વસ્ત્રઃ વ્યક્તિની યોગ્યતાનું દ્યોતક

0
1153

કિં વાસસો તત્ર વિચારણીયં,
વાસઃ, પ્રધાનં ખલું યોગ્યતાયાઃ૤
પીતાંબર વીક્ષ્ય દદૌ સ્વકન્યાં,
ચર્મામ્બરં વીક્ષ્ય વિષં સમુદ્રઃ૤૤
વસ્ત્રનું શું મહત્ત્વ છે, ઉપરોક્ત શ્લોક દ્વારા વ્યક્ત થાય છે. વસ્ત્રથી શું? તે અંગે વિચારવા જેવું છે, કારણ કે વસ્ત્ર જ વ્યક્તિની યોગ્યતાની બાબતમાં મુખ્ય છે. પીતાંબર, પીળું વસ્ત્ર જોઈને સમુદ્રે પોતાની કન્યા લક્ષ્મી ભગવાન વિષ્ણુને આપી જ્યારે ચમામ્બર-ચર્મ જેનું વસ્ત્ર છે તેવા ભગવાન શંકરને ઝેર આપ્યું. આમ આ શ્લોક દ્વારા વસ્ત્રનું મહત્ત્વ જ દર્શાવવામાં આવ્યું છે. ગુજરાતમાં કહેવત છે કે ‘એક નૂર આદમી, હજાર નૂર કપડાં’ એટલે કે માનવી એનાં કપડાંથી જ શોભે છે, એનું વ્યક્તિત્વ કપડાં પરથી જ નીખરી ઊઠે છે. કપડાંનો શોખ અને પોશાકની પસંદગી પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વને નોખો ઓપ આપી વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. ગમે તેટલો મોંઘો ડ્રેસ કે સાડી હશે, પણ તેનો રંગ અને પસંદગી યોગ્ય હોય તો તે વ્યક્તિના વ્યક્તિત્વને વધુ દૈદીપ્યમાન એવું તેજોમય બનાવે છે, ખરુને! લગ્ન, ઉત્સવ, પ્રસંગ વગેરે ઉજવણી એ આનંદનો અવસર છે, તેથી તેને અનુરૂપ પોશાક પસંદ કરાય છે. હળવા રંગ કદાચ ઉદાસીનતા જાહેર કરે, જ્યારે ભભકાદાર રંગ પ્રસન્નતાની અભિવ્યક્તિ કરે છે. દરેક રંગ સુંદર અને મનમોહક હોય છે, પરંતુ રંગ પસંદ કરવાની સૂઝ, આવડત સૌએ કેળવવાની રહે છે. ત્વચાના રંગ સાથે કપડાના રંગની પસંદગી અતિ મહત્ત્વની છે, જ્યારે ઘઉંવર્ણ અને શ્યામવર્ણ હોય તેમને રંગની પસંદગી પ્રત્યે સતર્કતા રાખવાની રહે છે, તેથી જ શ્યામ રંગના લોકોને સફેદ રંગનાં વસ્ત્રો ખૂબ જ દીપી ઊઠે છે. રંગ અને ત્વચાના મેળ બાદ ઋતુ અનુસાર પોશાક પહેરવા અતિ આવશ્યક છે, જે પહેરનાર અને જોનાર બન્નેને અગવડ અનુભવવા દે છે. શિયાળામાં રંગીન કપડાં, જાડાં કપડાં, હૂંફ આપે, જ્યારે ઉનાળામાં કોટન, પાતળાં કપડાં રાહત આપે. ચોમાસામાં ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં નાયલોન, પોલિસ્ટર, સ્પન મટીરિયલવાળા કપડાં વધુ સારાં રહે, સાથે ઉંમરનું પાસું પણ મહત્ત્વનું છે.
વ્યવસાય પ્રમાણે પોશાક પહેરવામાં આવે છે. પહેલાં શિક્ષક ધોતિયું, પહેરણ અને ટોપી પહેરતા હતા, પણ સમયની સાથે પરિવર્તન આવતાં હવે શિક્ષક માટે નિશ્ચિત પોશાક રહ્યો નથી, છતાં સુઘડ અને સ્વચ્છ કપડાં શિક્ષક પરિધાન કરે તે જરૂરી છે. પોલીસનો પોશાક જુદો તો સૈનિકનો પોશાક જુદો. હોટેલ મેનેજરનો પોશાક જુદો તો વેઇટરનો પોશાક જુદો, સ્ટેશન માસ્ટરનો પોશાક જુદો તો કુલીનો પોશાક જુદો. આમ પોશાક વ્યક્તિના વ્યવસાયની ઓળખ આપે છે.
