વિજય માલ્યા, નીરવ મોદી, મેહુલ ચોક્સીની ૯૩૭૧ કરોડની સંપત્તિ બેંકોને સોંપાઈ

 

નવી દિલ્હીઃ ભારતમાં બેન્ક કૌભાંડોના મામલાઓમાં દેશની સરકારના પગલાંની અસર આખરે દેખાવા લાગી છે, આવા આર્થિક અપરાધોના ત્રણ ભાગેડુ આરોપી વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની ૧૮ હજાર કરોડથી વધુ એટલે કે, ૧૮,૧૭૦.૦૨ કરોડ રૂપિયાની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) દ્વારા જપ્ત કરી લેવાઈ છે. આ સંપત્તિમાંથી ઈડી દ્વારા ૯૩૭૧.૧૭ કરોડ રૂપિયાની સંપત્તિ સરકાર અને સરકારી બેન્કોને સોંપી દેવાઈ છે. જેમાંથી કૌભાંડોના કારણે બેન્કોને થયેલા જંગી નુકસાનની ભરપાઈ કરી શકાશે.

ઈડી દ્વારા ત્રણેય ભાગેડુ આર્થિક અપરાધીઓ પાસેથી જપ્ત કરાયેલી આ સંપત્તિ બેન્કોને થયેલા કુલ નુકસાનના ૮૦.૪૫ ટકા થાય છે. એ જોતાં આ કાર્યવાહીને ભારત સરકારની મોટી સફળતા રૂપે જોવાઈ રહી છે. ઈડી દ્વારા જપ્ત કરાયેલી ૧૮,૧૭૦.૦૨ કરોડની સંપત્તિઓમાંથી વિદેશમાં ૯૬૯ કરોડની સંપત્તિઓ સામેલ છે. વિજય માલ્યા, નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી દ્વારા આચરાયેલા કૌભાંડથી બેન્કોને કુલ ૨૨,૫૮૫.૮૩ કરોડ રૂપિયાનું જંગી નુકસાન થયું હતું. 

ઈડીએ જણાવ્યું હતું કે, વિજય માલ્યા અને પંજાબ નેશનલ બેન્ક કૌભાંડમાં આરોપી નીરવ મોદી, મેહુલ ચોક્સીના કૌભાંડમાં બેન્કોની ૪૦ ટકા રકમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) એટલે કે ગેરકાનૂની નાણાં હેરફેર રોકવાના કાયદા હેઠળ શેરોના વેચાણ મારફતે વસૂલાઈ છે. વિજય માલ્યાને ઉધાર દેનારા ગઠજોડ તરફથી ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલે બુધવારે યુનાઈટેડ બેવરેજિસ લિમિટેડ (યુબીએલ)ના ૫૮૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના શેર વેચાયા હતા. ઈડીએ કહ્યું હતું કે, મુંબઈમાં વિશેષ પીએમએલએ અદાલતના નિર્દેશ પર જપ્ત કરાયેલા શેર ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઈ)ના વડપણવાળા બેન્ક જોડાણને સોંપાયા હતા. આમ, બેન્કોના નુકસાનના કુલ ૮૦.૪૫ ટકામાંથી અત્યાર સુધીમાં ૯૦૪૧.૫ કરોડ એટલે કે, નુકસાનની ૪૦ ટકા સંપત્તિ સરકારી બેન્કોને સોંપી દેવાઈ છે. 

તપાસ એજન્સીએ જણાવ્યું હતું કે, બાકીના ૮૦૦ કરોડ રૂપિયાની વસૂલાત શેરોના વેચાણ મારફતે ૨૫મી જૂન સુધી થઈ જવાની આશા છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી એ ત્રણેય ભાગેડુ કારોબારીઓના પ્રત્યાર્પણ માટે યુકે, એન્ટિગુઆ અને બારમુડાને ભારત આવેદન કરી ચૂક્યું છે.