વિદેશથી આવતા મુસાફરોએ RTPCR ટેસ્ટ બતાવવો ફરજિયાત, સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી

 

નવી દિલ્હીઃ કોરોના મહામારીનો (Covid-19) પ્રકોપ હજુ સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી. ત્યારે ભારતની  કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. ભારત સરકારે વિદેશથી આવતા લોકો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર, વિદેશથી આવતા તમામ પ્રવાસીઓ માટે નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. માર્ગદર્શિકા અનુસાર, આ ટેસ્ટ રિપોર્ટ મુસાફરીના ૭૨ કલાક પહેલા થવો જોઈએ. તમામ મુસાફરોએ આ રિપોર્ટની સત્યતા અંગે સોગંદનામું પણ રજૂ કરવું પડશે. 

સરકાર દ્વારા એવા દેશોની યાદી બહાર પાડવામાં આવી છે જ્યાંથી ભારતમાં આવતા પ્રવાસીઓએ જરૂરી નિયમોનું પાલન કરવું પડશે. જેમાં ભારતમાં પ્રવેશ કર્યા બાદ કોરોના ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં યુરોપના દેશો, યુનાઇટેડ કિંગડમ (UK), સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, બાંગ્લાદેશ, બોત્સ્વાના, ચીન, મોરેશિયસ, ન્યુ ઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. આ દેશોને જોખમી દેશોની યાદીમાં મૂકવામાં આવ્યા છે.

કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનું નવું વર્ઝન બ્રિટનમાં ખૂબ જોરથી ફેલાઈ રહ્યો છે. ૧૧ ઓક્ટોબરથી ત્યાં દરરોજ ૪૦ હજારથી વધુ કોરોના સંક્રમિત બહાર આવી રહ્યા છે. આ તે સ્થિતિ છે જ્યારે બ્રિટનમાં અડધાથી વધુ વસ્તીએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે. અહીં બુસ્ટર ડોઝ પણ શરૂ કરવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં, તે ભારતને અસર ન કરે તે હેતુથી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે  પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે. મંત્રાલય તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિયમોનું ઉલ્લંઘન કરનાર મુસાફર સામે કડક કાર્યવાહી થઈ શકે છે