વાસ્તવિકતાની આસપાસ ફરતી ફિલ્મ ‘બિયોન્ડ ધ કલાઉડ્સ’


નિર્માતા શરીન મંત્રી કેડિયા અને કિશોર અરોરાની ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ વાસ્તવિકતાની આસપાસ ફરતી ફિલ્મ છે. ડિરેક્ટર માજિદ માજિદીની ફિલ્મમાં નવોદિત ઈશાન ખટ્ટર, માલવિકા મોહન, તનિષ્ઠા ચેટરજી ચમકે છે. એ. આર. રહેમાનનું સંગીત છે.
ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું ત્યારથી તેની સરખામણી ડેની બોયલની ફિલ્મ ‘સ્લમડોગ મિલ્યોનેર’ સાથે થતી હતી, પરંતુ ફિલ્મ નિહાળ્યા પછી આ સરખામણી યોગ્ય નથી. ‘સ્લમડોગ મિલ્યોનેર’માં મુંબઈ જ એક અદાકાર હતું, જ્યારે ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’માં મુંબઈ એક એસી લોકલ ટ્રેન સમાન છે, જે વાર્તાનાં વિવિધ સ્ટેશનો પરથી પસાર થાય છે.
ફિલ્મ નિહાળતી વખતે આપણને એક પણ વાર એમ લાગતું નથી કે આપણે એક વિદેશીની દષ્ટિથી નિર્મિત સિનેમા નિહાળી રહ્યા છીએ. ડિરેક્ટર માજિદ માજિદી આપણને ધીમે ધીમે પાત્રોની નજીક લઇ જાય છે અને એહસાસ કરાવે છે કે ઘોર અંધકારમાં આશાનું નાનું કિરણ મનમાં હોવું જોઈએ.
ફિલ્મની વાર્તા આમિર (ઈશાન ખટ્ટર) અને તેની બહેન તારા (માલવિકા મોહન)થી શરૂ થાય છે. માતાપિતાના અવસાન પછી આમિર બહેનના ઘરે રહેવા આવે છે, પરંતુ તારાનો દારૂડિયો પતિ રોજ તારા અને આમિરને મારે છે.
એક દિવસ આમિર બહેનનું ઘર છોડી ભાગી જાય છે અને ડ્રગ્સનો ધંધો કરે છે. ઘણાં વર્ષો પછી ભાઈબહેન મળે છે ત્યારે બન્નેના જીવનમાં ઘણું બધું બદલાઈ ગયેલું હોય છે ફક્ત નાણાં કમાવાનું જ આમિરનું ધ્યેય હોય છે. દરમિયાન ધોબીઘાટ પર અર્શી (ગૌતમ ઘોષ) હંમેશાં તારા પર ખરાબ નજર રાખતો હોય છે. એક વાર તારા સાથે જબરજસ્તી કરે છે ત્યારે તારા અર્શીને પથ્થર મારે છે. આ જીવલેણ હુમલાના કારણે તારાને જેલમાં મોકલવામાં આવે છે અને તારાને બચાવવાની જવાબદારી આમિર પર આવે છે.
આમિરની ભૂમિકામાં નવોદિત ઊભરતો યુવા કલાકાર ઈશાન ખટ્ટર પ્રથમ ફિલ્મમાં જ શાનદાર અભિનય દર્શાવે છે. તેની બહેનની ભૂમિકા સાઉથ ફિલ્મોની અભિનેત્રી માલવિકા મોહને કરી છે.
આ ફિલ્મ 1990ના દાયકામાં રિલીઝ થયેલી માજિદ માજિદીની ફિલ્મ ‘ચિલ્ડ્રન ઓફ હેવન’ જેવી લાગે છે.
ફિલ્મનું શૂટિંગ મુંબઈના સ્લમ વિસ્તારોમાં થયું છે જે વાસ્તવિકતાનો ચિતાર આપે છે. વાર્તા-સ્ક્રિપ્ટ-સંવાદોમાં દમ નથી. સંગીતમાં પણ રહેમાન નિરાશ કરે છે.