
ગુજરાત સરકાર દ્વારા આયોજિત 9મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદઘાટન પ્રસંગે દેશના ટોચના ઉદ્યોગપતિઓે હાજરી આપી હતી. તેમણે ગુજરાતમાં વધુ મૂડીરોકાણ કરવાનો તેમનો ઈરાદો પ્રગટ કર્યો હતો. વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સંબોધન કરતાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, મને ગુજરાતી હોવાનું ગૌરવ છે. રિલાયન્સે અત્યારસુધીના સમયગાળામાં ગુજરાતમાં રૂા. 3 લાખ કરોડનું રોકાણ કર્યું છે. હવે જીયોના 5જી નેટવર્કથી ગુજરાતને જોડવામાં આવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું સૌપ્રથમ ડિજિટલ રાજ્ય બનશે.
મુકેશ અંબાણીએ જેમના વકતવ્યમાં કહ્યું હતું કે્, ગુજરાતની જમીન ઉદ્યોગો માટે ફાયદાકારક છે. ઉદ્યોગ માટે ગુજરાત રોલ મોડલ રાજ્ય ગણવામાં આવે છે.
અદાણી ઉદ્યોગ જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, અમે આ વખતે ગુજરાતમાં અમારું મૂડી રોકાણ વધારવાના છીએ. અદાણી ગ્રુપ ગુજરાતમાં કુલ 55 હજાર કરોડ રૂા.નું રોકાણ કરશે. અદાણી ગ્રુપ કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ બનાવી રહ્યું છે. ગૌતમ અદાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિભાને બિરદાવતાં કહ્યું હતું કે, તેમણે સબકા સાથ, સબકા વિકાસનું સપનું સાકાર કરી બતાવ્યું છે. ભારત ગ્લોબલ આર્થિક વિકાસનું કી એન્જીન હોવાનું મોદીજીએ પુરવાર કરી બતાવ્યું છે.
આદિત્ય બિરલા ગ્રુપ ગુજરાતમાં આગામી 3 વરસ દરમિયાન કેમિકલ, ખાણ , ખનિજ, સિમેન્ટ અને સૌર ઊર્જાના ક્ષેત્રમાં 15 હજર કરોડ રૂા.નું મૂડી રોકાણ કરશે.
સુઝુકી મોટર્સના ચેરમેને કહ્યું હતું કે, નજકના ભવિષ્યમાં સુઝુકી મોટર્સનો બીજો પ્લાન્ટ પણ ગુજરાતમાં શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, બીજો પ્લાન્ટ અમે 2020ના સમયગાળા સુધીમાં શરૂ કરી દઈશું. ટાટા ગ્રુપના ચેરમેન એન. ચ્રંદ્રશેખરે કહ્યું હતું કે, ટાટા ગ્રુપ માટે ગુજરાત એક મહત્વનું રાજ્ય છે. અમારા 25 હજારથી વધુ કર્મચારીઓ ગુજરાતમાં 30 વર્ષથી વધુ સમયથી કાયૅરત છે. ગુજરાતમાં ટાટા કેમિકલ્સની ક્ષમતામાં વધારો કરવામાં આવશે.