વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરનાર ૯૦ ટકા ભારતમાં ‘ ક્વોલિફાયર ’ પાસ નથી કરી શકતાઃ કેન્દ્રીય મંત્રી 

 

બેંગલુરૂઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વાપસીના અભિયાન અને યુદ્ધગ્રસ્ત શહેર ખારકીવમાં ભારતીય એક વિદ્યાર્થીના મૃત્યુ વચ્ચે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું એક ખૂબ જ વિવાદિત નિવેદન સામે આવ્યું છે . જોશીએ દાવો કર્યો છે કે , વિદેશમાં મેડીકલનો અભ્યાસ કરવા જનારા ૯૦ ટકા ભારતીય વિદ્યાર્થીઓ ક્વોલિફાયર પણ પાસ નથી કરી શકતા . 

જોશીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે હજારો ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે અને સરકાર તેમને પાછા લાવવા માટે પ્રયત્નો કરી રહી છે . રશિયન સેના યુક્રેનની રાજ ધાની કીવ અને ખારકીવ પર ભારે હુમલાઓ કરી રહી છે . જોશીએ કહ્યું કે , આ યોગ્ય સમય નથી. જ્યારે એ કારણો પર વાત કરવામાં આવે કે , દેશના લોકો શા માટે વિદેશ જઈને અભ્યાસ કરે છે . જે લોકો વિદેશમાં અભ્યાસ કરીને મેડિકલની ડિગ્રી મેળવે છે તેમણે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ એક્ઝામિનેશન પાસ કરવી પડે છે અને ત્યારે જ તેઓ ભારતમાં ઈલાજ – સારવાર કરવા માટે યોગ્ય જાહેર થાય છે . 

ગત સપ્તાહે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી સતત ભારતીય વિદ્યાર્થીઓના વીડિયો સામે આવી રહ્યા છે જેમાં તેઓ સરકાર સમક્ષ પોતાનો જીવ બચાવવા અને સુરક્ષિત સ્વદેશ વાપસી માટે મદદ માગી રહ્યા છે . વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે તેમને પોલેન્ડ , રોમાનિયા માટે ટ્રેનમાં સવાર નથી થવા દેવામાં આવતા . આ દેશોમાં સરહદે પણ લાખોની સંખ્યામાં લોકો એકઠા થયા છે અને ભારતીય વિદ્યાર્થીઓએ ત્યાં ખુલ્લામાં બરફવર્ષા નીચે રાતો વિતાવવી પડી રહી છે