વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ઃ રાજ્યમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના MOU

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેેસ્ટમેન્ટ બનાવવાના આશયે શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે. આ વાયબ્રન્ટ સમિટ દેશ-વિદેશનાં રોકાણકારો, ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની રહી છે. વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે અત્યારથી જ MoU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે.
આ સંદર્ભમાં ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા માટે વિવિધ ઉદ્યોગ ગૃહો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ૧૩૬૦ કરોડ રૂપીયાના કુલ રોકાણો સાથે ૬ જેટલા MoU ગાંધીનગરમાં કરવામાં આવ્યા હતા.
એન્જીનિયરીંગ સેક્ટરમાં કુલ રૂ. ૭૭૫ કરોડના રોકાણો માટે ૩ ઉદ્યોગ ગૃહોએ MoU કર્યા હતા. આ ત્રણેય ઉદ્યોગ ગૃહો દ્વારા સાણંદ GIDC ફેઝ-૨માં ઉદ્યોગો શરૂ કરાશે અને અંદાજે ૭૦૦ જેટલાં સંભવિત રોજગાર અવસરો પૂરા પાડવામાં આવશે.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ MoU પર ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદરે રાજય સરકાર વતી અને ઉદ્યોગ ગૃહોના સંચાલકો વતી તેમના વરિષ્ઠ CEO, MD વગેરેએ હસ્તાક્ષર કર્યા હતા.
આ MoU અંતર્ગત ટેક્ષટાઈલ સેક્ટરમાં એક MoU રૂ. ૨૯૪ કરોડના રોકાણો માટે કરવામાં આવ્યો હતો. તેના દ્વારા ૧૮૦૦ લોકોને અપેક્ષિત રોજગારી મળશે. એટલું જ નહિ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં થયેલા MoU અનુસાર, બે ઉદ્યોગો રૂ. ૨૯૦ કરોડનું રોકાણ કરશે તથા ૫૦૦ જેટલી સંભવિત રોજગારીની તકોનું આ ઉદ્યોગમાં નિર્માણ થશે.
આ MoU કરનારા સૌ ઉદ્યોગકારોએ ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્વમાં પ્રો-એક્ટીવ અભિગમને પરિણામે ઉદ્યોગો શરૂ કરવા માટેની જરૂરી મંજૂરીઓ અતિ ઝડપે મળી છે તે માટે આભાર દર્શાવ્યો હતો. રાજ્યમાં લેબર પીસ અને સ્કીલ્ડ વર્કફોર્સની સરળ ઉપલબ્ધિને કારણે આ ઉદ્યોગકારો પોતાનાં યુનિટ્સના એક્સપાન્શન અને નવા એકમો શરૂ કરવા તેઓએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ જણાવ્યું હતું.
આ MoU સાઈનીંગ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, GIDCના એમડી રાહુલ ગુપ્તા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે તથા ઈન્ડેક્ષ બીનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here