વિદેશપ્રધાન એસ. જયશંકર કહે છેઃ પીઓકે ( પાકિસ્તાનના કબ્જા  હેઠળનું કાશ્મીર ) ભારતને અવિભાજ્ય અંગ છે. આશા છેકે આપણે એક દિવસ એને પાછું મેળવી લઈશું…

0
760

     મોદી સરકારના 100 દિન પૂર્ણ થયાના પ્રસંગે સરકારી કાર્યોનું સરવૈયું આપવા વિદેશપ્રધાન એસ. જયશંકરે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક હદ વટાવ્યા બાદ હવે આપણે કોઈએ બહુ વિચાર કરવાની જરૂર નથી. હવે આપણે એવો વિચાર નથી કરવાનો કે લોકો શું વિચારશે. આમ પણ કાશ્મીર એ ભારતનો આંતરિક મામલો છે. એ વાતને આપણે  જગતભરમાં જણાવી દીધી છે. ભવિષ્યમાં પણ જરૂર પડશે તો આપણે ચોક્કસ એનું પુનરાવર્તન કરીશું. 

    તેમણે  જણાવ્યું હતું કે, આજના યુગમાં જી-20 અને બ્રિકસ જેવી મલ્ટીલેટરલ ફોરમોમાં થતી ચર્ચાઓમાં ભારતની વાત આજે સહુ કોઈ ધ્યાનથી સાંભળે છે. પહેલાં કરતા આજે વધુ સ્પષ્ટતાથી અને જોરદાર રીતે આપણો અવાજ વિશ્વના તખ્તા પર સંભળાય છે. આપણી વાતને, તેમજ આપણા દ્રષ્ટિકોણને ગંભીરતાથી જોવામાં આવેછે. 

 નીતિઓ વિષયક વાત કરતાં એસ. જયશંકરે જણાવ્યું હતું કે, ભારતની રાષ્ટ્રીય નીતિ અને વિદેશનીતિ વચ્ચે ગાઢ સંબંધ છે. આપણી વિદેશ નીતિની વિશિષ્ટતા તમને અમેરિકામાં જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાૈ યાત્રા દરમિયાન ભારતીય – અમેરિકન સમુદાય મોટાપાયે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કરી રહ્યો છે. હયુસ્ટનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એકમંચ પરથી ભારતીય – અમેરિકન સમુદાયને સંબોધશે. 

   તેમણે કહ્યું હતું કે, આપણે  છેલ્લા 100 દિવસો દરમિયાન આફ્રિકામાં બહુજ કાર્ય કર્યું છે. ભારત આફ્રિકામાં 18 રાજદૂતાવાસ ખોલવાની તૈયારીઓ કરી રહ્યો છે. ભારત પણ એક મજબૂત પાડોશી રાષ્ટ્રની કામના રાખે છે. પરંત જયાં સુધી આપણું પાડોશી રાષ્ટ્ર આતંકવાદને ખતમ ના કરે ત્યાં સુધી એની સાથે આપણે રાબેતા મુજબનો સંબંધ ના રાખી શકીએ. આપણા માટે આ એક પડકાર છે. જયાંસુધી પાકિસ્તાન આતંકવાદનો અંત લાવવા માટે ગંભીર અને સખત પગલાં નહિ ભરે ત્યાં સુધી કોઈ પરિવર્તન શક્ય નહિ બને