વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે  આગામી લોકસભાની ચૂંટણી નહિ લડવાની કરેલી ઘોષણા બાદ અનેક વિપક્ષી નેતાઓ તેમની કામગીરી અને પ્રતિભાની પ્રશંસા કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસના નેતા પી. ચિદંબરમ અને શશી  થરૂર બાદ દિગ્વિજયસિંહનું નામ શામેલ થયું છે.

0
805

 

ભાજપના અગ્રણી નેતા તેમજ તેજોજ્જવલ રાજકીય કારકિર્દી ધરાવનારા વિદેશપ્રધાન સુષમા સ્વરાજના કર્તૃત્વની પ્રશસ્તિ વિપક્ષના નેતાઓ મુક્તકંઠે કરી રહયા છે. સુષમાજીની નિષ્કલંક રાજકીય કારકિર્દી અને સરળ -ઋજુ સ્વભાવને કારણે તેઓ માત્ર પોતાના પક્ષમાં જ નહિ, વિપક્ષનાં નેતાઓમાં પણ આદરપાત્ર બની ગયાં છે. તાજેતરમાં એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કોંગ્રેસના દિગ્ગજ તેવા દિગ્વિજયસિંહે પણ સુષમા સ્વરાજના વખાણ કર્યા હતા. તેમણે સુષમાજીને નરેન્દ્ર મોદી કરતાં શ્રેષ્ઠ ગણાવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, મારા માટે સુષમાજી એક અતિ આદરપાત્ર વ્યક્તિ છે. અગર નરેન્દ્ર મોદીના સ્થાને સુષમાજી જો વડાપ્રધાન બન્યાં હોત તો તેઓ તેમના કરતાં ઉત્તમ વડાપ્રધાન પૂરવાર થયાં હોત.

 સુષમા સ્વરાજે તાજેતરમાં પોતાના સ્વાસ્થ્યનું કારણ આપીને 2019ની લોકસભાની આગામી ચૂંટણી નહિ લડવાનું એલાન કર્યું ત્યારબાદ રાજકીય ક્ષેત્રમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. શશી થરુરે આ સમાચાર જાણીને ટવીટ કર્યું હતું કે, તમામ રાજકીય મતભેદો હોવા છતાં હું એ સમાચાર જાણીને દુખ અનુભવી રહ્યો છું કે, સુષમાજી રાજનીતિમાંથી નિવૃત્તિ લઈ રહી છે. વિદેશી બાબતો વિષેની સંસદીય સમિતિના અધ્યક્ષ હોવાને નાતે મને તેમનો સહયોગ હંમેશા મળ્યો છે. સુષમા સ્વરાજે પણ ટવીટ કરીને શશી થરૂરનો આભાર માન્યો હતો.