પોશાક દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ વ્યક્ત થાય છે. કોલેજના આચાર્ય, અધ્યાપક સૂટ-ટાઈમાં સજ્જ થઈને કોલેજમાં જાય ત્યારે તેમનો પ્રભાવ કંઈક જુદો જ હોય છે. ડોક્ટર અને નર્સ સફેદ પોશાકમાં દીપી ઊઠે છે, તો વકીલો કાળાં કપડાંમાં. સફેદ રંગ સેવાનું પ્રતીક છે, તેથી જ ડોક્ટરો એ પહેરવાં પસંદ કરે છે.
સચ્ચિદાનંદ સ્વામી, પ્રમુખસ્વામી મહારાજ, મોરારીબાપુ, જશભાઈ સાહેબ વગેરેના પોશાકમાં સંતના વ્યક્તિત્વની ઝાંખી થાય છે. સંતોનો પોશાક જુદો તો સાધુઓનો પોશાક જુદો. ભગવો રંગ એ ત્યાગનું પ્રતીક છે, તેથી જ સાધુ, સંતો, સંન્યાસી વગેરે ભગવા રંગનાં વસ્ત્રો પહેરવાં વધુ પસંદ કરે છે. સ્વામી વિવેકાનંદજીનો પોશાક તેમના ભવ્ય વ્યક્તિત્વને ઉજાગર કરે છે તો મહાત્મા ગાંધીનો પોશાક તેમના ‘મહાત્મા’ના બિરુદને જાણે ચરિતાર્થ કરે છે. યુગપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનો ગુજરાતી પોશાક પણ તેમના મહાન વ્યક્તિત્વની ચાડી ખાય છે. ગાંધીજીના સાદગીપૂર્ણ પોશાકથી અંગ્રેજો પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા.


આમ પોશાક દ્વારા વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રગટ થતું હોવાથી જ વિવિધ સેવાનાં ક્ષેત્રોમાં નિયત પોશાક પસંદ કરાય છે. એટલું જ નહિ, વસ્ત્રના રંગ પણ જે તે ક્ષેત્રની કામગીરીનું પણ પ્રતિબિંબ અવશ્ય પાડે છે. મોટી કંપનીઓમાં ઉચ્ચ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ માટે સૂટ-ટાઈમાં સજ્જ થઈને આવવું ફરજિયાત બનાવાય છે, કારણ કે હોદ્દાની સાથે સાથે કર્મચારીઓ પર તેમના વ્યક્તિત્વનો પણ પ્રભાવ પડે જ પડે. ચર્ચમાં ફાધરનો પોશાક તેમના સેવાધર્મને ઉજાગર કરે છે તો મૌલવીનો પોશાક તેમના ધર્મગુરુના વ્યક્તિત્વની ઝાંખી કરાવે છે. આમ, દરેક ધર્મમાં પણ ધર્મગુરુઓના પોશાક નિયત હોય છે, જેમાં તેમની એક આગવી ઓળખ સ્પષ્ટ થાય છે. બેન્ડવાજાંવાળાનો પોશાક અલગ તો સરકસવાળાનો અલગ, જોકરનો પોશાક પણ અલગ. પહેલાં રાજા-મહારાજાઓ પોતાના પોશાકથી અલગ જ તરી આવતા હતા. છત્રપતિ શિવાજી, મહારાણા પ્રતાપ વગેરે પોશાક અને મહારાજાના વ્યક્તિત્વની ચાડી ખાય છે. વસ્ત્ર યોગ્યતાની બાબતમાં મુખ્ય છે, તેથી જ દરેક શાળા પોતાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે સમાજમાં અલગ પડે, શોભી ઊઠે તેવો ગણવેશ પસંદ કરે છે અને દરેક શાળા પોતાના વિદ્યાર્થીઓ નિયત ગણવેશ પરિધાન કરે તેવો અગ્રહ રાખે છે. પોશાક ભવ્ય ન હોય તો ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં બેઠા હોઈયે તો હાંસીપાત્ર લાગીએ, પણ પોશાક ભવ્ય હોય તો સેકન્ડ ક્લાસમાં બેઠા હોઈએ તો પણ ફર્સ્ટ ક્લાસ જ લાગીએ, ખરૂને!
