વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતને પછાડતું ન્યુ ઝીલેન્ડ

 

સાઉધમ્પટનઃ વરસાદનું વિઘ્ન, ખેલ રદ થવાની ઘટનાઓ?છતાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ડ્રો કરીને પણ ટેસ્ટ મેચ બચાવી શક્યું નહોતું. ન્યુ ઝીલેન્ડે પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ટાઇટલ અત્રે છઠ્ઠા અને છેલ્લા દિવસે બુધવારે સરળતાથી જીતી લીધું હતું. ભારતના ૧૩૯ રનના લક્ષ્ય સાથે રમવા ઉતરેલી ન્યુ ઝીલેન્ડની ટીમે ફક્ત બે વિકેટ ગુમાવી ૧૪૦ રન કર્યા હતાં. રોસ ટેલર અને કેન વિલિયમ્સને ત્રીજી વિકેટ માટે ૯૬ રનની અણનમ ભાગીદારી કરી હતી.

રોસ ટેઈલર ૪૭ રન અને કેન વિલિયમ્સન ૪૬ રન બનાવ્યા હતા. ભારતનો બીજો દાવ ફક્ત ૧૭૦ રનમાં સમેટાઈ ગયો હતો. તે પછી ભારતીય પ્રશંસકોમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું. ઓફ સ્પીનર આર. અશ્વિને શરૂઆતમાં બે વિકેટ લેતાં ભારતીય પ્રશંસકોને થોડી આશા જાગી હતી પણ વિલિયમ્સન અને ટેલરે ધીરજપૂર્વક ચિત્ર બદલી નાખ્યું હતું.

ભારત તરફથી ઇશાંત શર્મા, મહંમદ શમી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા કોઈપણ વિકેટ મેળવવામાં નિષ્ફળ ગયા હતા.

અગાઉ બુધવારે ભારતે ૬૪/૨ના સ્કોરથી રમવાની શરૂઆત કરી હતી. જો કે ભારતનો કોઈ બેટ્સમેન ઝાઝુ ટકી શક્યો નહોતો અને ભારતની ટીમ ૧૭૦ રને તંબૂ ભેગી થઈ ગઈ હતી. જેમાં રિષભ પંત ૪૧ રન સાથે ટોપસ્કોરર હતો. રોહિત શર્મા ૩૦, વિરાટ કોહલી ૧૩, ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ ૧૫-૧૫ રન બનાવ્યા હતાં. ન્યુ ઝીલેન્ડ વતી ટીમ સાઉધીએ ૪૮ રનમાં ચાર વિકેટ લીધી હતી.