વિદેશમાં શ્રેણી જીતાડનારા સૌપ્રથમ ભારતીય કેપ્ટન અજીત વાડેકરનું અવસાન

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અજીત વાડેકરનું બુધવાર મુંબઈની જસલોક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 77 વર્ષના હતા. વિદેશમાં સીરીઝ જીતનારા વાડેકર ભારતના પહેલા કેપ્ટન હતા. એપ્રિલ 1941માં જન્મેલા વાડેકર 1966માં ભારત માટે પહેલી ટેસ્ટ રમ્યા હતા. આઠ વર્ષની કારકિર્દીમાં તેઓ 37 ટેસ્ટ રમ્યા હતા. તેમણે ટેસ્ટમાં એક સદી અને 14 અડધી સદીની મદદથી કુલ 2113 રન બનાવ્યા હતા. ભારત સરકારે તેમને 1967માં અર્જુન એવોર્ડ અને 1972માં પદ્મથી સન્માનિત કર્યા.
સન 1971માં ભારતીય ટીમ અજીત વાડેકરની કેપ્ટન્સીમાં વેસ્ટ ઇન્ડીઝ ગઈ હતી. પહેલી ટેસ્ટમાં ભારતે દિલીપ સરદેસાઈની ડબલ સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝને ફોલોઓન કર્યું હતું. આ ટેસ્ટ ડ્રો થઇ હતી. બીજી ટેસ્ટમાં દિલીપ સરદેસાઈની સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝને સાત વિકેટથી હરાવી દીધું હતું. આગામી ત્રણ ટેસ્ટ ડ્રો કરાવીને ભારતે સીરીઝ 1-0થી જીતી લીધી હતી. આ વિદેશમાં ભારતની પહેલી જીત હતી.