ન્યુ જર્સી એડિસનમાં ટીવી એશિયા સ્ટુડિયોમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ભારતનાં રાજ્યકક્ષાનાં એનઆરઆઇ, ફ્લડ કંટ્રોલ, એગ્રિકલ્ચર ઇમ્પોર્ટ, માર્કેટિંગ વિભાગનાં મંત્રી સ્વાતિ સિંહ સાથે પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર અને ચેરમેન ડો. સુધીર પરીખ (જમણેથી પાંચમા), ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી (જમણેથી ચોથા), ટીવી એશિયાના ચેરમેન એચ. આર. શાહ (ડાબેથી ત્રીજા), એફઆઇએના ચેરમેન રમેશ પટેલ (છેક ડાબે), એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ (ડાબેથી પાંચમા), ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી એસ. પી. ગોયલ (ડાબેથી ચોથા) સહિત અન્ય મહાનુભાવો.
એડિસનઃ ભારતની બહાર વિદેશમાં વસતા ભારતીય ડાયસ્પોરાને આહ્વાન કરતા ભારતીય એનઆરઆઇ વિભાગનાં મંત્રી સ્વાતિ સિંહે ભારતીય-અમેરિકનોને ઐતિહાસિક વારાણસીમાં આયોજિત પ્રવાસી ભારતીય દિવસમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું છે. આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) 21મીથી 23મી જાન્યુઆરી, 2019 દરમિયાન ઉત્તર પ્રદેશના ઐતિહાસિક શહેર વારાણસીમાં યોજાશે. આ વર્ષના પીબીડીની થીમ છે ધ રોલ ઓફ ધ ઇન્ડિયન ડાયસ્પોરા ઇન બિલ્ડિંગ એ ન્યુ ઇન્ડિયા. (નવા ભારતના નિર્માણમાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા)
પ્રવાસી ભારતીય દિવસને પ્રમોટ કરવા માટે અમેરિકામાં ભારતના રાજ્યકક્ષાના એનઆરઆઇ-ફલડ કંટ્રોલ-એગ્રિકલ્ચર ઇમ્પોર્ટ-એગ્રિકલ્ચર માર્કેટિંગ-એગ્રિકલ્ચર ફોરેન ટ્રેડ તેમ જ ઉત્તર પ્રદેશ રાજ્યનાં વીમેન વેલફેર-ફેમિલી વેલફેર-મેટરનિટી એન્ડ ચાઇલ્ડ વેલફેર મંત્રી સ્વાતિ સિંહ ઉપસ્થિત રહ્યાં હતાં. ન્યુ જર્સીના એડિસનમાં ટીવી એશિયા સ્ટુડિયોમાં 19મી જુલાઈએ આયોજિત સમારંભમાં ભારતીય-અમેરિકનોથી ખીચોખીચ ભરેલા હોલમાં સ્વાતિ સિંહે સંબોધન કર્યું હતું.
સ્વાતિ સિંહની સાથે આ કિક-ઓફ ઇવેન્ટ દરમિયાન ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી એસ. પી. ગોયલ, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના ઓવરસીઝ ઇન્ડિયન અફેર્સના જોઇન્ટ સેક્રેટરી ડો. મનોજ કુમાર મોહપાત્રા, વારાણસીના ડિવિઝનલ કમિશનર દીપક અગરવાલ, ઉત્તર પ્રદેશ સરકારના એનઆરઆઇ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી અરુણ કુમાર, ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ટીવી એશિયાના ચેરમેન પદ્મશ્રી એચ. આર. શાહ, એફઆઇએના ચેરમેન રમેશ પટેલ, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખનો સમાવેશ થતો હતો.
ભૂતકાળનાં વર્ષો દરમિયાન, પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે નવમી જાન્યુઆરીએ ઊજવવામાં આવતો હતો અને મહાત્મા ગાંધી 1915માં આ દિવસે સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા તે દિવસના માનમાં આ દિન ઊજવાય છે.
