વિકલાંગોને મદદરૂપ થતી એપ યુનાઇટેડ નેશન્સમાં દર્શાવતા આઇટી પ્રોફેશનલ પ્રણવ દેસાઈ

વર્જિનિયાઃ ભારતીય અમેરિકન આઇટી પ્રોફેશનલ પ્રણવ દેસાઈએ આ મહિને યુનાઇટેડ નેશન્સમાં વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે પોતાની નવી ફોન એપ દર્શાવી હતી. આ ફોન એપ જનજાગૃતિ સર્જવામાં મદદરૂપ થશે અને સરકારી સત્તાવાળાઓ, ઇજનેરો, ઉદ્યોગજગતના સમુદાયને પ્રેરિત કરશે અને વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે સમાનતા અને જીવનની ગુણવત્તા સુધારણાની ખાતરી આપશે. ભારતીય અમેરિકી આઇટી પ્રોફેશનલ પ્રણવ દેસાઈએ તાજેતરમાં 14મી જૂને યુનાઇટેડ નેશન્સમાં હાજરી આપી હતી અને પોતે બનાવેલી મોબાઇલ એપ દર્શાવી હતી. આ મોબાઇલ એપમાં દિવ્યાંગોને અન્ય નાગરિકો જેટલા જ સમાન હકો આપવા માટે સરકારી સત્તાધીશો, ઇજનેરો, ઉદ્યોગજગતના અગ્રણીઓને અનુરોધ કરવામાં આવ્યો છે.
વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ (વીઓએસએપી)ના સ્થાપક અને પોલિયો ધરાવતા નાગરિકોને મદદરૂપ થતા પ્રણવ દેસાઈએ યુએનની રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ વિષય પર યોજાયેલી 11મી કોન્ફરન્સમાં સંબોધન કરી તેમણે બનાવેલી એપ રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રણવ દેસાઈ પોતે પોલિયોમાંથી ઊગરેલા છે અને તેમણે વોઇસ ઓફ સ્પેશિયલી એબલ્ડ પીપલ (વીઓએસએપી) સ્થાપી છે, જેના ચાર હજાર જેટલા સ્વયંસેવકો છે, જેઓ વિકલાંગોને સમાન હકો અપાવવા માટે કાર્યરત છે. પ્રણવ દેસાઈએ આ એપ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2015માં લોન્ચ કરાયેલા એકેસેસીબલ ઇન્ડિયા કેમ્પેનના પ્રતિભાવમાં સર્જી છે.
પ્રણવ દેસાઈ ભારતના સામાજિક ન્યાય અને સશક્તીકરણ મંત્રાલયમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝના સલાહકાર છે, જેમની નિમણૂક એક્સેસિબલ ઇન્ડિયા કેમ્પેનના સલાહકાર તરીકે થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રણવ દેસાઈ.