વાસરિકાનો વૈભવ જગતના ઐશ્વર્યથી કમ નથી!

0
940

લેખક ગુજરાત અંગ્રેજી શબ્દ ડાયરીનો સરસ તરજુમો ‘વાસરિકા’ કાકાસાહેબ કાલેલકરે કર્યો હતો, જે પોતે સ્વયં એક સિદ્ધહસ્ત લેખક હતા. ડાયરી એ અંગ્રેજોની દેન છે. એમના સંસર્ગથી આપણે પણ વાસરિકા લખતાં થયા એ વાત સાચી, પરંતુ ટાંચણ અને નોંધપોથીઓનું આપણા સમાજમાં પણ  એટલું જ મહત્ત્વ હતું. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે ડાયરી એ સાહિત્યકારોના શોખની બાબત છે અથવા અમલદારો કે રાજકીય માણસોની જરૂરિયાતની વસ્તુ હશે, પરંતુ ડાયરી એ ગૃહિણીનો શોખ પણ હોઈ શકે છે અને દૂધવાળા કે ચાવાળાની પણ ડાયરી હોઈ શકે છે. અલબત્ત, આપણે જે ડાયરી અથવા વાસરિકાની વાત કરીએ છીએ એ મુખ્યત્વે સાહિત્યિક કે અંગત અનુભૂતિનાં લખાણોની ડાયરીને લગતી છે. ગાંધીજીની રોજિંદી બાબતોને લગતી ‘મહાદેવભાઈની ડાયરી’ આપણા જાહેર જીવનની મોંઘી મૂડી અથવા દસ્તાવેજ છે. જેમાં ભારતના મહત્ત્વના સમયગાળાની દસ્તાવેજી વિગતો ઉપરાંત રાષ્ટ્રપિતાના જીવનની પળેપળનો જીવંત હિસાબ મળે છે. આપણે ત્યાં ‘જેલ ડાયરી’ કે ‘ડાયરી દર્પણ’ એવાં શીર્ષકો હેઠળ પણ ઘણાં આલેખનો થયાં છે. ડાયરીનું લખાણ સ્પષ્ટ અને હકીકતોની ખરાઈ સાથેનું હોય તો એ વધારે સ્વીકાર્ય બને છે. ડાયરી મુખ્યત્વે અંગત હેતુસર લખાતી હોય છે. એમાં વ્યક્તિને મોકળા મને વિહરવાની તક મળે છે. આમ છતાં ડાયરી એ સાહિત્યનો પણ એક પ્રકાર છે. એમાં પણ શૈલી અને વાચનક્ષમતા હોવાં અનિવાર્ય છે.

ડાયરી માટે સ્મરણમંજુષા શબ્દ પણ પ્રયોજાય છે. ‘કલાપીના પત્રો’ કે કાકાસાહેબના લલિત નિબંધોમાં વાસરિકાનાં ઘણાં લક્ષણો જોવા મળે છે. અંગ્રેજી શાસન દરમિયાન મોટા ભાગના અંગ્રેજ શાસકો અને અમલદારો ફરજના ભાગરૂપે કે ક્યારેક કેવળ શોખને ખાતર ડાયરી લખતા. જેમાં મુખ્યત્વે તેમના શાસન અને કારોબાર સંબંધે વર્ણનો કે હકીકતો ટાંકવામાં આવતાં, પરંતુ કાળક્રમે તે દસ્તાવેજી મૂલ્ય ધરાવતું સાહિત્ય પણ બની ગયેલું છે. આવી જ એક અદ્​ભુત ડાયરી એટલે ‘કેપ્ટન જેમ્સ મેકમર્ડોની ડાયરી’ જે તેના દ્વારા અને 1809-10માં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કરેલા પ્રવાસનું વર્ણન છે. આ પ્રવાસ કોઈ સાંસ્કૃતિક કે નિજાનંદ માટેનો પ્રવાસ નહોતો. એ એક શાસક દ્વારા તાલીમના ભાગરૂપે થયેલી સફર હતી. છતાં લખનારે તેમાંથી સાંસ્કૃતિક વૈભવ અને નિજાનંદનો લહાવો પણ લીધાનું જોઈ શકાય છે.

