વાળની વસંત

0
1302

ઘણી વખત આપણો ફેશનગ્રસ્ત સમાજ ઇંગ્લેન્ડ, અમેરિકા કે તેના જેવા દેશોની ફેશનના સારાસારનો વિચાર કર્યા વિના, ગાડરિયા પ્રવાહની જેમ આંધળૂકિયું અનુકરણ કર્યા જ કરે છે તેની કંઈ ખબર પડતી નથી. અમુક ફેશનપરસ્ત લોકો હવે કઈ જાતની નવી ફેશન કરવી તેની, સિનેમા, નાટક કે પરદેશથી અહીં આપણા દેશમાં આવતાં પરદેશીઓને જોઈને કે પરદેશ જઈ આવીને નોખીઅનોખી શોધખોળ કરવાનું જ એક જીવનમાં મહત્ત્વનું કામ હોય તે રીતે લાગી જતા જોવામાં આવે છે. અમુક યુવાનોને ફેશનપરસ્ત લોકોને મારી કડવી વાત કદાચ નહિ ગમે, તેઓ મને ક્ષમા કરે, પણ આ ફેશન ભવિષ્યમાં કેટલું નુકસાન કરવાની છે તેની ગંભીરતાનો તેઓને ખ્યાલ ઓછો હોય તે સ્વાભાવિક છે. આપણને અંગત રીતે કોઈ વાંધો નથી, પણ કાળી વસ્તુ ઉપર સૂર્યનાં કિરણો સીધાં પડી, તેના વાળ અને માથાની સુંવાળી સપાટી પણ આકરા પ્રવાહો અનહદ પડે છે એટલે જ આપણે તડકામાં કાળી છત્રી નહિ, પણ સફેદ છત્રીનો ઉપયોગ કરીએ છીએ. તેલ વિનાના માથામાં તેલને લઈને જે કિરણો સામે રક્ષણ મળતું હોય તે ગુમાવવું પડે છે. એટલું જ નહિ, પણ કેશવાહિનીની બારીક અને સૂક્ષ્મ પોષણની લોહીની નસો તપીને લાંબા સમયે કરમાઈ જાય છે અને તેથી વાળ વહેલા ખરે છે, અકાળે ધોળા થવા માંડે છે, મગજના જ્ઞાનતંતુ નબળા પડે છે, ઉશ્કેરાયેલા રહે છે અને યાદશક્તિ ઓછી થવા માંડે છે. કોરા વાળની આ ફેશન વાળને નુકસાન તો જરૂર કરે જ છે. જેમ કૂંડાના છોડને જીવતો રાખવા નિયમિત પાણી પાવું પડે છે તેમ માથાના છોડવાનું પોષણ તેલ છે. તમે નિયમિત તેલ ન સિંચો તો વાળના અનેક રોગો ઊભા થાય તે હકીકત છે. વાળને આર્ટિફિશિયલ કલર કે ડાઈની કળા કરવાનો કસબ લાંબા સમયે છેલ્લી સાયન્સની શોધ પ્રમાણે જરાય હિતાવહ નથી. તેનાથી માથાની ચામડી અને મગજના જ્ઞાનતંતુને તથા આંખને કોઈ વખત નુકસાન કરે છે કે કોઈ કોઈ વખત કેન્સર જેવા રોગ કે ચામડીના રોગો થવા માંડે છે. વળી, બેચાર દિવસમાં જ વાળનાં મૂળ સફેદ દેખાઈને ડાઈનો કસબ ખુલ્લો થઈ જાય તેના કરતાં તો આયુર્વેદ પદ્ધતિના ઉપચારોવાળાં તેલો બનાવી નાખવા કે તેની વ્યવસ્થિત સારવાર કરાવવી.
વાળ જાળવવા માટેનાં થોડાં સૂચનોઃ (1) પહેલાં વાળ ગૂંચવાય નહિ તેની પહેલી કાળજી રાખો. રાત્રે સૂતી વખતે માથે સ્વચ્છ સફેદ કપડું બાંધવું. (ર) માથાનો અંબોડો હંમેશાં ઢીલો રાખવો (3) તડકાનો આકરો તાપ માથા ઉપર આવવા દેવો નહિ. (4) માથાની ગૂંચ પહોળા અને જાડા દાંતના કાંસકાથી વાળને પંપાળતાં કાઢવી. (પ) કાંસકી કે કાંસકાને સાફ કરીને વાળ ઓળવા જોઈએ. (6) માથું ધૂઓ ત્યારે વાળને પાણીમાં તારવી તારવીને ધોશો નહિ અને ટુવાલથી માથું ઘસીને લૂછશો નહિ, પણ બ્લોટિંગની જેમ ટુવાલનો ઉપયોગ કરશો. (7) બહેનોને પ્રદર, પાંડુ, અત્યાર્તવ, સંગ્રહણી, ટી.બી., જીર્ણ તાવ, ચામડીના રોગ, મરડો, કેન્સર, સુવારોગ, ગર્ભાશયના રોગો, કોઠે રતવા, કાયમી કબજિયાત, માથાનો દુઃખાવો, મીઠી પેશાબ, બ્લડપ્રેશર, મગજના રોગો, કાયમ શરદી, સંધિવા, હિસ્ટીરિયા, વાઈ અને જો શરીરમાં તત્ત્વો ઓછાં હોય તો વાળના રોગો થવા પૂરો સંભવ છે. વાળનું સૌંદર્ય વધારવા માટે પહેલાં તમને આવા કોઈ રોગ હોય તો સાથોસાથ સારવાર કરાવી લેવાનું ખૂબ જરૂરનું છે.
