વિજય માલ્યા વિવાદ ‘નોટ’ માટે કે વોટ માટે?

0
851

વર્ષો પહેલાં વડા પ્રધાન રાજીવ ગાંધીના શાસનમાં બોફોર્સ તોપનો સોદો વિવાદાસ્પદ બન્યો હતો. સોનિયાજીના સંબંધી-બનેવી-ઇટાલિયન ક્વોટ્રોચી ‘દલાલ’ હતા અને કરોડો રૂપિયાનો વિવાદ ભડક્યો હતો. તપાસ દરમિયાન ક્વોટ્રોચી વિદેશ પલાયન થઈ ગયા અને ભારતના રાજકારણમાં આ વિવાદ અપૂર્ણ રહ્યો. ક્વોટ્રોચી તો હવે અવસાન પામ્યા છે, પણ બોફોર્સ તોપ પાકિસ્તાની સરહદ ઉપર – જરૂર પડે ત્યારે ગરજે છે. વખતોવખત રાજકારણમાં પણ બોફોર્સ તોપના પડઘા સંભળાયા કરે છે. નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી કોંગ્રેસના નેતાઓ સંરક્ષણમાં સોદા-કોન્ટ્રાક્ટ થાય ત્યારે વિવાદની તાકમાં હતા. ફ્રાન્સ પાસેથી રાફેલ ફાઇટર વિમાનોની ખરીદીમાં શંકાની ચર્ચા-વિવાદ શરૂ થયો છે ત્યાં હવે વિજય માલ્યાનો નવો મુદ્દો રાજકારણમાં ચગ્યો છે!
વિજય માલ્યાને કોણે ભગાડી દીધો? રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સંસદીય સમિતિની માગણીના જવાબમાં સત્તર પાનાંની નોંધ મોકલી છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે બેન્કોને ચૂનો લગાડીને લોનો લૂંટવાની શરૂઆત યુપીએના શાસનમાં થઈ હતી અને વડા પ્રધાનનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું – પણ આજ સુધી (એનડીએના શાસનમાં પણ) કયાં પગલાં લેવામાં આવ્યાં તેની જાણ નથી – ગવર્નર હતા ત્યારે રાજને ટકોર પણ કરી હતી કે બેન્કોના રૂ. 5000 કરોડ (વ્યાજ સાથે 9000 કરોડ) ખિસ્સામાં નાખીને ગોવાના સમુદ્રતટ ઉપર જન્મદિવસ ઊજવી રહ્યા હતા ત્યારે બેન્કોના મેનેજરો હાથમાં ચેકબુકો લઈને માલ્યાજી માગે તેટલી લોનો આપવા એમની પાછળ દોડતા હતા… આ કોની કૃપાદષ્ટિ હતી?
રઘુરામ રાજને માત્ર ટ્રેઇલર બતાવ્યું છે – જો અને જ્યારે વધુ માહિતી બહાર પાડે ત્યારે કેવા ધડાકા થશે? ડો. મનમોહન સિંહ રાજનના લેખિત નિવેદનને રદિયો આપશે? આ પ્રશ્ન બાજુએ રાખવા માટે હવે નવો મુદ્દો ઉઠાવાય છે. સંસદ ભવનમાં વિજય માલ્યા નાણામંત્રી અરુણ જેટલીને મળ્યા ત્યારે શું થયું? કોંગ્રેસ એમ બતાવવા માગે છે કે જેટલીની રજા લઈને માલ્યા ભાગી ગયો છે જ્યારે જેટલીએ જવાબ આપ્યો છે કે સેન્ટ્રલ હોલમાં પરાણે પડખે ચડીને-સાથે થઈ ગયા છતાં મેં એમને કહ્યું કે જઈને બેન્ક મેનેજરોને મળો – મને નહિ.
