વાંધાજનક પોસ્ટ બદલ ટ્વિટર જવાબદાર ગણાશે

 

નવી દિલ્હીઃ ટ્વિટર પર કોઈ વાંધાજનક સામગ્રી પોસ્ટ કરવામાં આવે તો તેને જવાબદાર ગણવામાં આવશે. જાણીબૂઝીને સરકારની ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સનું પાલન નહીં કરવા બદલ આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વિટરની બુધવારે ઝાટકણી કાઢી હતી. કાયદાનો અમલ કરાવનારી સરકારી એજન્સીઓ સાથે સંકલન સાધવા ઓફિસરની નિમણૂક કરવી ઈન્ટર મીડિયરી ગાઈડલાઈન્સ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) હેઠળ જરૂરી છે. આ ગાઈડલાઈન્સનું ટ્વિટરે સંપૂર્ણપણે પાલન કર્યું નથી. ભારતમાં ઈન્ટરમીડિયરી સ્ટેટસ (સોશિયલ મીડિયા પ્લેટફોર્મ) ગુમાવવું એટલે કોઈ યુઝર ગેરકાયદે સામગ્રી અપલોડ કરે તો પણ તે પ્લેટફોર્મને પબ્લિશર તરીકે ગણી લઈ તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. કેટલીક વાંધાજનક પોસ્ટ હટાવવા અને તેવી પોસ્ટ પ્રથમ કરનારાની માહિતી સોશિયલ મીડિયાએ સરકારી એજન્સીને આપવી પડે તેવા આઈટી નિયમો ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યા હતા. ફેસબુક, વોટ્સઅૅપ, ટ્વિટર વિગેરે પર પોસ્ટ થતી સામગ્રી પર નિયંત્રણ મેળવવા સરકારનું લક્ષ્ય છે.

પાંચમી જૂને આઈટી મંત્રાલયે ટ્વિટરને પત્ર લખી નિયમોનું પાલન કરવા કહ્યું હતું. ટ્વિટરે મંગળવારે કહ્યું હતું કે વચગાળાના ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે અને થોડા સમયમાં મંત્રાલયને વિગતવાર માહિતી આપીશું.

તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં તાવિજના વેચાણ બાબતમાં થયેલા વિવાદના સંદર્ભમાં રવિશંકર પ્રસાદે કહ્યું કે ફેક ન્યૂઝને ઉઘાડા પાડવામાં ટ્વિટરે રસ લીધો નથી. આ તેના મનમાની અભિગમનું ઉદાહરણ કહી શકાય. તેમણે કહ્યું કે ફેક્ટ ચેકિંગ મિકેનિઝમ બાબતમાં ટ્વિટર અતિ ઉત્સાહી હોય છે, પણ ઉત્તર પ્રદેશના તાજેતરના કેસમાં ફેક્ટ ચેકિંગ કરવામાં ટ્વિટર નિષ્ફળ ગયું છે. ભારતની ફાર્મા અથવા આઈટી અથવા અન્ય કંપની અમેરિકા અથવા અન્ય દેશમાં બિઝનેસ કરે ત્યારે સ્થાનિક કાયદાઓનું પાલન કરે છે તેવું તેમણે કહ્યું હતું. ખોટા વિવાદનો ભોગ બનેલાઓને વાચા આપવા તૈયાર કરાયેલા ભારતીય કાયદાઓનું પાલન કરવામાં ટ્વિટર જેવા પ્લેટફોર્મ કેમ તૈયાર થતા નથી? તેવો પ્રશ્ન તેમણે પૂછયો હતો. ભારતની સંસ્કૃતિમાં ઘણું વૈવિધ્ય છે અને ફેક ન્યૂઝની ચિનગારી સોશિયલ મીડિયા પર અનેકગણી ફેલાઈને આગ લાગવાનું કારણ બની શકે છે. આવી પરિસ્થિતિ ટાળવા ઈન્ટરમીડિયરી ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી હતી. નિયમ પ્રમાણે ચીફ કોમ્પ્લાયન્સ અધિકારીની માહિતી નહીં આપવા બદલ આઈટી મંત્રાલયે ટ્વિટરને પ્રશ્ન કર્યો હતો. કંપની દ્વારા નિમાયેલો રેસિડન્ટ ગ્રીવન્સ અધિકારી અને નોડલ કોન્ટેક્ટ પર્સન નિયમ અનુસાર ટ્વિટર કંપનીનો કર્મચારી હોવો જોઈએ પણ તે નિયમનું પાલન થયું નથી તેવું મંત્રાલયે જણાવ્યું  હતું.