આથી 2003માં પ્રથમ પીબીડી નવી દિલ્હીમાં ઊજવાયો હતો ત્યારે ભારતના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. પીબીડી એનઆરઆઇ અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે ઊજવાય છે, જેથી ભારતીય ડાયસ્પોરા વતનમાં આવીને તેઓની સિદ્ધિઓ અને પ્રદાનની ઉજવણી કરી શકે છે.
પીબીડી ભારતીયો માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે ભારતીયોને વિદેશમાં વસતા ભારતીયો સાથે જોડે છે. આ સમારંભમાં એનઆરઆઇ અગ્રણીઓનું તેઓના પ્રદાન અને સિદ્ધિઓ બદલ પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.
ડો. સુધીર પરીખે જણાવ્યું હતું કે 15મા પ્રવાસી ભારતીય દિવસ વિશે માહિતી આપવાથી હું મારા માટે ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છુ.ં આ વર્ષે ભારત સરકારે ખૂબ જ અદ્ભુત કામગીરી કરી છે અને વારાણસીમાં આનું આયોજન કર્યું છે, જેના કારણે ઉપસ્થિતો સુંદર વારાણસીને નિહાળી શકશે, એટલું જ નહિ, તેઓ કુંભમેળો અને ભારતના પ્રજાસત્તાક દિનની પરેડ પણ નિહાળી શકશે. હું બીજી અને ત્રીજી પેઢીના ભારતીય અમેરિકનોને આ પીબીડીમાં ઉપસ્થિત રહેવાનું પ્રોત્સાહન આપું છું, જેથી તેઓને પોતાની માતૃભૂમિનું ઋણ અદા કરવાની તક ઉપલબ્ધ થશે. ખરેખર તો ભારતનો પ્રવાસ કરવાની તેઓને તક મળે છે અને સાંસ્કૃતિક, શૈક્ષણિક અનુભવ મેળવી શકે છે. ઉલ્લેખનીય છે કે ડો. પરીખ તમામ પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે અને તેમને સન 2006માં પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.
મહાનુભાવોને સંબોધતાં સ્વાતિ સિંહ
સમારંભમાં સંબોધન કરતા (ડાબેથી) ન્યુ યોર્કસ્થિત ભારતીય કોન્સલ જનરલ સંદીપ ચક્રવર્તી, પદ્મશ્રી ડો. સુધીર પરીખ, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ
પોતાના પ્રવચન દરમિયાન સ્વાતિ સિંહે જણાવ્યું હતું કે મને આશા છે કે પીબીડીમાં ન્યુ યોર્ક- ન્યુ જર્સી એરિયામાંથી મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકનો ઉપસ્થિત રહેશે. સ્વાતિ સિંહે જણાવ્યું હતું કે આપણે બધા આપણા દેશને માતૃભૂમિ કહીએ છીએ, કારણ કે દરેક માતા એમ ઇચ્છે છે કે પોતાનાં સંતાનો તેમના જીવનમાં પ્રગતિ કરે, અને આજે આપણી માતૃભૂમિ પોતાનાં સંતાનોને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપે છે. સંતાનો પોતાની માતાને ભૂલી જઈ શકે છે, પરંતુ માતા પોતાનાં સંતાનોને ક્યારેય ભૂલતી નથી. આથી ભારતમાતાએ મને અહીં તમને બધાને મળવા મોકલી છે અને તેની મુલાકાત લેવાનું આમંત્રણ આપું છે. જ્યારે તમે અમેરિકાથી બધા ભારત આવો છો ત્યારે કોઈ મહિલા અગ્રણી હોતી નથી અને તમે મને અહીં નિહાળો છો અને એક મહિલા તરીકે હું અહીં તમને ઘરે બોલાવવા આવી છું. ભારતમાં શું શું બદલાયું છે તે નિહાળવા માટે તમને બધાને આવવાનું આમંત્રણ છે.
આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસ સમારંભ જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં વારાણસીમાં યોજાશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનઆરઆઇને કુંભમેળામાં અને પ્રજાસત્તાક દિનની પરેડ નિહાળવાનું આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે.
(સૌજન્યઃ પરીખ વર્લ્ડવાઇડ મિડિયા)