વહીવટમાં બહારના દલાલો-એજન્ટોની દરમિયાનગીરી સાંખી લેવાશે નહીંઃ ભૂપેન્દ્ર પટેલ

 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક દિવસ માટે નવી દિલ્હીની મુલાકાતે હતા. જયાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવો સાથે મહત્ત્વની બેઠકો કરી હતી. 

બીજી તરફ ગાંધીનગરમાં સચિવાલયમાં તેમજ સ્વર્ણિમ સંકુલ ૧ તેમજ ૨-માં નવા નીમાયેલા મંત્રીઓ અને તેમના વિભાગના સચિવો વચ્ચે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. આ સાથે ૧૦થી ૧૫ દિવસની અંદર સચિવાલયમાં, તેમજ પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર આવી રહ્યા હોવાના સંકેત પણ મળી રહ્યા છે. પોલીસ તંત્રમાં ખાસ કરીને જ્ઞાતિવાદ આધારિત નિમણૂંકો થઈ હોવાની ફરિયાદ છેક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોચી છે.

એક નિવૃત્ત ડીવાયએસપીની પોલીસ અધિકારીઓની પોસ્ટિંગમાં દખલગીરી અંગે ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાઓ ધ્યાન દોરવામાં આવ્યું છે. જયારે દિલ્હી દરબારમાંથી સૂચના પણ આવી ગઈ છે કે ગાંધીનગરમાં ગવર્નન્સની બાબતમાં કોઈ બહારના દલાલો અને એજન્ટોની દરમ્યાનગીરી હવે સાંખી લેવાશે નહીં. આગામી તા. ૨૭ અને ૨૮મી સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું બે દિવસીય સત્ર મળી રહ્યું છે, જેના પગલે મંત્રીઓ દ્વારા તેમના વિભાગની કામગીરી સમજવા, વિધાનસભાના પ્રશ્નોના જવાબો સહિતની કામગીરી પણ સરકારમાં ઝડપથી ચાલી રહી છે. રવિવારે પણ ગૃહ રાજય મંત્રી સચિવાલયમાં હાજર રહ્યા હતાં. એટલું જ નહીં તેમણે બેઠકોનો દોર ચાલુ રાખ્યો હતો. ગૃહ વિભાગમાં તેમણે રિવ્યૂ બેઠકો પણ યોજી હતી અને સાંજે ગૃહ રાજય મંત્રી સંઘવીએ એસજી હાઈવે પર એટીએસની ઓફિસની મુલાકાત લાધી હતી. એટલું જ નહીં, સૌરાષ્ટ્રના સાગરકાંઠે કોસ્ટ ગાર્ડ અને એટીએસ દ્વ્રારા સંયુકત્ત ઓપરેશનમાં હેરોઈન જપ્ત કરવાના કેસની સમીક્ષા કરી હતી.

બીજી તરફ આજે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અચાનક અમદાવાદ કલેકટર ઓફિસે પહોંચી ગયા હતા. એટલું જ નહીં તેમણે કલેકટર ઓફિસમા કલેકટર સંદિપ સાંગલે સાથે બેઠક યોજી હતી. જેમાં ઈ-ધરા ખાતેની કામગીરી સહિત કલેકટર કચેરીમાં પડતર મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત એનએ (બિનખેતી) દરખાસ્તો કેટલાં સમયમાં ક્લિયર થાય છે, તે મુદ્દે પણ રિવ્યુ મીટિંગમાં ચર્ચા થવા પામી હતી. શ્રમ અને પંચાયત મંત્રી બ્રીજેશ મેરઝાએ અધિકારીઓ સાથેની રિવ્યૂ બેઠક બાદ કહ્યું હતું કે બોઈલર ફાટવાની દુર્ઘટનામાં ઘણી વખથ શ્રમિકોના મૃત્યુ થતાં હોય છે, જે ના બને અને આવી દુર્ઘટના બને તો અધિકારીઓની જવાબદારી નક્કી કરાશે.

બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે રાજયમાં લઘુત્તમ વેતન ધારાની જોગવાઈનો અમલ થાય તે દિશામાં પગલા લેવાશે. તેમણે કહ્યું હતું કે જામનગરમાં અતિવૃષ્ટિના કારણે ખેતીને નુકસાન થયું છે ત્યારે પંચાયત વિભાગ દ્વારા ૧૨૦ જેટલા ગ્રામ સેવકો દ્વારા સરવેની કામગીરી હાથ ધરાશે. તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરીને સરકારને રિપોર્ટ સુપ્રત કરાશે