વિખ્યાત હાસ્યલેેખક વિનોદ ભટ્ટનું નિધનઃ બેન્ડવાજાં સાથે અંતિમયાત્રા-દેહદાન

અમદાવાદઃ ગુજરાતના વિખ્યાત હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં બુધવારે અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. તેમની તબિયત છેલ્લા ત્રણચાર માસથી નાદુરસ્ત હતી. કિડનીની બીમારી સાથે સતત હસતાં હસતાં ઝઝૂમી રહેલા વિનોદ ભટ્ટને થોડા સમય અગાઉ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની ઘરે જ સારવાર કરાતી હતી. તેમની અંતિમ ઇચ્છા મુજબ તેમના દેહનું બેન્ડવાજાં સાથે દેહદાન કરવામાં આવ્યું હતું. તેમની અંતિમયાત્રામાં અનેક સાહિત્યકારો-લેખકો રઘુવીર ચૌધરી, રજનીકુમાર પંડ્યા, ભાગ્યેશ જહા, તુષાર શુક્લ, રાજેન્દ્ર પટેલ, વિષ્ણુ પંડ્યા વગેરે તેમ જ ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ ભટ્ટે લોકોને આજીવન હસાવીને આનંદ આપ્યો હતો. તેમણે પોતાના અવસાન પછી પણ એ ઉપક્રમ જાળવી રાખ્યો હતો. દેહદાન માટેની વિદાય વખતે બેન્ડવાજાંની સુરાવલીઓ રેલાવવામાં આવી હતી.
વિનોદ ભટ્ટનો જન્મ 14મી જાન્યુઆરી, 1938ના રોજ નાંદોલ, ગુજરાતમાં થયો હતો. તેમણે 1955માં એસએસસી કર્યું હતું. તેમણે 1961માં અમદાવાદની એચ. એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર પછી તેઓ એલએલબીની ડિગ્રી મેળવી વ્યવસાયે કરવેરા સલાહકાર-ટેક્સ કન્સલ્ટન્ટ બન્યા હતા. લાંબા સમયથી તેમણે લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1996થી 1987 દરમિયાન તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા.
અમદાવાદમાં રહીને તેમણે ગુજરાતનાં અગ્રણી દૈનિકો-સામયિકોમાં કટારલેખન કરી લોકોને વર્ષો સુધી હસાવ્યા હતા. તેમની આત્મકથા ‘એવા રે અમે એવા…’ ગુજરાતી આત્મકથા સાહિત્યમાં ટોચનું સ્થાન ધરાવે છે.
‘ઈદમ્ તૃતીયમ્’, ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘વિનોદની નજરે’, ‘હાસ્ય’, ‘આંખ આડા કાન’, ‘ઈદમ્ ચતુર્થમ્’ જેવાં તેમનાં પુસ્તકોને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવ્યાં હતાં.
વિનોદ ભટ્ટે ‘ગુજરાતની હાસ્યધારા’, ‘હાસ્યાયન’, ‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’, ‘હાસ્યમાધુરી’, ‘હાસ્ય નવનીત’, ‘જ્યોતીન્દ્ર દવેની પ્રતિનિધિ હાસ્યરચનાઓ’, ‘હાસ્યેન્દ્ર’ જેવાં પુસ્તકોનું સંપાદન કર્યું હતું. તેમણે ‘સ્વપ્નદ્રષ્ટા મુનશી’, ‘ગ્રેટ શોમેન જ્યોર્જ બનાર્ડ શો’, ‘એન્ટવ ચેખવ’ જેવા પરિચય કોશ પણ આપ્યા હતા.
વિનોદ ભટ્ટને 1976માં કુમાર ચંદ્રક, 1989માં રણજિતરામ સુવર્ણચંદ્રક, 2016માં રમણભાઈ નીલકંઠ પુરસ્કાર , જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક એનાયત થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાની જેમ વિનોદ ભટ્ટ ગુજરાતી હાસ્ય સાહિત્યમાં ટોચનું નામ હતા.

વિનોદ ભટ્ટને શાબ્દિક શ્રદ્ધાંજલિ

-વિનોદ ભટ્ટ શબ્દોના મહારથી હતા. તેમની પાસે હાસ્ય અને વક્રોકિતની સહજ અભિવ્યક્તિ હતી. તેમના લખાણ ઘણા ચહેરા પર સ્મિત રેલાવતા રહેશે. તેમની વિદાય દુખદ છે. દુખની આ ઘડીમાં મારી સદભાવના તેમના સૌ ચાહકો સાથે છે. -નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
-વિનોદ ભટ્ટના અવસાનથી સાહિત્યને મોટી ખોટ પડી છે. વિનોદભાઇએ રોજબરોજના જીવનને અદકેરી સુક્ષ્મતાથી જોયું હતું. તેમની આ સૂક્ષ્મ દ્રષ્ટિ અને જીવનના મર્મને સમજવાની અનોખી સૂઝતેમના સાહિત્યિક સર્જનોમાં સતત અભિવ્કત થતી રહી છે. -મોરારીબાપુ
-વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં જે સર્જન કર્યું છે તેને લઇને તેઓ સાહિત્યરસિકોની યાદમાં કાયમ રહેશે. સિતાંશુ યશશ્ચંદ્ર, પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ
-વિનોદ ભટ્ટ મારા ખૂબ જૂના મિત્ર હતા. અમે રીલીફ રોડ પર યુવાનીકાળમાં ખૂબ રખડયા હતા અને માણેકચોકમાં ખાધું છે. વિનોદની સેન્સ ઓફ હ્યુમર મૂઠી ઉંચેરી હતી. -અનિલજોશી, કવિ
-ગુજરાતી હાસ્યસાહિત્યના ત્રણ શિખર એટલે જયોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી અને વિનોદ ભટ્ટ. વિનોદભાઈના અવસાનથી હાસ્યસાહિત્યનો એક યુગ સમાપ્ત થયો ગણાશે. -રતિલાલ બોરીસાગર, હાસ્યલેખક
-વિનોદભાઈ જેના વિશે લખે તેમને અન્યાય ન કરતા અને નવી પેઢીને ચાહતા. રાજકારણીઓની ટીકા કરે તો પણ તેઓ રાજી થાય. ગુજરાતી સાહિત્ય પરીષદના પ્રમુખ અને ટ્રસ્ટી તરીકે પાયાની જરૂરિયાતો પૂરી કરવામાં તેમનો મહત્વનો ફાળો હતો. -રઘુવીર ચૌધરી, સાહિત્યકાર


હાસ્યલેખક વિનોદ ભટ્ટને શ્રદ્ધાંજલિ અર્પતા પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન ડો. સુધીર પરીખ
અમદાવાદઃ ગુજરાતના વિખ્યાત અને લોકપ્રિય હાસ્યલેખક વિનોદ ભટ્ટનું અમદાવાદમાં અવસાન થયું હતું. પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખે વિનોદ ભટ્ટને શાબ્દિક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે વિનોદ ભટ્ટના અવસાનથી ગુજરાતી સાહિત્યને ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. ગુજરાતી હાસ્ય સાહિત્યમાં તેમણે કરેલા સર્જનને કારણે સાહિત્યરસિકો કાયમ તેમને યાદ રાખશે. તેમના અવસાનથી જાણે હાસ્ય સાહિત્યનો એક યુગ સમાપ્ત થઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here