વસતિની દ્રષ્ટિએ કોરોના રસીકરણમાં ગુજરાત રાજ્ય દેશમાં મોખરે

 

ગાંધીનગરઃ રાજ્યના ચાર કરોડથી વધુ નાગરિકો કોરોનાની રસીનો પ્રથમ અથવા બીજો ડોઝ મેળવી ચૂક્યા છે. જેના આધારે ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પ્રતિ મિલિયન અને વસતીની દ્રષ્ટિએ દેશમાં મોખરે રહ્યું છે, તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં રસીનો બીજો ડોઝ લેવા પહોંચ્યા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

નીતિન પટેલે વધુમાં કહ્યું હતુ કે રાજ્યભરમાં ૨૫૦૦થી વધુ કોરોના રસીકરણ કેન્દ્રો પર મેડિકલ અને પેરામેડિકલ દ્વારા કોરોના રસીકરણની કામગીરીને વ્યાપક બનાવવામાં આવી છે. સમગ્રતયા સંચાલન સુપેરે કરીને આ સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે કોરોના રસીકરણના માટેના વધુમાં વધુ જથ્થો ગુજરાત રાજ્યને પુરતો પાડીને રાજ્યના કોરોના રસીકરણ અભિયાનને વ્યાપક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. હાલ આરોગ્ય વિભાગ પાસે ૧૩ લાખ જેટલા કોરોનાની રસીનો જથ્થો ઉપલબ્ધ છે. આજે પણ ૬ લાખ જેટલા નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે.

તેઓએ નાગિરકોને કોરોના રસીકરણ અભિયાનમાં જોડાઇને જલ્દીથી વેક્સિન લઇને કોરોના સામે સુરક્ષિત થવા અપીલ કરી હતી. સોલા સિવિલ હોસ્પિટલના સંદર્ભમા તેઓએ દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં આવતા હોવાનું જણાવ્યું હતુ. તેમજ મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાને સંકલિત કરીને પી.એમ. જે. વાય . યોજનામાં આવરી લેવામાં આવી છે. જેનો લાભ પણ રાજ્યભરની હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં લઇ રહ્યા છે.