મૂળ પ્રશ્ન નાણાં – અબજો રૂપિયા – પાછાં મેળવવાનો છે, પણ તે બાજુએ રાખીને રાજકીય વિવાદ-નાણામંત્રી ઉપર આક્ષેપો કરીને ધ્યાન ત્યાં ખેંચાય છે! રાજકીય નેતાઓની આ ચાલબાજી છે.
દરમિયાન – વિજય માલ્યાની કિંગ ફિશર એરલાઇન્સ સાથે ગાંધી પરિવારના સંબંધ અને વડા પ્રધાનને લખાયેલા પત્રો મિડિયામાં આવ્યા છે. આપણા નેતાઓ સાદી વાત સમજતા નથી કે એક જુઠ્ઠાણું છુપાવવા માટે હજાર જુઠ્ઠાણાં બોલવાં પડે છે.
‘પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી-2019માં થનાર છે. લોકસભાની ચૂંટણી સાથોસાથ થવાની શક્યતા હવે ઓછી છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેની નજર લોકસભા ઉપર છે અને તેથી તૈયારી શરૂ થઈ છે. કોગ્રેસના નેતાઓ રાફેલ વિમાનો, વિજય માલ્યા તથા નીરવ મોદી અને મેહુલ ચોકસીના મુદ્દા પર મદાર રાખે છે ત્યારે નરેન્દ્ર મોદી સરકાર ભાગેડુ અપરાધીઓને ભારત લાવવાના પ્રયાસ કરી રહી છે અને બીજી બાજુ જનકલ્યાણનાં આર્થિક પગલાં ઝડપભેર લઈ રહી છે.
જાહેર ક્ષેત્રની બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોનો માટે જવાબદાર કોણ છે? કોંગ્રેસના નેતાઓ અત્યાર સુધી એવા આક્ષેપ કરતા રહ્યા છે કે મોદી સરકારે આ લોકોને ભગાડ્યા-અથવા ભાગવા દીધા છે. હવે રિઝર્વ બેન્કના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને સંસદીય સમિતિને સુપરત કરેલી નોંધમાં સ્પષ્ટ જણાવ્યું છે કે વર્ષ 2006થી 2008 દરમિયાન બેન્કો દ્વારા પૂરી તપાસ વિના લોનો અપાઈ હતી અને એમણે – (રાજને) વડા પ્રધાન તથા એમના કાર્યાલયને આ બાબત જણાવીને ધ્યાન ખેંચ્યું હતું, પણ જરૂરી પગલાં ભરાયાં નહિ. હવે સરકાર અને ભાજપના નેતાઓએ વળતો આક્ષેપ કર્યો છે કે યુપીએ સરકારના શાસનમાં બેન્કોની બેફામ લૂંટ થયાનું સ્પષ્ટ છે. હવે પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહે અને પી. ચિદમ્બરમે ખુલાસા કરવા જરૂરી છે. ભ્રષ્ટાચારનાં મૂળ સુધી પહોંચાશે?
આ દરમિયાન વિજય માલ્યાએ લંડનની અદાલત બહાર પત્રકારો સમક્ષ એવો ‘ધડાકો’ કર્યો કે ભારત છોડવા અગાઉ હું નાણામંત્રી અરુણ જેટલીને મળ્યો હતો અને બેન્કોનાં નાણાં ચૂકવવાની વાત કરી હતી. અહેવાલ આવતાં જ કોંગ્રેસના નેતાઓ ગેલમાં આવી ગયા કે સરકારે જ વિજય માલ્યાને મદદ કરી છે. જેટલી ઉપર ટીકાપ્રહાર શરૂ થયા ત્યારે એમણે સ્પષ્ટતા કરી કે ‘સંસદ ભવનમાં-રાજ્યસભામાંથી હું મારી સંસદીય ઓફિસમાં જઈ રહ્યો હતો ત્યારે માલ્યાએ મારી પાછળ આવીને નાણાં ચૂકવવાની વાત કરી અને મેં જવાબ આપ્યો કે તમારી બેન્કો પાસે જાવ. મેં એમના કાગળો પણ હાથમાં લીધા નહોતા…’ આ રદિયો અપાયા પછી લંડનમાં માલ્યાએ ફેરવી તોળ્યું કે વિધિસર મુલાકાત થઈ નહોતી!
