
વિદેશમંત્રી સુષમા સ્વરાજે પાકિસ્તનના શાસકોને સાફ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે, અમે તમારી સાથે સંવાદ કરવા સદા તૈયાર છીએ, પણ તમે જયાં સુધી આતંકવાદને પ્રોત્સાહન અને સમર્થન આપવાનું બંધ નહિ કરો ત્યાં સુધી તમારી સાથે વાત કે મંત્રણા કરવાનો કોઈ અર્થ નથી. આતંકવાદ અને વાતચીત એકસાથે ના થઈ શકે…દેશની સીમા પર સૈનિકોના જનાજા નીકળતા હોય તેવી પરિસ્થિતિમાં કોઈ વાતચીત સંભવ નથી. પઠાણકોટમાં આતંકી હુમલો તેમજ જમ્મુ – કાશમીરમાં આતંકવાદીઓની ઘુસણખોરીનો માહોલ હોય ત્યાં મંત્રણા શક્ય જ નથી. વિદેશમંત્રીએ એમના વિદેશ મંત્ર્યાલયની 4 વરસની કામગીરીના લેખાં- જોખાં દર્શાવતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વિશ્વભરમાં અમારી વિદેશનીતિનો ધ્વજ ચરમ શિખરે પહોંચ્યો.
અગાઉની સરકારના કોઈ પણ વિદેશ મંત્ર્યાલયે આટલું માતબર કામ નથી કર્યું જેટલું હાલની સરકારના શાસનકાળમાં 4 વરસ દરમિયાન કરવામાં આવ્યું છે. સમસ્ત દુનિયામાં ભારતનું નામ ઉજ્જવલ બન્યું છે. અમારી સરકારે વિશ્વમાં ભારતના પાસપોર્ટની ગરિમા વધારી છે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે વિદેશ રાજયમંત્રીઓ જનરલ ( નિવૃત્ત) વી કે સિંહ અને એમ જે અકબર સાથે મળીને પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. ત્રણે પ્રધાનોએ સાથે મળીને વિદેશમંત્ર્યાલયની 4 વરસની ઉપલબ્ધિ અંગે માહિતી આપતી પુસ્તિકા પ્રગટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વતૅમાન સરકારે વિશ્વના 192 દેશોમાંથી 186 દેશો સાથે સંપર્ક અને કાયમી સંબંધો સ્થાપિત કર્યા છે. દુનિયાભરના દેશમાંથી 90 હજાર ભારતીયોને બચાવીને સહીસલામત રીતે ભારત લાવવામાં આવ્યા હતા. કેટલાક દેશોમાં સજા પાત્ર બનેલા ભારતીયોના જીવન બચાવવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે, જયારે અમારી સરકાર સત્તામાં આવી ત્યારે અમને જાણ હતી કે, વિશ્વમાં અનેક એવા દેશો છે, જે દેશની મુલાકાત કોઈ ભારતીય નેતાએ હજી સુધી લીધી નથી. અમે એ બધા દેશ વિષે માહિ્તી એકઠી કરી અને તેમની સાથે સંપર્ક સ્થાપવાનું કાર્ય શરૂ કર્યું. એ બધા દેશ સાથે મંત્રીસ્તરની મંત્રણાઓ કરવાની શરૂઆત કરી.
પાકિસ્તાન સંબંધે વાત કરતા સુષમા સ્વરાજે કહ્યું હતું કે, ભારત પોતાના પાડોશી રાષ્ટ્રો સાથે મંત્રણા કરવા હંમેશા તૈયાર છે. પરંતુ હજી વાતચીત કરવાનો સમય આવ્યો નથી. પાકિસ્તાન હંમેશા વાતચીત કે સંવાદના નામે ડોળ અને ખોટો દેખાવ કરે છે. જોકે બન્ને દેશો વચ્ચે નક્કી કરેલા મેકેનિઝમ અનુસાર ચર્ચા ચાલે છે, પણ અમે એવું માનીએ છીએ કે, વ્યાપક સ્તરે ઔપચારિક વાતચીત કરવી હોય તો આતંકવાદ વિષેનો એજન્ડા એમાં સામેલ હોવો જોઈએ.