કેપ્ટન જેમ્સ મેકમર્ડો ઈ. સ. 1812માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કચ્છનો પોલિટિકલ એજન્ટ બનેલો અને તે અગાઉ સમગ્ર કચ્છ વિસ્તારના સામાજિક, આર્થિક અને રાજકીય અભ્યાસ માટે 1809 અને 1810માં જુદી-જુદી જગ્યાએ પડાવ નાખી કબીલા સાથે એણે મુકામો કરેલા, જે થકી એણે લોકજીવનનો પ્રત્યક્ષ અનુભવ લીધો હતો. એ કેટલોક સમય બાવા તરીકે પણ ફર્યો હતો. જે વખતે લોકો તેને ‘ભૂરિયો બાવો’ એવા નામે ઓળખતા હતા. તેના પ્રવાસો અને રખડપટ્ટીનું વર્ણન એણે પોતાની કલમથી રોજેરોજ તારીખવાર કરેલું છે. મેકમર્ડો કુશળ વહીવટકર્તા હતો તે ઉપરાંત લોકજીવનનો અભ્યાસી અને સ્થાનિક ઇતિહાસ અને રાજકારણનો માહિર પણ હતો. એ માત્ર 35 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. કચ્છમાં આડેસરની નજીક વરણુ ગામના તળાવની પાળે આજે પણ તેની યાદમાં તેની સમાધિ ઊભેલી જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં ખંભાળિયામાંથી તા. 25-10-1809માં પસાર થતાં એ લખે છે, ખંભાળિયામાં અંદાજે 4000 મકાનો છે. તેમાંથી 600 તો ગૂગળી બ્રાહ્મણોનાં છે, જે લોકો દ્વારકાના રણછોડજીના સેવકો છે…! આમાં તત્કાલીન માહિતી ઉપરાંત સમાજજીવનનું પ્રતિબિંબ પડે છે. એણે માત્ર શુષ્ક વિગતો જ રજૂ નથી કરી. એમાં સાહિત્યિક પ્રયોગો પણ કર્યા છે. ક્યાંક નુક્તેચીની કરી છે તો ક્યાંક ફિલસૂફી પણ રજૂ કરી છે. આ ડાયરી ભલે અંગ્રેજ શાસનનો વિસ્તાર કરનાર અમલદારની હેસિયતથી લખાઈ હોય, આમ છતાં એમાં ક્યાંય એવી સંકુચિતતા દેખાતી નથી. મેકમર્ડો ઉઘાડી આંખે અને તટસ્થતાના ભાવો સાથે પ્રવાસ કરે છે. એમાંથી જરૂરી વિગતો આલેખે છે. ઓખાપ્રદેશનું વર્ણન કરતાં તે કહે છે, ‘પ્રદેશ મેદાનવાળો. પણ નજીવી ખેતીવાળો છે. હકીકતમાં જ્યાં વસતિ જ ચાંચિયાઓ તથા લૂંટારાઓની હોય ત્યાં આશા પણ શું રાખી શકાય?’ મેકમર્ડો જિજ્ઞાસુ છે, જનજીવનનો અભ્યાસુ પણ છે, એની ડાયરી બસો વર્ષ પછી આજે પણ એટલી જ પ્રસ્તુત છે. 1809માં કાંકરેજનું વર્ણન કરતાં તે લખે છે, ‘કાંકરેજમાં બળદની એક જોડી રૂપિયા 120માં ખરીદી શકાય છે, પરંતુ જો તેમને વડોદરા કે સુરતમાં લઈ જવામાં આવે તો તેની કિંમત રૂપિયા ત્રણસોથી પાંચસો ઊપજે.’

વઢિયારનું વર્ણન

‘સારાય વઢિયારમાં મરઘાં તથા બકરાં ખૂબ મોટા પ્રમાણમાં છે અને સસ્તાં. આદરિયાણામાં અમને એક રૂપિયામાં પાંચ મરઘાં મળ્યાં અને મોટા બકરાના અમે ભાગ્યે જ અરધા રૂપિયાથી વધારે દામ આપ્યા હશે… આ વિસ્તારમાં ઘેટાં પાળવાની લોકો ઓછી દરકાર કરે છે. કાઠિયાવાડ કરતાં એવા બહુ ઓછા પ્રયાસો અમે જોયા…’

રાધનપુરનું વર્ણન રસપ્રદ છે, જે બે સદી પહેલાંના તેના વૈભવને બયાન કરે છે.

‘રાધનપુર એક મોટું શહેર છે. જેના કાંગરા તથા કોઠાઓમાં ઠેર-ઠેર બાકોરાં રાખવામાં આવેલાં છે. તેમાં અંદરનો કિલ્લો છે જેની ફરતે 20 ફીટ ઊંડી ખાઈ છે. જે કોઈક સ્થળે ડબલ છે. રાધનપુરથી ત્રણ માઈલ દૂર અમે બનાસ નદી પાર કરી. તેનો પટ આશરે અડધો માઈલ પહોળો છે, પરંતુ તેમાં 20 વારથી વધારે પટ ઉપર પાણી વહેતું નહોતું. નદીનો પ્રવાહ જરા જોરદાર હતો, ઊંડો આશરે અઢી ફીટ હતો, તળિયું રેતાળ છે અને પાણી બહુ જ ઉમદા પ્રકારનું છે.

કેટકેટલી બાબતો આમાં ઝિલાઈ છે! ત્યાર પછી તો મેકમર્ડો અંજારનો કલેક્ટર થાય છે. ઈ. સ. 1819ના ભયાનક ભૂકંપમાં તે રાહત અને બચાવકાર્યો કરે છે. તેનું પણ અલગ ડાયરીમાં આલેખન કરે છે. તેની પાસે લોકજીવનનો અભ્યાસ છે. તેને કચ્છના ઇતિહાસમાં રસ પડે છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરાવે છે. તે સુંદર પેઇન્ટિંગ્સ કરે છે, ખાનપાનનો શોખીન છે, પોતાની સરકારી કચેરીમાં ઉત્તમ પેઇન્ટિંગ્સ ચીતરાવે છે. તેનો બંગલો જોવાલાયક સ્થળ ગણાય છે. નાની ઉંમરે મૃત્યુ પામેલો મેકમર્ડો લોકમાનસમાં જીવે છે. લોકવાયકા પ્રમાણે તેના મૃત્યુ પછી પણ તે ઘણી વાર અંજારની તેની કલાત્મક ચેમ્બરમાં ચિરૂટ પીતો આરામથી બેઠેલો જોવા મળતો. ડાયરીના શબ્દદેહ થકી અમર થઈ ગયેલા મેકમર્ડોનું જીવન તેનાં એકેએક પાના ઉપર ધબકે છે!

 

સરકારના સનદી અધિકારી અને સાહિત્યસર્જક છે.