વિજય રૂપાણીની વધુ એક સિદ્ધિઃ ગુજરાતને સુશાસન માટે ૨૦૧૯માં મળ્યો પ્રથમ નંબર!

 

ગાંધીનગરઃ શ્રેષ્ઠ શાસન, સુશાસન, ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશ, માળખાગત સુવિધાઓ, સ્વચ્છતા, ડિજિટલાઇઝેશન, આરોગ્ય જેવાં અનેક ક્ષેત્રોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લીધેલાં ક્રાંતિકારી પગલાંને લીધે ગુજરાત હવે ભારતનું પ્રથમ ક્રમનું સુશાસિત રાજ્ય બન્યું છે. બુધવારે સ્કોચ રેન્કિંગમાં ગુજરાતને પ્રથમ ક્રમાંક અપાયો છે. સ્કોચ રેન્કિંગ અત્યંત પ્રતિષ્ઠિત રેન્કિંગ એજન્સી છે. ૨૦૦૩થી કાર્યરત આ સંસ્થાના રેન્કિંગ આધારભૂત ગણવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની ‘મા અમૃતમ’ યોજનાની પ્રશંસા દેશભરમાં થઈ રહી છે, વિવિધ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા બાબતે, સ્વચ્છતામાં અને શહેરોના વિકાસ બાબતે ગુજરાતે હરણફાળ ભરી છે. દેશ-દુનિયાનાં સૌથી ઝડપભેર વિકસતાં શહેરોમાં ગુજરાતનાં એક કરતાં વધુ શહેરોની ગણના થાય છે. 

હજુ થોડા દિવસ પહેલાં જ મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યના મહાનગરો અને નગરોના વિકાસ માટે મોટી રકમ ફાળવી છે. આવી બધી સકારાત્મક બાબતોને પગલે જ ગુજરાત દેશનું નંબર-વન રાજ્ય બન્યું છે. સ્કોચ અવોર્ડ ૨૨ મુદ્દાને ધ્યાનમાં રાખી અપાય છે. રાજ્યના લોકોની સુખાકારી, આર્થિક તથા સામાજિક સ્થિતિ, ટેક્નોલોજીનો ઉપયોગ, પ્રજાનું સશક્તીકરણ, આરોગ્ય, સ્વચ્છતા, ઔદ્યોગિક વિકાસ, માળખાગત સુવિધાઓ જેવી અનેક બાબતોમાં રાજ્યે સાધેલી પ્રગતિને એમાં ધ્યાને લેવાય છે. 

આ તમામ ક્ષેત્રોમાં રાજ્ય સરકારે કરેલી જોરદાર કામગીરીને વધુ એક વખત સમર્થન અને સ્વીકૃતિ મળ્યાં છે.