કોંગ્રેસના નેતાઓ – રાહુલ ગાંધી સહિત સૌ જાણે છે કે સંસદ ભવનમાં મંત્રીઓની અવરજવરમાં ગમે ત્યારે એમને ભટકાઈ – મળી શકાય અને માલ્યા તો રાજ્યસભાના સભ્ય હતા.
વિજય માલ્યાની ભારત-વાપસી અંગે લંડનની કોર્ટ ડિસેમ્બરમાં ચુકાદો આપશે. આ દરમિયાન નીરવ મોદી અને ચોકસીને પણ ભારત-ભેગા કરવાના પ્રયાસ થઈ રહ્યા છે.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અને રૂપિયાના ઘટતા મૂલ્ય અંગે જરૂરી પગલાં ભરવાની શરૂઆત કરી છે. બીજી બાજુ રૂ. 1,67,681 કરોડની કલ્યાણ યોજનાઓ જાહેર કરી છે જેનો લાભ માત્ર ખેડૂતોને જ નહિ, ગરીબ-મધ્યમ વર્ગને પણ મળશે. ખેડૂતોને એમની કૃષિપેદાશોના યોગ્ય ભાવ મળે તે માટે સરકાર વતી ખાનગી વ્યાપારીઓ પણ ખરીદી કરી શકશે. આ યોજના પ્રાયોગિક ધોરણે અમલમાં મુકાઈ રહી છે. કઠોળ, તેલીબિયાં તથા સોયાબીન અને દૂધના મબલક ઉત્પાદનના પરિણામે ઉત્પાદકોને વળતર મળતું નથી તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. 24 ખેતપેદાશો માટે લઘુતમ ખરીદભાવ નક્કી થયા છે, પણ છેલ્લાં બે વર્ષથી-ઉત્પાદન વધતાં આ પેદાશોના ભાવ તૂટતાં કૃષિ ક્ષેત્રમાં કટોકટી જાગી છે. જુલાઈ મહિનામાં 14 પેદાશોના લઘુતમ ભાવ વધારવામાં આવ્યા, જેથી ઉત્પાદકોને દોઢગણું વળતર મળી શકે. મધ્ય પ્રદેશમાં ભાવાંતર યોજના હેઠળ ખેડૂતોને જો સરેરાશ કરતાં ઓછા ભાવ મળતા હોય તો લઘુતમ ભાવ અને બજારભાવ વચ્ચેનો તફાવત-ખોટ સરકાર પૂરે છે. આ યોજના હવે રાષ્ટ્રીય બને છે.
આ ઉપરાંત ત્રીજી યોજના હેઠળ ખાનગી વ્યાપારીઓ લઘુતમ ભાવે ખરીદીને, સરકાર વતી ગોદામોમાં રાખશે. સરકાર આ માટે લઘુતમ ભાવ ઉપર 15 ટકા સર્વિસ ચાર્જ ચૂકવશે. પ્રાયોગિક ધોરણે તેલીબિયાંની ખરીદી થશે. આ અંગેના નિયમો ટૂંકમાં જાહેર થશે.
સત્તાવાર માહિતી મુજબ નેશનલ એગ્રિકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ઓફ ઇન્ડિયા (નાફેડ) દ્વારા 63.4 લાખ ટન કઠોળ અને તેલીબિયાં ખરીદવામાં આવ્યાં છે. વર્ષ 2010થી 2014 દરમિયાન આવી ખરીદી પાછળ રૂ. 3500 કરોડ ખર્ચાયા હતા અને અત્યારે આ રકમ દસ ગણી-34,000 કરોડ થઈ છે.
મોદી સરકાર કૃષિ ક્ષેત્રની આબાદી ઉપર સમગ્ર ધ્યાન અને શક્તિ લગાડી રહી છે.

લેખક જન્મભૂમિ જૂથના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર છે.