માથાનો ખોડો પણ વાળ ખરવા, પાંખા વાળ, ધોળા વાળ કે માથાની ચામડીના રોગ વગેરે થવા માટે કંઈ ઓછો જવાબદાર નથી! તેને કાઢવા અહીં ત્રણ પ્રયોગ કહું છુંઃ (1) લીલાં કેરડાં લાવી તેને લીલેલીલાં કડાઈમાં શેકી બાળી નાખવાં. બને તો ઉપર પેક ઢાંકણ રાખી બાળી શકાય તો વધારે સારું. પછી તેનો બિલકુલ બારીક પાઉડર બનાવી તેનો પાંચ તોલા પાઉડર લેવો અને તેને કરંજનું તેલ પાંચ તોલા, લીંબોળીનું તેલ અને સરસિયું તેલ પાંચ-પાંચ તોલા લઈ પાઉડર સહિત બધાંને તપેલીમાં સરખી રીતે ગરમ કરી ઉતારી ઠારી પહોળા મોઢાની શીશીમાં ભરી દર ચાર દિવસે રાત્રે આ તેલ પાંથીએ પાંથીએ ભરી ઉપર કપડું બાંધી સૂઈ જવું. સવારે અરીઠા કે ચણાના લોટથી માથું ધોઈ નાખવું.
ઉંદરીથી પણ ટાલ જેવું થઈ જાય છે. તે માટે લીમડો, ઇન્દ્રામણાં અને ચમાર દૂધેલીનાં પાન, મૂળ, ફળ, ડાળખાં વગેરે લઈ તેનો ઘાટો રસ કાઢવો. ઉંદરીના ભાગ ઉપર તેનો રોજ ઘાટો રસ લગાડવો અને કાં તેની થેપલી કરી અસરવાળા ભાગ ઉપર રોજ રાત્રે મૂકી કપડું બાંધી દેવું. ઉંદરી મટી નવા વાળના કાંટા ફૂટી ઉંદરીની ટાલ મટી જશે.
માથામાં નાખવાના તેલનો એક જ પ્રયોગ કહું છુું. જટામાસી, વાળો, શતાવરી, ચંદન, દેવદાર, ઘઉંલો, મોથ, બીલી, લજામણી, મેદીનાં સૂકાં પાન, ગુલાબનાં સૂકાં પાન, વિકારી કંદ ઉપલેટ, જાયફળ, એલચી, આમળાં, ચણકબાબ, કપૂર કાચલી, બ્રાહ્મી, વાવડિંગ, લીમડાનાં સૂકાં પાન, લીંબડીની ગળો, નારંગીનાં છોડાં, લીંબુનાં છોડાં બબ્બે તોલા, ભાંગરો, વીસ તોલા, દૂધી વીસ તોલા – બધાનો આખો ભાગ પાઉડર ડૂબાડૂબ પાણીમાં બે દિવસ પલાળી પછી તલનું તેલ પાંચ કિલોમાં પકવવું અને માથાના તેલ તરીકે ઉપયોગ કરવો.
બહેનોએ સારો સાતિ્ત્વક ખોરાક લેવો, દૂધ, માખણ, ઘી, ફળ, લીલોતરી શાક, ફણાગાવેલાં કઠોળ નિયમિત ખાવાની ટેવ રાખવી. કાળી દ્રાક્ષ, સૂકો મેવો, અંજીર, ગુલકંદ, આમળાંનું જીવન માથાના વાળ માટે વિશેષ ઉપયોગી છે. મસાલા-રાઈવાળા પદાર્થો, બજારુ ખાદ્ય પદાર્થો, રેંકડીઓના ખુલ્લા હલકા, પદાર્થો, અનહદ ખટાશ બંધ કરવી. વાળ અને સ્વભાવને બહુ જ નિસ્બત છે. લાગણીવશ-બળતણિયો કે ચિંતાળુ સ્વભાવ તમારા વાળનું પોષણ બાળી નાખીને તેમાંથી પણ વાળના રોગો થાય છે અને આનંદી સ્વભાવવાળાના બાગને હંમેશાં ખીલતો અને મઘમઘતો રાખે છે. જો વાળ બહુ જ ખરતા હોય તો શતાવરી, ગળો, ગોખરું, આમળાં બહુફળી, કમળકાકડીનાં મીંજ, ઓથમીજીરુ, એલચી બધું અઢી અઢી તોલા, સાકર, ત્રીસ તોલા, બારીક પાઉડર બનાવી એક એક ચમચી સવાર-સાંજ દૂધ સાથે છ માસ સુધી પીવી. ચંદ્રપ્રભા બબ્બે ગોળી સવાર સાંજ દૂધ સાથે. દરાદિ લોહ એક એક ગોળી સવાર-સાંજ દૂધ સાથે. આ દવા છ માસ એકધારી લેવી. માથું લીમડાં અને બાવળનાં પાનના ઉકાળેલા પાણીથી તારવીને અરીઠાના પાણીથી હળવે હાથે ધોવું, માથું ઝાટકવું નહિ, ઓળતાં ખેંચવું નહિ, જાડા દાંતાનો દાંતિયો વાપરવો, ખોરાકમાં દૂધ, માખણ, ખજૂર, ફળ, લીલોતરી શાક ખૂબ લેવાં માંડો અને રોજ લીંબુનું શરબત બે વખત પીવાનું રાખો. આ તેલ ઘેર બનાવી વાપરશો. કોરું માથું કદી રાખશો નહિ.