પ્રાચીન સમયમાં લોકો વલ્કલ, ઝાડની છાલનાં વસ્ત્રો પહેરતા હતા, પરંતુ સમયના પ્રવાહની સાથે સાથે વસ્ત્રોમાં પણ ગજબ પરિવર્તન આવ્યું છે. આજે બહેનો હોંશથી પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, ટ્રાઉઝર વગેરે પરિધાન કરે છ, જેમાં કશું ખોટું નથી. જે વસ્ત્રથી તેમનું વ્યક્તિત્વ દીપી ઊઠતું હોય તે પ્રમાણે તેઓ વસ્ત્રની પસંદગી કરે, તે ઉચિત જ છે ને! આજે ખાસ કરીને નવી પેઢી વસ્ત્ર-પસંદગીની બાબતમાં ખૂબ જ સજાગ બની ગઈ છે. પછી તે ગણવેશ પહેરવાનો હોય કે નાઇટ ડ્રેસ, લગ્નપ્રસંગ હોય કે પાર્ટી હોય, પણ નવી પેઢીના શોખના કારણે વસ્ત્રની બાબતમાં આજે અપાર વૈવિધ્ય જોવા મળે છે.
આજે શિક્ષણને કારણે ક્રાંતિનો જે પવન ફૂંકાયો છે તેમાં વસ્ત્ર પણ બાકાત નથી, આજે વસ્ત્રમાં આવેલી ક્રાંતિને કારણે ધર્મ, કોમ, નાત, જાત, ઊંચ-નીચ વગેરેના ભેદભાવ ભુલાતા જાય છે. આમ વસ્ત્ર ભાઈચારાની ભાવનાને બળવત્તર બનાવવામાં જાણે નિમિત્ત બને છે. વસ્ત્ર જ્ઞાતિ, ધર્મ વગેરેના વાડાથી પર છે. વસ્ત્ર જાણે વિશ્વબંધુત્વનો સંદેશ આપે છે કે આપણે સૌ સમાન છીએ! આઝાદી પહેલાં ગાંધીટોપી, સફેદ ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે ક્યાંક ક્યાંક આ ટોપી ડોકાય છે. બાકી ગાંધીજીની જેમ તેમની આ ટોપી પણ વીસરાવા લાગી છે. છતાં આજે પણ જેઓ સફેદ ટોપી પહેરે છે, તેમનો જુસ્સો અને વ્યક્તિત્વ એક સ્વાતંત્ર્યસેનાનીની જેમ મજબૂત જોવા મળે છે. વસ્ત્રમાં અપાર વૈવિધ્ય હોવાથી કેવાં વસ્ત્રો પહેરવા તે અંગે ખૂબ સજાગ થવાની જરૂર છે. આપણે રૂપાળા હોવા છતાં કદરૂપા દેખાઈએ, આછકલા દેખાઈએ તેવાં વસ્ત્રો કદી પહેરવાં ન જોઈએ, નહિ તો સમાજમાં હાંસીપાત્ર બનવાનો સંભવ છે. આજે વસ્ત્રનું મહત્ત્વ છે, તેથી જ પ્રતિવર્ષ કોલેજમાં સાડી ડે, ફ્રેન્સી ડ્રેસ ડે એમ વિવિધ ડેની ઉજવણી કરવામાં આવે છે. જોકે વણજારા કે અન્ય વિચરતિ જાતિઓએ હજી પોતાના પોશાક ખરેખર જાળવી રાખ્યાં છે, કારણ કે તે પોશાક તેમના આગવા વ્યક્તિત્વની ઓળખ આપે છે. ભગવાનને પણ વિવિધ પોશાક ગમે છે, તેથી જ પૂજારી અને આપણે પણ ભગવાનને વિવિધ વાઘા પહેરાવીએ છીએ, જેથી તે આકર્ષક અને મનોહર લાગે, પછી તે ભગવાન શ્રીકૃષ્ણ હોય કે રામ કે અન્ય, ખરુંને!

લેખક સાહિત્યકાર અને કેળવણીકાર છે.