઉપર હોય અને જેનું ઉત્કૃષ્ટ પરિણામ વિદ્યાર્થીઓ દ્વારા ન મળતું હોય!

ઇન શોર્ટ, અહીં પોથીમાંનાં રીંગણાં જેવું કશું જ નથી, પરંતુ રેતીમાં કાગળની નાવ તરાવવાના વાસ્તવિક પ્રયોગો અને પ્રયત્નો સતત થતા રહે છે. આ શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે સરકાર તરફથી પુરસ્કૃત કરવામાં આવી છે, બિરદાવવામાં આવી છે અને દર વર્ષે અહીં અનેક રાજકીય મહાનુભાવો રૂબરૂ મુલાકાત લે છે. સુખી પરિવાર ફાઉન્ડેશનના ઉપક્રમે આ શાળા ઉપરાંત બોડેલી મુકામે બ્રાહ્મી સુંદરી કન્યા છાત્રાવાસનો પણ આરંભ થઈ રહ્યો છે. આ ઉપરાંત ગૃહઉદ્યોગ, ગૌશાળા, જિનાલય-નિર્માણ, સાહિત્ય-પ્રકાશન જેવી અનેક ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ પણ ચાલી રહી છે.
આજના આ લેખનો હેતુ, સુખી પરિવાર ફાઉન્ડેશન તથા ગણી રાજેન્દ્રવિજયજીને શાબાશી આપવા ઉપરાંત અન્ય વેપારીવૃત્તિની શિક્ષણસંસ્થાઓ શિક્ષણનિષ્ઠા કેળવીને પોતાનું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા પામે એ પણ છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here