વિદેશમાં વસવાટ કરવા છતાં વતનની સેવા કરવી અનુકરણીય કાર્યઃ નીતિન પટેલ

વડોદરાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં મેડિકલ કોલેજીસ અને મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલની સુવિધા આપવી એ રાજ્ય સરકારનો સંકલ્પ છે. તેમણે વડોદરામાં વડોદરા જિલ્લાનાં મૂળ વતની ફ્ય્ત્ દંપતી ડો. કિરણ પટેલ- ડો. પલ્લવી પટેલ દ્વારા સ્થાપિત સવિતા મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, વિદેશમાં વસવાટ કરવા છતાં વતનની સેવા કરવી એ ઘણું મોટું અને અનુકરણીય કાર્ય છે. હજારો લોકોને નૈતિકતાસભર આરોગ્ય સેવાઓ આ હોસ્પિટલ પૂરી પાડશે અને જીવનરક્ષા કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મધ્ય ગુજરાતમાં મલ્ટિ-સ્પેશિયલિટી હોસ્પિટલની વ્યવસ્થામાં આ હોસ્પિટલથી વધારો થયો છે.
નાયબ મુખ્યમંત્રીએ વાજબી દરે અને જરૂર હોય તેટલી જ સારવાર આપવાનાં સ્થાપક દંપતીના શુભ સંકલ્પને બિરદાવ્યો હતો. તેમણે આ સેવાલક્ષી સાહસને ગુજરાત સરકાર વતી શુભકામના પાઠવી હતી.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સ્થાપક દંપતીની વતનપરસ્તીની ભાવનાને બિરદાવી હતી. વિધાનસભા અધ્યક્ષે માતાપિતાનું ઋણ ચૂકવવા માટે અને લોકો માટે કમાણીનો ઉપયોગ કરવા માટે ડો. કિરણ પટેલને અભિનંદન આપ્યાં હતાં અને એમના દ્વારા સ્થપાનારી મેડિકલ કોલેજને સરકાર પૂર્ણ સહયોગ આપે એવી ભલામણ કરી હતી.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ હોસ્પિટલમાં સમયાંતરે અમેરિકાના નિષ્ણાત તબીબો આવશે અને સારવાર આપશે તથા આફ્રિકાથી ગરીબ દર્દીઓને અત્રે લાવીને સારવાર આપવામાં આવશે એ આનંદની વાત છે. ધર્માચાર્ય દ્વારકેશલાલજી મહારાજ તેમ જ અનુપમ મિશન મોગરીના પ્રણેતા જશભાઈ સાહેબે જરૂરિયાતમંદોની આરોગ્ય સેવાની ઉમદા ભાવનાને બિરદાવવાની સાથે આશીર્વચન પાઠવ્યાં હતાં.
સોલેસ હેલ્થકેર પ્રા. લી.ના મેનેજિંગ ડાયરેક્ટર જિતુભાઈ પટેલે આરોગ્યના અને રમતગમતના ક્ષેત્રમાં નવા પ્રયોગોને પ્રોત્સાહન આપવાના નીતિન પટેલ તેમ જ રાજેન્દ્ર ત્રિવેદીના અભિગમને બિરદાવવાની સાથે સૌને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું કે, જનસમાજ માટે અદ્યતન દવાખાનું હોવું જોઈએ એવી અમારા માતુશ્રીની ભાવના આજે સાકાર થઈ છે.
ડો. કિરણ પટેલે મોટા ફોફળિયામાં મેડિકલ કોલેજ સ્થાપવાની રૂપરેખા આપી હતી. શહેરની વિવિધ સંસ્થાઓએ ડો. કિરણ પટેલનું અભિવાદન કર્યું હતું. કિરણ પટેલ પરિવારે કન્યા કેળવણી નિધિ માટે સખાવત નાયબ મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here