વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ એન્ડ ટેક્નોલોજી સમિટ ઓક્ટોબરમાં યોજાશે

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2019ના ભાગરૂપે વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ એન્ડ ટેક્નોલોજી સમિટ-2018 11થી 13 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં યોજાશે તેમ પ્રિન્સિપલ સેક્રેટરી એમ. કે. દાસ અને જીઆઇડીસીના મેનેજિંગ ડિરેકટર ડી. થારાએ જણાવ્યું હતું.
અંદાજિત 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ એન્ડ ટેક્નોલોજી સમિટ-2018નું આયોજન કરવામાં આવશે, જેમાં 400થી 500 નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલના પ્રતિનિધિઓ અને 2500 નાગરિકો ભાગ લેશે. 600થી વધારે પ્રદર્શનાર્થીઓ અને 40 હજારથી વધારે મુલાકાતીઓ દુનિયાભરમાંથી હાજર રહેશે.
આ સમિટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત અને દેશમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રે થયેલી ક્રાંતિ અને ઇકો સિસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. વેપાર સાથે સંકળાયેલા લોકો અને તજ્જ્ઞો વચ્ચે બેઠક, વૈશ્વિક તજ્જ્ઞોની પ્રતિક્રિયા, વિચારોનું આદાનપ્રદાન, મૂલ્યાંકન, ફંડ માટેના વિકલ્પો, આગામી પેઢી માટે પડકાર, ટેક-એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. સમિટના માધ્યમથી કોર્પોરેટ્સ લીડર્સ, ઇન્વેસ્ટર્સ, પોલિસીમેકર્સ, ઇન્ક્યુબેટર્સ, સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, ટેક ગુરુ સાથે રૂબરૂ મળવાની તક મળશે.
ઇવેન્ટ માટે સ્ટાર્ટ-અપ થીમમાં એગ્રિટેક, ફિનટેક, સ્માર્ટ એન્ડ શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રિક સોલ્યુશન્સ, મેન્યુફેક્ચરિંગ, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ, હેલ્થટેકનો સમાવેશ થાય છે.
સ્ટાર્ટ-અપ્સ સામે મુખ્ય ત્રણ પ્રકારના પડકાર છે, સ્કેલ-અપ સ્ટેજ, બ્લુમિંગ સ્ટેજ અને આઇડિયા સ્ટેજ. આઠ થીમમાં સ્ટાર્ટ-અપ્સને રૂ. ત્રણ કરોડ સુધીનાં પારિતોષિક અપાશે. ઉલ્લેખનીય છે કે ગત વાઇબ્રન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ટેક્નોલોજી સમિટ 2016માં 26 સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી હતી જેઓને રૂ. 40 લાખનાં પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા.