વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં સ્વામીનારાયણના ‘અક્ષર પુરુષોત્તમ દર્શન’ને માન્યતા

17મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં ભગવાન સ્વામિનારાયણના અક્ષર પુરુષોત્તમ દર્શનને વેદાંત પરંપરા તરીકે માન્યતા આપવામાં આવી હતી. તસવીરમાં ડાબેથી જમણે વી. કુટુંબા શાસ્ત્રી (પ્રેસિડન્ટ-ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝ, વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વડા), સદ્ગુરુ પૂજય ઈશ્વરચરણ સ્વામી, મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, પ્રો. આકલુજકર (વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ સેક્રેટરિયેટના સભ્ય), પ્રો. જયોર્જ કારડોના (યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા).

વાનકુવર (કેનેડા)ઃ તાજેતરમાં વાનકુવર – કેનેડામાં 17મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભગવાન સ્વામિનારાયણ વિશેનાં ‘અક્ષર પુરુષોત્તમ દર્શન’ને વેદાંત પરંપરા તરીકે માન્યતા મળી હતી. 17મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં અગ્રગણ્ય આંતરરાષ્ટ્રીય ફોરમ દ્વારા ભગવાન સ્વામિનારાયણનાં અક્ષર પુરુષોત્તમ દર્શનને પ્રથમ નવી વેદાંતા આંતરરાષ્ટ્રીય શાળા તરીકે માન્યતા આપવામાં આવી હતી. 21મી સદીના નૂતન અને મૌલિક આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણનાં અક્ષર પુરુષોત્તમ દર્શનને વધાવવામાં આવ્યાં હતાં.
નવમીથી તેરમી જુલાઈ દરમિયાન કેનેડામાં આયોજિત આ કોન્ફરન્સમાં યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં પશ્ચિમી દેશોની જાણીતી વિવિધ યુનિવર્સિટીઓ અને ભારત સહિત પૂર્વના વિદ્વાનોએ સંસ્કૃત ભાષા, સાહિત્ય, તત્ત્વજ્ઞાન સહિતના વિષયો પર વિચારવિમર્શ કર્યો હતો.
નવમીથી દસમી જુલાઈ દરમિયાન વિશ્વ સંસ્કૃત સમારંભના મંચ પરથી પ્રાચીન ભારતીય વેદાંત પરંપરામાં શ્રીમદ આદિ શંકરાચાર્ય, શ્રીમદ રામાનુજાચાર્ય, શ્રીમદ વલ્લભાચાર્ય, શ્રીમદ નિમ્બાર્કાચાર્યા જેવા મહાન આચાર્યો દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની વિવિધતાનો પરિચય આપવામાં આવ્યો હતો.
આ જ મંચ પરથી ભગવાન સ્વામિનારાયણના અક્ષર પુરુષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.
નવમી જુલાઈએ સવારે યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયામાં ચાન સેન્ટરના ઓડિટોરિયમમાં કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ભગવાન સ્વામિનારાયણના અક્ષર પુરુષોત્તમ દર્શન વિશે ખાસ સત્ર પણ યોજાયું હતું.
આ સત્ર દરમિયાન જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના સ્કોલર અશોક આકલુજકર, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ઇન્ટરનેશનલ કો-ઓર્ડિનેટર ઈશ્વરચરણ સ્વામી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોન્ફરન્સને સંબોધન કરતાં ઈશ્વરચરણ સ્વામીએ સંસ્કૃતમાં આશીર્વચન પાઠવી સંસ્કૃત ભાષામાં પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સાથે ભાવાંજલિ આપી હતી.

મહામાહોપાધ્યાય ભદ્રેશદાસસ્વામી 17મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં પોતાના ગુરુ પ્રમુખસ્વમી મહારાજ વિશે પ્રવચન આપી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજે તેમને અક્ષર પુરુષોત્તમ દર્શન લખવાની પ્રેરણા આપી હતી.

17મી વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં ભગવાન સ્વામીનારાયણના અક્ષર પુરુષોત્તમ દર્શનને વેદાંત પરંપરા તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ પ્રસંગે વી. કુટુંબા શાસ્ત્રી (પ્રેસિડન્ટ-ઇન્ટરનેશનલ એસોસિયેશન ઓફ સંસ્કૃત સ્ટડીઝ, વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સની ઓર્ગેનાઇઝિંગ કમિટીના વડા), સદ્ગુરુ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી, પ્રો. આકલુજકર (વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ સેક્રેટરિયેટના સભ્ય), પ્રો. જ્યોર્જ કારડોના (યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા) હાજર રહ્યા હતા. આ ઐતિહાસિક મહાસંમેલનના સાક્ષી બનવા માટે લગભગ 40 દેશોમાંથી 600થી વધુ પ્રખ્યાત સંસ્કૃત તજ્જ્ઞો અને શિક્ષણકારો ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ વાર આ કોન્ફરન્સ કેનેડામાં યોજાઈ હતી.
બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના સાધુ ભદ્રેશદાસ દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શન, સ્વામીનારાયણ ભગવાન અને સ્વામીનારાયણ સિદ્ધાંત-સુધા વિશે સંસ્કૃત ભાષામાં અદ્વિતીય કાર્ય કરવામાં આવ્યું છે, જેઓ પોતે પણ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં લોન્ચિંગ પ્રસંગે હાજર રહ્યા હતા.
ભદ્રેશદાસ સ્વામીની સિદ્ધિના મહત્ત્વ વિશે યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના પ્રો. દેવેન પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉદ્ઘાટન સત્રમાં ભદ્રેશદાસ સ્વામીએ અક્ષર પુરુષોત્તમ દર્શનના સિદ્ધાંતો દર્શાવ્યા હતા.