

વારાણસી આજકાલ ભગવા રંગથી છલકાઈ રહ્યું છેે. ભાજપના સમર્થકો અને કાર્યકરો દેશભરમાંથી નરેન્દ્ર મોદીના રોડશો પ્રસંગે વારાણસીમાં એકઠા થયા છે. ગઈકાલે વારાણસીમાં અતિ ભવ્ય રોડ શોનું આયોજન કરીને ભાજપે સમગ્ર વારાણસી શહેરને મોદીના નામથી ગાજતું અને ગુંજતું કરી દીધું હતું. આજે 26મી એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. પીએમના નામાંકનમાં હાજર રહેવા માટે મુંબઈથી ખાસ શિવસેનાના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વારાણસી આવ્યા હતા. ભાજપના સાથી પક્ષોના આગેવાન નેતાઓ પણ આ પ્રસંગે હાજરી આપવા ખાસ પધાર્યા હતા. બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમાર, અકાળી દળના નેતા પ્રકાશ સિંઘ બાદલ, પન્નીર સેલ્વમ , રામવિલાસ પાસવાન તેમજ ભાજપના અગ્રણી અમિત શાહ, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણ, પીયૂષ ગોયલ, કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથ સિંહ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, અનુપ્રિયા પટેલ,ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ ડો. મહેન્દ્રનાથ પાંડે સહિત અનેક દિગ્ગજ નેતાઓ વડાપ્રધાનના નામાંકનના પ્રસંગે હાજર રહ્યા હતા. મોદીની ઉમેદવારી માટેના પ્રસ્તાવકોમાં બુઝુર્ગ મહિલા આદરણીય અન્નપૂર્ણા શુકલા પમ સામેલ હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને તેમજ પ્રકાશ સિંહ બાદલને નમન કરીને તેમના આશીર્વાદ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીે ઉમેદવારી નોંધાવતાં અગાઉ ભાજપના બુથ કાર્યકરો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું દેશના તમામ કાર્યકરો પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. હું પણ બુથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટરો લગાવવાનો મોકો મળ્યો હતો.
કાર્યકરોને સંબોધ્યાબાદ વડાપ્રધાને કાલભૈરવના મંદિરે જઈને પૂજા- અર્ચના કરી હતી. વડાપ્રધાન મોદીના કાફલા પર પુષ્પ- વર્ષા કરવામાં આવી હતી.